૧૩૪ કેન્દ્રો પર ૧૬૪૫૯ વિધાર્થીઓ પરીક્ષા આપશે: હાલ પરીક્ષા ન આપી શકે તેવા વિદ્યાર્થીઓને સપ્ટેમ્બર માસમાં વધુ એક તક અપાશે
પરીક્ષા પૂર્વે યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.દેસાણીએ કણસાગરા કોલેજમાં જઇ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી અને કેન્દ્રની મુલાકાત લીધી
કોરોના કાળ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અનુસ્નાતક કક્ષાની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં ૧૩૬ કેન્દ્રમાં ૧૬ હજાર ૪૫૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. જો કે કોરોનાના કારણે ચોક્કસ ગાઇડલાઇન મુજબ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે થોડા દિવસ પહેલાં જ યુનિવર્સિટીના કુલપતિ સહિત ૨૫ કર્મચારી કોરોના સંક્રમિત આવ્યાં છે. આમ અનુસ્નાતકની પરીક્ષા વિધાર્થીઓ ભય વચ્ચે આપી રહ્યા છે. આજે પરીક્ષા પૂર્વ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ કણસાગરા કોલેજમાં જઈ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી અને પરીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી.પરીક્ષા કેન્દ્ર પર તમામ વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ચેકીંગ કરવામાં આવ્યું હતું અને સેનેટાઇઝરની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત આ વખતે કોઈ કારણોસર પરીક્ષા ન આપી શકનારા વિદ્યાર્થીઓ સપ્ટેમ્બર માસમાં ફરી પરીક્ષા આપી શકશે.
ઉલ્લેખનીય છે કે, ૨૬મી ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોવિડ૧૯ના ટેસ્ટ તેમજ હેલ્થ પ્રક્રિયા કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેથાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે ત્યારબાદ યુનિવર્સિટીના તમામ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ તેમજ હેલ્થ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં ગઇકાલે વધુ ૬ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં સિન્ડિકેટ સભ્ય ગિરીશ ભીમાણી સહિત ૯ કર્મી કોરોનાગ્રસ્ત થયા છે. આમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધતા સંક્રમણને લઇને વિદ્યાર્થીઓમાં ફફડાટ જોવા મળે છે.