- બે માર્ચ સુધી કસોટી ચાલશે: 4 માર્ચથી 30 માર્ચ સુધી ઉપચારાત્મક કાર્યક્રમ યોજાશે
રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ-1 અને 2ના વિદ્યાર્થીઓનો પાયો કાચો ન રહી જાય તે માટે સોમવારથી નિદાન કસોટીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નિદાન કસોટી 2 માર્ચ સુધી લેવામાં આવશે. નિદાન કસોટી પૂર્ણ થયા બાદ 4 માર્ચથી 30 માર્ચ દરમિયાન શાળામાં ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમ યોજવામાં આવશે. નિદાન કસોટી બાદ પરફોર્મન્સની ડેટા એન્ટ્રી વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ઉપલબ્ધ ક્ષમતા એપ્લિકેશનમાં કરવા માટે પણ સૂચના અપાઈ છે. નિદાન કસોટી બાદ જે વિદ્યાર્થીઓમાં ઉણપ હશે તે ઉપચારાત્કમ કાર્યક્રમ થકી દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ-1 અને 2માં નિદાન કસોટી અને સઘન ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમ યોજવા અંગેનો નિર્ણય લીધો છે.
તમામ બાળકો પોતાના ધોરણ – વિષય અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓ પ્રાપ્ત કરે તે માટે રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે. આ માટે પ્રત્યેક બાળકને વાચન, લેખન અને ગણનનાં મૂળભૂત કૌશલ્યો આવડતાં હોય તે અનિવાર્ય છે. વર્ષ 2018-19થી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અને ત્યારબાદ ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા ‘નિપુણ ભારત મિશન’ અંતર્ગત પણ આ બાબત પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે.
દરેક વિદ્યાર્થીના અધ્યયન નિષ્પત્તિ દીઠ પરફોર્મન્સની ડેટા એન્ટ્રી વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ઉપલબ્ધ ‘ક્ષમતા’ એપ્લિકેશનમાં કરવાની રહેશે. નિદાન કસોટી પૂર્ણ થયા બાદ એટલે કે 4 માર્ચથી 30 માર્ચ દરમિયાન તમામ શાળાઓમાં સઘન ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમ હાથ ધરવાનો રહેશે. નિદાન કસોટીઓ તેમજ ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમ દરમિયાન મહત્તમ શાળાઓમાં તાલુકા અને જિલ્લા કક્ષાએથી પ્રત્યક્ષ શાળા મુલાકાત દ્વારા સઘન મોનિટરિંગ અને હેન્ડ હોલ્ડિંગની વ્યવસ્થા ગોઠવવાની રહેશે. આ ઉપરાંત, રાજ્ય કક્ષાએથી પણ મોનિટરિંગ અને હેન્ડ હોલ્ડિંગ કરવામાં આવનાર છે.