એપોઈમેન્ટ લેનાર એક વ્યક્તિને જ પ્રવેશ : કચેરીમાં માસ્કનો ઉપયોગ ફરજિયાત
જૂનાગઢ જિલ્લામાં આરટીઓ કચેરીનું કામકાજ આજથી રાબેતા મુજબ ચાલુ થયું છે. પરંતુ કોરોના સંક્રમણ ના પગલે એપોઇન્ટમેન્ટ લઈ આવનાર અરજદારને જ કચેરીમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જ્યારે સાથે આવનાર વ્યક્તિ કે વાલીને પ્રવેશ નહીં અપાઈ.
આરટીઓ ની અખબારી યાદી મુજબ વાહન લાયસન્સ સંબંધિત કામગીરી માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ ફરજિયાત કરવામાં આવેલ છે. આ કામગીરી માટે અરજદારોને એપોઈન્ટમેન્ટ તા. ૨૧/૩/૨૦૨૦ થી તા.૩/૬/૨૦૨૦ દરમિયાન હોય તો તેઓએ ફરી ઓનલાઇન એપોઇમેન્ટ લેવાની રહેશે. જે અરજદારોને લર્નિંગ લાઇસન્સની સમય મર્યાદા તા. ૨૧/૩/૨૦૨૦ થી તા. ૩૧/૭/૨૦૨૦ વચ્ચે પૂર્ણ થયેલ હોય કે થવામાં હોય તેવા અરજદારો તારીખ ૩૧/૭/૨૦૨૦ સુધીમાં ડ્રાઈવિંગ લાયસન્સ ટેસ્ટ આપી શકશે. જેના માટે કોઈ વધારાની ફી ભરવાની રહેશે નહી.
આ ઉપરાંત હાલ ફેસલેસ પદ્ધતિથી કેટલીક સેવાઓ મેળવવાનુ અમલમાં હોય ત્યારે જે તે સેવા અરજદાર ઘરે બેઠા મેળવે તે ઇચ્છનીય છે. આ સેવાઓ મેળવવા અરજદારે કચેરીએ રૂબરૂ જ આવવું જરૂરી નથી પરંતુ ખાસ કિસ્સામાં કચેરીએ રૂબરૂ જવાનો પ્રશ્ન હોય તો ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઈને જવાનું રહેશે. તથા આંતર રાજ્ય વાહન માલિકી તબદીલ, આરસી કેન્સલ, ડીએ, પરત મેળવવા માટે ઓનલાઇન વિકલ્પો ઉપલબ્ધ ન હોય, એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે નહીં તથા કોરોના મહામારીને ધ્યાને લેતા અરજદાર આરટીઓ કચેરી પરિસરમાં એપોઇન્ટમેન્ટના ૧૫ મિનિટ અગાઉ અને એપોઇન્ટમેન્ટ લેટર હાર્ડ કોપી, સોફ્ટ કોપીમાં રજૂ કરીને જ પ્રવેશ કરી શકશે.
જૂનાગઢ આરટીઓ ખાતે ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ ટ્રેક સવારે ૯ થી સાંજે ૬-૩૦ સુધી કાર્યરત રહેશે. જેથી બિનજરૂરી ભીડ ન કરવા લોકોને તાકીદ કરવા સાથે માસ્કનો ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે.એચએસઆરપી નંબર પ્લેટ ફીટમેન્ટ માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઈને બપોરના ત્રણ કલાક બાદ જ આરટીઓ કચેરી આવવાનું રહેશે.
વધુ માહિતી માટે ટેલિફોન નંબર ૦૨૮૫- ૨૬૧૦૬૯૧ અથવા rto-trans-jungujarat.gov.in પર પર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.