પ્રથમ કેમ્પ વોર્ડ નં.૯માં યોજાયો: મેયર, મ્યુ. કમિશ્નર સહિતનાં પદાધિકારી અને અધિકારીઓની હાજરી

ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી, જામનગર અને મહાનગરપાલિકા દ્વારા જામનગરના વિવિધ વોર્ડમાં વોર્ડવાઇઝ લોકોના આરોગ્યના નિદાન અને આયુર્વેદ પદ્ધતિથી આરોગ્યલક્ષી સારવાર માટે ધનવંતરી રથનો આજથી પ્રારંભ થયેલ છે. આજથી પ્રારંભ થયેલ કેમ્પનો પ્રથમ તબક્કો ૧૬ જુનના રોજ પૂર્ણ થશે પરંતુ ધનવંતરી રથની સેવાઓ સતત ત્રણ મહિના સુધી વોર્ડવાઇઝ કેમ્પ દ્વારા  લોકો સુધી પહોંચાડવામાં આવશે.

ગઈકાલે વોર્ડ નં. ૯માં રતનબાઇ મસ્જિદ પાસે અને વોર્ડ નં ૧૦માં સજુબા સ્કૂલ, રણજીત રોડ પર કેમ્પનું આયોજન કરાયું હતું,આ સાથે જ મેલેરિયા-ડેન્ગ્યુ જેવા રોગોથી બચવા માટે લોકોને સાવચેતી રૂપે માહિતી મળી રહે તે હેતુથી સજુબા સ્કુલ ખાતે પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.  મેયર  હસમુખભાઈ જેઠવા,જામનગર મહાનગરપાલિકાના કમિશનર  સતીષભાઇ પટેલ, આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર  અનુપ ઠાકર ના હસ્તે આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.  આ તકે જામનગરના પ્રથમ નાગરિક મેયર  હસમુખભાઈ જેઠવાએ લોકોને ધનવંતરી રથની આરોગ્ય સેવાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

તો ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર  અનુપ ઠાકરે ધન્વંતરી આરોગ્ય રથ વિશે વધુ જણાવતાં કહ્યું હતું કે, આ રથ દ્વારા જામનગરના નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર આપવામાં આવશે તેમજ કોવિડ-૧૯ ને અનુલક્ષીને માર્ગદર્શન પણ આપવામાં આવશે અને કોઈ દર્દીને આવશ્યકતા હોય તો વધુ સારવાર માટે આગળની પ્રક્રિયા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે.

આગામી દિવસોમાં ૯ જૂનના રોજ વોર્ડ નં. ૩માં પટેલ કોલોની, વિકાસ ગૃહ રોડ વિકાસ ગૃહની અંદર,  વોર્ડ નં. ૪માં ગાયત્રી ચોક,બી. એન.સોઢા સ્કુલ પાસે,૧૦ જૂનના રોજ વોર્ડ નં. ૫માં ગીતા મંદિર પાસે, પંચવટી સોસાયટી, વોર્ડ નં. ૬માં રાધે કૃષ્ણ મંદિર પાસે, વુલન મીલ ચાલી,૧૧ જૂનના રોજ વોર્ડ નં. ૭માં  વેલનાથ કોમ્યુનિટી હોલ, જય કો-ઓપરેટીવ સોસાયટી, વોર્ડ નં. ૮માં શિવજી મંદિર, મુરલીધર નગર,૧૨ જૂનના રોજ વોર્ડ નં. ૧૧માં  સ્કૂલ નં. ૧૭,ગુલાબનગર, પહેલો ઢાળીયો, વોર્ડ નં. ૧૨માં વહેવારીયા મદ્રેસાની અંદર, ઘાંચીની ખડકી, ૧૩ જૂનના રોજ વોર્ડ નં. ૧૩માં નીલકંઠ નગર આરોગ્ય કેન્દ્ર, નાનકપુરી,વોર્ડ નં. ૧૪માં ઓધવદીપ સ્કૂલ, ૫૮-દિગ્વિજય પ્લોટ પાસે,  ૧૫ જુનના રોજ વોર્ડ નં.૧૫માં આંગણવાડી કેન્દ્ર, ઘાંચી કબ્રસ્તાન પાસે, વોર્ડ નં.૧૬માં મેઘજી પેથરાજ સ્કુલ,ઇદ મસ્જિદ પાસે, ૧૬ જૂનના રોજ વોર્ડ નં.૧માં માધાપુર ભૂંગા, કુમાર શાળા પાસે, વોર્ડ નં. ૨માં સાંઈબાબા મંદિર, ગાંધીનગર ખાતે ધન્વંતરી રથ આરોગ્ય કેમ્પ યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.