- 32 હજાર સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાંથી અંદાજે 50 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહેશે
રાજ્યની તમામ સ્કૂલોમાં ધો.3થી 8ની દ્વિતીય શાળાકીય પરીક્ષા આજથી, એટલે કે 4 એપ્રિલથી 23મી એપ્રિલ વચ્ચે લેવાશે. દરેક સ્કૂલોમાં એકસૂત્રતા રહે તે માટે જિલ્લા, કોર્પોરેશન, નગરપાલિકા સહિતની સ્કૂલોમાં એકસાથે જ પરીક્ષાનું આયોજન કરવા તાકીદ કરાઈ છે. રાજ્યની 32 હજાર સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાંથી અંદાજે 50 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉપસ્થિત રહેશે. વિભાગે અગાઉ જાહેર કરાયેલા પરિરૂપ પ્રમાણે પરીક્ષા લેવાની તાકીદ કરવામાં આવી છે.રાજ્યની તમામ સ્કૂલોમાં પરીક્ષા કયારે લેવી તે અંગે કોઇ દ્વિધાભરી સ્થિતિ ન રહે તે માટે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા વિસ્તૃત ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જે પ્રમાણે ધો.3થી 8ની સ્કૂલોમાં દ્વિતીય સત્રાંત પરીક્ષાઓ વિષય પરિરૂપ તૈયાર કરવામાં આવ્યું છે.
સ્કૂલોએ આ પરિરૂપ પ્રાથમિક શિક્ષણાધિકારી પાસેથી મેળવી લેવાની સૂચના અપાઈ છે. પરિરૂપ પ્રમાણે ધો.3થી 5ની પરીક્ષા 4 એપ્રિલ એટલે કે આવતીકાલથી લેવાની રહેશે. ધો.6થી 8ની પરીક્ષા આગામી 13મી એપ્રિલથી 23મી એપ્રિલ સુધીમાં લેવાની રહેશે. ધો.3થી 5માં કુલ 40 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે, આ માટે બે કલાકનો સમય અપાશે. દરેક પેપરદીઠ 40 માર્કસ રહેશે. સ્કૂલોઓ પરીક્ષાનો સમય મોટાભાગે સવારે 8થી 10 દરમિયાન રાખવાનો રહેશે. આ જ રીતે ધો.6થી 8માં દરેક વિષયદીઠ 80 માર્કસનું પેપર રહેશે. આ પરીક્ષાનો સમય પણ સવારે 8થી 11 વાગ્યા સુધીનો રહેશે. એટલે કે, ધો.6થી 8ની પરીક્ષામાં ત્રણ કલાકનો સમય આપવામાં આવશે.જ્યારે ધો.3થી 5માં બે કલાસનો સમય રહેશે. ધો.3થી 8માં વિવિધ વિષયોમાં GCERT દ્વારા તૈયાર કરવામાં આવેલા અભ્યાસક્રમની માસ પ્રમાણે કરાયેલી ફાળવણી પ્રમાણે ડિસેમ્બર 23થી માર્ચ 24 સુધીનો અભ્યાસક્રમ પરીક્ષામાં ધ્યાનમાં લેવાનો રહેશે.
ધો.4 અંગ્રેજી દ્વિતીય ભાષામાં સમગ્ર વર્ષનો અભ્યાસક્રમ ધ્યાનમાં લેવામાં આવશે. સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ ગુજરાતી (પ્રથમ ભાષા), ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ વિષયના કસોટીપત્રો રાજ્યકક્ષાએથી આપવામાં આવેલા માળખાં-પરિરૂપ પ્રમાણે શાળાકક્ષાએ તૈયાર કરવાના રહેશે. એટલું જ નહીં, પરીક્ષા પણ દર્શાવેલા સમયે જ લેવાની રહેશે. આ સિવાયના વિષયોની પરીક્ષા સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓ પોતાની રીતે શાળાકક્ષાએ નિયત સમયપત્રક પ્રમાણે લઇ શકશે. સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓએ સમાન કસોટીપત્રો અને સમયપત્રકનો ચુસ્ત અમલ કરવાનો રહેશે. ગ્રાન્ટેડ શાળાઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કસોટીપત્રો માટે નિયત રકમ ચૂકવવાની રહેશે.