અબતક, રાજકોટ
પરમધામ સાધના સંકુલમા બિરાજમાન તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવ રતિલાલજી મહારાજ સાહેબના કૃપાપાત્ર સુશિષ્ય રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ ૪૯ સંત-સતીજીઓના પાવન સાંનિધ્યે આવતીકાલ ૩ સપ્ટેમ્બરથી ગ્લોબલ પર્યુષણ મહાપર્વનો મંગલમય પ્રારંભ કરવામાં આવશે. જેના અંતર્ગત નવ દિવસ સુધી સમગ્ર ભારત અને અમેરિકાની શિરસ્થ સંસ્થા – જૈનમાં તેમજ પરદેશના અનેક ક્ષેત્રોના ભાવિકો લાઈવના માધ્યમે ધર્મ સાધના-આરાધનામાં જોડાશે.
ગત વર્ષે કોરોના મહામારીના વિષમ સમયમાં ધર્મક્ષેત્રમાં જઈને સાધના-આરાધના કરવાના યોગ અશક્ય બનતાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની દીર્ધ દ્રષ્ટિ, કુનેહ અને ભગીરથ પુરુષાર્થના કારણે લાઈવના માધ્યમે પર્વાધિરાજ પર્વની સાધના-આરાધનાનો લાભ માત્ર દેશના જ નહીં પરંતુ પરદેશના મળીને ૨૫ લાખથી પણ વધારે ભાવિકો પામીને ધન્ય બન્યાં હતાં. ત્યારે આ વર્ષે પણ લાખો ભાવિકોને ધર્મબોધ પમાડવાના મંગલ ભાવો સાથે દેશ-પરદેશમાં ગ્લોબલ પર્યુષણ ઉજવાશે.
આવતીકાલથી ૯ દિવસ સુધી આયોજિત થયેલાં ગ્લોબલ પર્યુષણ અંતર્ગત દરરોજ સવારના ૭:૦૦ થી ૮:૦૦ કલાક દરમિયાન આત્મા પાર લાગતા ૮ કર્મઅવગુણોને મુક્ત કરવા ઇનર ક્લિનીંગ કોર્ષની વિશિષ્ટ ધ્યાન સાધના, ૮:૧૫ થી ૮:૩૫ – ૯ દિવસમાં ૯૯,૯૯,૯૯૯ નમસ્કાર મહામંત્ર જપ સાધના, ૮:૩૫ થી ૯:૦૦ પૂજ્ય મહાસતીજીના શ્રીમુખેથી પ્રવચનધારા, ૯:૦૦ થી ૧૦:૧૫ દરમિયાન રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના શ્રીમુખેથી બોધ વચન તેમજ પચ્ચક્ખાણ વિધિ કરવવામાં આવશે, ૧૦:૩૦ થી ૧૧:૦૦ કલાક દરમિયાન પ્રેરણાત્મક નાટ્ય દ્રશ્યાંકનનું (ઇન્સપિરેશનલ પર્ફોર્મન્સીસ) આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંતમાં રાત્રિના સમયે ૮:૦૦ કલાકે અમેરિકાની શિરસ્થ સંસ્થા – જૈનમાં પરમ ગુરુદેવના પ્રવચન સાથે પરદેશના મલેશિયા, વોશિંગ્ટન, યુગાન્ડા, સુદાન, કેલિફોર્નિયા,ન્યુ યોર્ક, સીટલ, યુએસએ, યુ.કે. આદિ ક્ષેત્રોના ભાવિકો માટે પૂજ્ય મહાસતીજીના શ્રીમુખેથી બોધ પ્રવચન આપવામાં આવશે.
દરરોજ સાંજના પ્રતિક્રમણની આરાધના, દરરોજની ભક્તિ સ્તવના, સંધ્યા ભક્તિ, ભગવાન મહાવીર જન્મોત્સવ તેમજ સંવત્સરી આલોચનાના વિશિષ્ટ આયોજન સાથે દરરોજ ૩ વર્ષથી ૧૫ વર્ષના બાળકો માટે બાલ પર્યુષણ આરાધના અંતર્ગત ગુજરાતી, હિન્દી તેમજ ઇંગ્લીશમાં પ્રવચન આદિ કાર્યક્રમો યોજાશે.
