ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં આજથી પ્રથમ સત્રાંત પરીક્ષાનો પ્રારંભ થઇ ગયો છે. આ પરીક્ષા આગામી 4 નવેમ્બરના રોજ સમાપ્ત થશે, ત્યારબાદ 9 નવેમ્બરથી દિવાળીનું વેકેશન શરૂ થશે. દિવાળીનું વેકશન પૂરું થયા બાદ 30મી નવેમ્બરથી બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત થશે. જીસીઇઆરટી દ્વારા પ્રથમ સત્રાંત કસોટીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો.
ધોરણ 3થી 5ની પરીક્ષા 3 નવેમ્બરે અને ધોરણ 6થી 8ની પરીક્ષા 4 નવેમ્બરના રોજ પૂર્ણ થશે: 30મી નવેમ્બરથી બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત થશે
આજથી એટલે કે ગુરુવારથી રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં પ્રથમ સત્રાંત કસોટીનો પ્રારંભ થયો છે, પ્રથમ સત્રાંત કસોટી માટેનો અભ્યાસક્રમ જૂન માસથી લઈને ઓક્ટોબર માસ સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. જીસીઇઆરટી દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, ધોરણ 3થી 5ની પરીક્ષા 3 નવેમ્બરે અને ધોરણ 6થી 8ની પરીક્ષા 4 નવેમ્બરના રોજ પૂર્ણ થશે.
પરીક્ષા કેટલા માર્ક્સની લેવાશે તે અંગે વાત કરીએ તો ધોરણ 3થી 5ની પ્રથમ સત્રાંત કસોટી 40 માર્ક્સની લેવામાં આવશે. જ્યારે ધોરણ 6થી 8ની પ્રથમ સત્રાંત કસોટી 80 માર્ક્સની લેવામાં આવશે.
ધોરણ 3થી 5ની પરીક્ષા સવારે 11 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થઇ હતી, જે સવારે 1 વાગ્યે પૂર્ણ થઇ હતી. એવી જ રીતે ધોરણ 6થી 8ની પરીક્ષા બપોરે 2 વાગ્યે શરૂ થઇ, જે સાંજે 5 વાગ્યે પૂર્ણ થઇ હતી. આ પરીક્ષાઓ 4 નવેમ્બરના રોજ પૂર્ણ થશે અને 9મી નવેમ્બરથી દિવાળી વેકેશનનો પ્રારંભ થશે. 29મી નવેમ્બર સુધી દિવાળીનું વેકેશન ચાલશે. જે બાદ 30 નવેમ્બરથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની બીજા તબક્કાની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ
યુનિવર્સિટીના ત્રીજા સેમેસ્ટરના 57,495 વિદ્યાર્થીની પરીક્ષાનો આજથી શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયોછે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા 142 પરીક્ષા કેન્દ્ર પર ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા લેવામાં આવી રહી છે. આ પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે ઓબ્ઝર્વર પણ નિયુક્ત કરી દેવામાં આવ્યા છે. આ પરીક્ષામાં સૌથી વધુ બી.કોમ એક્સટર્નલના 17,440 વિદ્યાર્થી, બીએ રેગ્યુલરના 15,257 વિદ્યાર્થી, બીસીએ સેમેસ્ટર-3ના 5627 વિદ્યાર્થી, બીએના 3188, બીબીએના 3397, એમ.કોમ રેગ્યુલરના 1623 અને એક્સટર્નલના 2895, એલએલબીના 2044, બીએસસીના 2488 સહિત કુલ 57,495 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.