છેલ્લાં દશકાઓમાં ગુજરાત સરકારે નેટ ઝીરો, ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલોપમેન્ટ અને સમાજના નબળા વર્ગોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અનેક પરિયોજનાઓ કાર્યાવન્તિ કરી: મુખ્યમંત્રી
G20 અંતર્ગત અમદાવાદ શહેરમાં આજથી બે દિવસ માટે યોજાયેલી U20- અર્બન સમિટની પ્રથમ શેરપા બેઠકનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, આપણા શહેરો આર્થિક વિકાસના પીઠબળની સાથે-સાથે સામાજીક-સાંસ્કૃતિક અને આર્થિક કેન્દ્રો પણ છે. શહેરી વિકાસની યાત્રાના શિલ્પી એવા નરેન્દ્રભાઇ મોદીએ તેમના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમ્યાન ગુજરાતના શહેરોની સંપૂર્ણ કાયાકલ્પ કર્યો અને તેના પગલે શહેરોમાં ’ ઇઝ ઓફ લિવિંગ ’ વધ્યુ તેના આપણે સૌ સાક્ષી છીએ. છેલ્લાં દશકાઓમાં ગુજરાત સરકારે પણ નેટ ઝીરો, ટ્રાન્ઝિટ ઓરિયન્ટેડ ડેવલોપમેન્ટ અને સમાજના નબળા વર્ગોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અનેક પરિયોજનાઓ કાર્યાવન્તિ કરી છે. સમગ્ર વિશ્વમાં શહેરીકરણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે
ત્યારે હાલમાં અસંતુલિત વિકાસ, આવન-જાવન કે ભીડની સમસ્યા, પર્યાવરણીય અસંતુલન અને સાર્વજનિક સેવા વિતરણમાં ઊભી થનારી સમસ્યાઓનું પરિણામલક્ષી સમાધાન હોય તે રીતે શહેરી વિકાસ યોજનાઓની ડિઝાઇન ઊભી કરવી જોઇએ તે સમયની માંગ છે એમ તેમણે ઉમેર્યું હતું. ગુજરાતના શહેરોને જાહેર માળખાગત સુવિધાઓમાં નૃતન સંશોધનો અને ઇ-ગર્વનન્સને અગ્રિમતા આપી છે તેના પરિણાામે અમદાવાદમાં બીઆરટીએસ જનમાર્ગ સુવિધા, મેટ્રો રેલ પ્રોજેક્ટ, ડિઝિટલ ગર્વનન્સ, અર્બન કનેક્ટિવિટી પ્રોજેક્ટ સાકાર થયા છે. એટલું જ નહીં, રાજ્યના શહેરોમાં સિટીઝન સેન્ટ્રિક સેવા- નાગરિક સુવિધા કેન્દ્રો, ઓનલાઇન ડેવલોપમેન્ટ પ્લાન્ટ પાસિંગ તથા બી.યુ.પરમિશન જેવી પ્રક્રિયાઓ સંપૂર્ણપણે ઓનલાઇન કરવામાં આવી છે એમ તેમણે ઉમેર્યું હતું.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતને G20 બેઠકોની અધ્યક્ષતા કરવાનું શ્રેય મળ્યું છે તે આપણા માટે ગૌરવની વાત છે
ગુજરાતનો શહેરી વિકાસ, સમૃદ્ધ ઇતિહાસ અને પ્રવર્તમાન વિકાસ યાત્રાનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, ગુજરાત સિધું સંસ્કૃતિના વિકાસનું સાક્ષી રહ્યું છે. રાજ્યમાં 17થી વધુ હડપ્પા સ્થળોની શોધ કરાઇ છે, જે પૈકી ધોળાવીરા એક પ્રમુખ સ્થળ છે. પ્રાચીન સભ્યતામાં અર્બન પ્લાનિંગ, બાંધકામ ટેક્નોલોજી, જળ વ્યવસ્થાપન, ગર્વનન્સ, વિકાસ-કલા-સંસ્કૃતિ અને ઉદ્યોગ વિકાસનું પ્રમુખ કેન્દ્ર ધોળાવીરા હતું. ધોળાવીરાને તાજેતરમાં જ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પ્રાપ્ત થયું છે. એ જ રીતે આપણું અમદાવાદ શહેર પણ સમુદ્ધ વિરાસત અને શિલ્પ-સંસ્કૃતિ માટે વર્લ્ડ હેરિટેજ શહેર છે એમ તેમણે ઉમેર્યું હતું. 15મી સદીનું મધ્યકાલીન અમદાવાદ શહેર આજે આધુનિક મહાનગર સ્વરૂપે પરિવર્તિત થયું છે.