વિશેષમાં ૯ દિવસ સુધી નમસ્કાર મહામંત્રની સામુહિક જપ સાધના દ્વારા ૯૯,૯૯,૯૯૯ નમસ્કાર મહામંત્ર જપ આરાધના અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે.
ગ્લોબલ પર્યુષણ મહાપર્વના સંઘપતિ શાસનદીપક ગુરુદેવ પૂજ્ય નરેન્દ્રમુનિ મહારાજ સાહેબ એવમ મા સ્વામી-પૂજ્ય જય-વિજયાજી મહાસતીજીની પરમ સ્મૃતિમાં ધર્મવત્સલા બીનાબેન અજયભાઈ શેઠ – કવેસ્ટ ફાઉન્ડેશન – સાયન લાભ લઈને ધન્ય બનશે. અત્યંત ભક્તિભાવથી પર્વાધિરાજ પર્વની મંગલ પધરામણીના આયોજન સાથે સહુ ધર્મપ્રેમી ભાવિકોને દરેકે દરેક કાર્યક્રમમાં જોડાવા અનુરોધ કરાયો છે.
નમસ્કાર મહામંત્રની ફ્રેમની ઘરમાં પધરામણી કરવા ૧૧ હજારથી વધુ પરિવારો આનંદ-ઉત્સાહથી જોડાયાં
ચૌદ પૂર્વના સાર એવા નમસ્કાર મહામંત્રને બિરાજમાન કરીને ઘર-ઘરમાં નમસ્કાર મંત્રને ગૂંજતો કરવાની મંગલ પ્રેરણા સાથે પરમધામના પ્રાંગણે રાષ્ટ્રસંત પરમ દેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વને વધાવતાં ૯૯ લાખ નમસ્કાર મંત્ર જપ સાધના અનુષ્ઠાનનો પ્રારંભ કરતો મંત્રોત્સવ અત્યંત ભક્તિભાવે પ્રારંભ થયો. રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના બ્રહ્મનાદે નમસ્કાર મહામંત્રની દિવ્ય જપ સાધના આ અવસરે કરાવવામાં આવી હતી જેમાં દેશ-પરદેશના હજારો ભાવિકોએ લાઇવના માધ્યમે જોડાઇને શ્રદ્વાભાવથી પંચ પરમેષ્ઠિ ભગવંતો પ્રત્યે વંદનભાવ અર્પણ કર્યો હતો. આ અવસરે નમસ્કાર મહામંત્રને વિનયભાવનાના સાર તેમજ સર્વ આગમ શાસ્ત્રોના સાર સ્વપ ઓળખાવીને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે ફરમાવ્યું હતું કે, નમસ્કારની આરાધના જે કરે છે તે દરેકના પ્રિય બની જતાં હોય છે. કેમ કે, જે નમે છે તે પ્રભુને ગમતાં હોય છે, જે નમે છે તે જગત આખાને ગમતાં હોય છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની પ્રેરણાથી હજારો ભાવિકો પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વને વધાવવા પોતાના આવાસમાં નમસ્કાર મહામંત્રને અત્યંત આનંદ-ઉત્સાહ સાથે બિરાજમાન કરવા સાથે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ દરમ્યાન ૯૯,૯૯,૯૯૯ સામૂહિક નમસ્કાર મંત્ર જપ સાધના કરવા સંકલ્પબદ્વ બન્યાં છે. જેના પ્રારંભ સ્વપ ઉજ્વાએલો આ મંત્રોત્સવ સહુને ધન્યતાની અનુભૂતિ કરાવી ગયો.
નમસ્કાર મહામંત્ર ૩ સપ્ટેમ્બર સુધી મુંબઇ સ્થિત પારસધામ-ઘાટકોપર તથા પાવનધામ-કાંદિવલીથી સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ તથા સાંજે ૪:૦૦ થી ૬:૦૦ કલાકે અર્પણ થશે. વધુ જાણકારી માટે ૮૬૫૭૪ ૮૪૪૮૫ આ નંબર પર સંપર્ક કરવો.