દેશભરનાં મહામંડલેશ્ર્વર, થાણાધિપતિ, સાધુ સંતોનું ભવનાથમાં આગમન: 250થી વધુ અન્ન ક્ષેત્રો ધમધમ્યા
અબતક, દર્શન જોશી, જૂનાગઢ
શંખ, ડમરુ તથા “બમ બમ ભોલેનાથ”, “જય જય ગિરનારી” ના ગગનભેદી નાદ, શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર, વિધિ – વિધાન અને સંતો – મહંતો તથા શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિ વચ્ચે ભવનાથ મંદિરના 80 ફૂટ ઊંચા શિખર પર ધ્વજા રોપણ બાદ આજ સવારના 10 વાગ્યાથી ભક્તિ, ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સમા ભવનાથના શિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે.
ભજન, ભકિત અને ભોજનનો ત્રિવેણી સંગમ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત, બે વર્ષ બાદ મહાશિવરાત્રીનો મેળો યોજાતા ભાવિકો ઉમટયા
આધ્યાત્મિક રીતે સર્વશ્રેષ્ઠ તીર્થ ભૂમિ ગિરનાર છે, ત્યારે આજે 10 વાગ્યે ધ્વજા રોપણ સાથે જ અહીં આવેલા અનેક તપસ્વીઓ, જોગીઓના ધુણા પ્રજવલિત થયા છે, અને આ તપસ્વીઓ શિવ તપશ્ચર્યા અને આરાધના, ઉપાસનામાં લીન થયા છે. આ તપસ્વીઓનો શ્રધ્ધાળુ ભાવિકો દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે. બીજી બાજુ ગિરનાર તીર્થ ક્ષેત્ર સાધુઓનું પીયર ગણાય છે ત્યારે આ વર્ષે દર વર્ષ કરતાં આ વર્ષના મેળામાં વધુ સંખ્યામાં દેશભરના મહામંડલેશ્વર, થાણા ધિપતી, સહિતના સાધુ-સંતો-મહંતો મોટી સંખ્યામાં ભવનાથ ખાતે પધારયા છે, તથા પધારી રહ્યા છે.
બીજી બાજુ છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે ગુજરાતમાં તમામ મેળાઓ બંધ રહ્યા હતા ત્યારે ભવનાથ ખાતે આવતીકાલથી પાંચ દિવસીય શિવરાત્રી મેળો યોજાઇ રહ્યો છે ત્યારે આ વર્ષના શિવરાત્રી મેળામાં લગભગ 15 લાખથી વધુ યાત્રિકો, ભાવિકો આ મેળામાં આવશે તેવું પણ અનુમાન થઈ રહ્યું છે.ત્યારે ભક્તિ સાથે ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમા ભવનાથનો શિવરાત્રિ મેળો માણવા આવતા ભાવિકો માટે ભવનાથ ક્ષેત્રમાં આવેલા મોટાભાગના સાધુ-સંતોના આશ્રમો તથા મંદિરોમાં અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યાા છે આ સાથે લગભગ 250 જેટલા અન્નક્ષેત્ર ચાલુ કરી દેવામાં આવ્યા છે જ્યાં ભાવિકોને ગુજરાતી, કાઠીયાવાડી, પંજાબી સહિતના ભાવતા ભોજનો અને મીઠાઈ મેળા ના પાંચ દિવસો દરમિયાન પીરસાશે. સાથે યાત્રાળુઓ માટે આરામદાયક સુવા, બેસવાની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.આ સાથે ભવનાથ ક્ષેત્રના તમામ મંદિરો તથા આશ્રમમાં સતત પાંચ દિવસ સુધી સંતવાણી, ભજન, લોક સાહિત્ય, ગીત, ગરબાના કાર્યક્રમો ગુજરાતના છેવાડાના ગામડાના નાના કલાકારથી લઈને મોટા ગજાના કલાકારો દ્વારા યોજાશે. તે સાથે વહીવટી તંત્ર દ્વારા પણ 3 દિવસ માટે સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે જેનો મેળામાં પધારનાર કલા રસિકો મનભરીને આનંદ માણસે.
મેળામાં આવતા લોકોની સલામતી અને સુરક્ષા માટે પોલીસ વિભાગ દ્વારા જૂનાગઢના પ્રવેશદ્વાર તથા જૂનાગઢ શહેર સહિત ભવનાથ વિસ્તારમાં 30 જેટલી રાવટી ઉભી કરવામાં આવી છે. અને મોટી સંખ્યામાં જૂનાગઢ સહિત ગુજરાત પોલીસના અધિકારીઓ, મહિલા પોલીસ, પોલીસ કર્મીઓ, હોમગાર્ડ, સહિતના સુરક્ષાકર્મીઓને એર રાઉન્ડ ધી ક્લોક ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે પોલીસ દ્વારા સીસી કેમેરા સહિતના આધુનિક ઉપકરણોનો પણ ઉપયોગ કરવામાં આવશે.
ગુજરાત સહિત સમગ્ર ભારતમાંથી આ મેળામાં ભાવિકો બહોળી સંખ્યામાં ભવનાથના મેળામાં આવતા હોવાથી એસટી વિભાગ દ્વારા પણ 350 થી વધુ એકસ્ટ્રા એસટી બસો મુકવામાં આવી છે. અને એસટી બસ સ્ટેન્ડ થી લઈને શહેરના વિવિધ સ્થળોએથી પણ ભવનાથ સુધીની એસટી વિભાગ દ્વારા બસોની સવલત ઊભી કરવામાં આવી છે.
ભવનાથ તળેટીમાં સંતવાણીમાં કલાકારો દ્વારા ભજનોની ભભક
આજથી ગીરનારી મહારાજનું સંતોની ઉ5સ્થિતિમાં ઘ્વજારોહણ બાદ દરેક સંતોની રાવટીમાં હરિહરની હાકલું પડશે. કબીર, રવિભાણ, ખીમ ત્રિકમ, ગંગાસતીના ભજનો ગાનાર સુપ્રસિઘ્ધ ભજનીક લક્ષમણ બારોટ, કરશન સાગઠીયા, રામદાસ ગોંડલીયા, વિષ્ણુપ્રસાદ દવે, બીરજુ બારોટના મધુર સ્વરે ભજનોની રંગત જામશે. છેલ્લા બે વર્ષથી કોરોના કાળે પરેશાની કરી એટલે આ વર્ષે માનવ મહેરામણ ઉમટી પડવાની શકયતા છે. ભવનાથ તળેટીમાં પૂ. ભારથીબાપુ, પૂ.લાલબાપુ, પૂ. શેરનાથ બાપુ, પૂ. દુલાભગત આ બધાના ઉતારામાં આવો મારા વાલા હરિહર કરી લોની હાંકલુ પડશે.
પૂ. લાલગેબી આશ્રમમાં પણ ગુરુ મહિમાની કેટલીક સુંદર ચર્ચાઓ પરાપારની વાતો સત્સંગ સવારે થી બપોર સુધી સાંભળી શકાશે. નવોદિત કલાકારો પણ આ તળેટીમાં ખુબ જ આનંદ સાથે ભજનોની ભભક પ્રસરાવશે.