આ વિકાસની લાંબી યાત્રાના સાક્ષી રહેલા અમદાવાદ શહેરે શહેરી નિયોજનની નવી સીમાઓ પ્રસ્થાપિત કરી છે. નરેન્દ્રભાઇના બ્રેઇન ચાઇલ્ડ સમાન ગિફ્ટ સિટી આજે દેશના ગણ્યા-ગાઠ્યાં ફાઇનાન્શિયલ ઓપરેશનલ, સ્માર્ટ સિટી પૈકીનું એક બન્યું છે. એ જ રીતે ગ્રીન મોબિલિટી પર આધારિત ધોલેરા-એસઆઇઆર- સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પણ આધુનિક શહેરી વિકાસનો મજબૂત પાયો બનવા તરફ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં સેટેલાઇટ ટાઉનશિપ્સ અને ટ્વીન સિટીના પ્રોજેક્ટ્સ અર્બન ડેવલોપમેન્ટના નવા આયામો સાથે આગળ વધી રહ્યા છે. એટલું જ નહીં, આ પ્રોજેક્ટ ઇઝ ઓફ લિવિંગના ધ્યેયને વધુ મજબૂત બનાવશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
’વસુધૈવ કુટુમ્બકમ્’ના ધ્યેય સાથે ભારતના યજમાનપદે યોજાઈ રહેલી G20 સમિટ અંતર્ગત અમદાવાદના આંગણે યોજાઈ રહેલી U20 બેઠક ’વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર’ના સંદેશ સાથે વિશ્વભરમાં શહેરી વિકાસ અને લાંબા ગાળાના વિકાસ માટે શ્રેષ્ઠ સૂચનો અને પ્લાન પૂરા પાડશે, દેશ-વિદેશના વિવિધ શહેરોના પ્રતીનિધીઓના અનુભવજન્ય જ્ઞાનનું આદાન પ્રદાન ભાવિ પેઢી માટે ઉપયોગી થશે, જેનાથી સમગ્ર માનવજાત લાભાન્વિત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે U20 અંતર્ગત ઈ40માં વિદેશનાં ન્યૂયોર્ક, ક્યોટો, મેક્સિકો, બાર્સેલોના, પોર્ટ લુઇસ, લોસ એન્જલસ, મિલાન, રિયાધ, જકાર્તા, લેગોસ, જોહાનિસબર્ગ, ઢાંકા નોર્થ, ડર્બન, મેડ્રીડ, રોટરડેમ, સાઓ પોલો, બ્યુનોસ એરીસ જેવાં શહેરો તથા ભારતનાં કોલકાતા, વિશાખાપટ્ટનમ, ચંદીગઢ, ઇન્દોર, રાયપુર, રાંચી, અગરતલા, ગૌહાતી, દેહરાદુન, પુના, શ્રીનગર, અમૃતસર, ભુવનેશ્વર, વારાણસી, રાજશાહી, અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર, વડોદરા, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર સહિતનાં 40 શહેરોના શેરપા – પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આજે અનેક વૈશ્વિક પડકારોના સમયમાં ભારત તકોને જુએ છે : ભારતના G-20 શેરપા અમિતાભ કાંત
ભારતના G20 શેરપા અમિતાભ કાંતે ઉદ્ઘાટન સત્રને સંબોધતા જણાવ્યું હતું કે વિશ્વ આજે જીઓ-પોલિટિકલ ક્રાઇસીસ, યુદ્ધ, મંદી, ડેટ ક્રાઇસીસ, ક્લાઇમેટ એક્શન-ફાઇનાન્સની મુશ્કેલી, ફૂડ, ફ્યુઅલ અને ફર્ટિલાઇઝર્સની અછત, પોસ્ટ કોવિડ ક્રાઇસીસ વગેરે અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે ભારત પાસે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વરૂપમાં એવું નેતૃત્વ છે, જે પડકારોને પરિણામોમાં પલટાવવા સંભાવનાઓ-તકોમાં ફેરવવા સમર્પિત પ્રયાસો કરે છે. આવનારા દાયકામાં વિકાસની બાબતમાં શહેરોની કેન્દ્રીય ભૂમિકા રહેવાની છે. કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે પ્લાન્ડ, ઇનોવેટિવ અને સસ્ટેનેબલ અર્બનાઇઝેશન જરૂરી છે. શહેરના વિકાસ અને વ્યવસ્થાપનમાં પ્રોફેશનાલિઝમ અને ટેકનોલોજીનો ઉપયોગ વધારવો જોઈએ. સાયન્ટિફિક મેનરથી શહેરોનો વિકાસ કરવો જરૂરી છે.