મંગળવારે નાગ પંચમી, બુધવારે રાંધણ છઠ્ઠ, ગુરૂવારે શિતળા સાતમ અને શુક્રવારે જન્માષ્ટમી પર્વની ઉજવણી: બે વર્ષ બાદ તહેવારોની રંગત જામશે

બે વર્ષના લાંબા અંતરાલ બાદ સૌરાષ્ટ્રમાં તહેવારોની રંગત જામશે. આગામી સોમવારથી બોળચોથ સાથે સાતમ-આઠમના પર્વનો આરંભ થશે. સતત પાંચ દિવસ સુધી વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવશે. ઠેર-ઠેર લોકમેળા યોજાશે. સૌરાષ્ટ્રવાસીઓ હવે ફેસ્ટીવલ મુડમાં આવી ગયા છે. સરકારી કચેરીઓમાં આજથી ત્રણ દિવસનું મિનિ વેકેશન છે. આવતા સપ્તાહથી રજાનો માહોલ જોવા મળશે.

સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના તહેવારોનું સવિશેષ મહત્વ રહ્યુ છે. જન્માષ્ટમી પર્વમાં અલગ-અલગ ગામોમાં લોકમેળા યોજાતા હોય છે. સોમવારે બોળચોથ છે. આ દિવસથી સાતમ-આઠમના તહેવારો શરૂ થઇ જતા હોય છે. બોળ ચોથના દિવસે પરિણીત મહિલાઓ ઉપવાસ-એકટાંણા રાખતી હોય છે. ઘઉમાંથી બનાવવામાં આવેલી કોઇ ચીજ વસ્તુઓ ભોજનમાં લેતી નથી. ગાયનું દુધ પણ પીવામાં આવતુ નથી. ગાય અને વાછરડાનું પુજન કરવામાં આવે છે. મંગળવારે નાગપંચમીની ઉજવણી કરવામાં આવશે.

આ દિવસે નાગદેવતાનું પુજન કરવામાં આવે છે. બુધવારે રાંધણ છઠ્ઠ છે. આ દિવસે મહિલાઓ દ્વારા વિવિધ પ્રકારના પકવાન બનાવવામાં આવતા હોય છે. શિતળા સાતમના દિવસે ટાઢુ ખાવાની પરંપરા હોય રાંધણ છઠ્ઠના દિવસે બનાવવામાં આવેલી રસોઇ સાતમના દિવસે ખોરાકમાં લેવામાં આવતી હોય છે. આ દિવસે મહિલાઓ શિતળા માતાજીની પુજા-અર્ચના કરતા હોય છે અને પોતાના બાળક નિરોગી રહે તેવી મનોકામના કરવામાં આવે છે.

જન્માષ્ટમીની ઉજવણી માત્ર સૌરાષ્ટ્ર જ નહી સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ભારે ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે કરવામાં આવતી હોય છે. ગામે-ગામ મટકી ફોડ નંદોત્સવ જેવા કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવતી હોય છે.

વૈશ્ર્વિક મહામારી કોરોનાના કારણે બે વર્ષ સુધી સાતમ-આઠમના પર્વની ઉજવણીને જોખમ લાગી હતી. દરમિયાન આ વર્ષ કોરોનાનો ડંશ ઘટતા મોટાભાગના નિયંત્રણો હળવા થઇ ગયા છે. લોકમેળા યોજવાની પણ છૂટછાટ આપવામાં આવી છે. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ સાતમ-આઠમના મેળા યોજાશે. રાજકોટમાં રાંધણ છઠ્ઠના દિવસે પાંચ દિવસીય લોકમેળાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે ખૂલ્લો મુકવામાં આવશે.

સાતમ-આઠમના પર્વને લઇને લોકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યારથી લોકો ફેસ્ટીવલ મુડમાં આવી ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.