- જુદી જુદી સ્કૂલોમાં અધિકારી-પદાધિકારીઓએ હાજર રહી વિધાર્થીઓને આપી શુભેરછા
- વાલીઓ-છાત્રોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
રાજકોટ ન્યુઝ્ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ રહી છે. પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ધોરણ 10નું ગુજરાતી, અંગ્રેજી, ઉર્દુ, હિન્દી અલગ અલગ મીડિયમની પ્રથમ ભાષાનું પેપર આજે 10થી 1.15 સુધી ચાલશે. 10 દિવસ ગુજરાતમા ધોરણ 10માં 9 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે જ્યારે ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની મળીને કુલ 6.21 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. રાજકોટ જિલ્લામાં 80 હજારથી વધુ વિધાર્થીઓની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. આજે સવારથી જ પરીક્ષા કેન્દ્રો પર વિધાર્થીઓ વહેલા આવી પહોંચ્યા હતા.વાલીઓ-છાત્રોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.સમગ્ર તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા વચ્ચે પ્રથમ પેપરનો શાંતિપૂર્ણ માહોલમાં શુભારંભ થયો હતો. બપોરબાદ ધો.12ની પરીક્ષાનો પ્રારંભ થશે. રાજકોટની જુદી જુદી સ્કૂલમાં કલેકટર ન્યુ એરા ખાતે, ડીડીઓ વિજય મોદી સ્કૂલ ખાતે? એસપી જી.કે.ધોળકિયા ખાતે, સીપી તપોવન સ્કૂલ ખાતે અને મ્યુનિસિપલ કમિશ્નરે બરદાનવાલા સ્કૂલ ખાતે જઈને વિધાર્થીઓના મોં મીઠા કરાવી અને કુમકુમ તિલક કરી પરીક્ષાનો પ્રારંભ કરાવ્યો હતો અને શુભેરછા પાઠવી હતી.
શિક્ષણ બોર્ડની 80 સ્કવોડની ટીમ વિદ્યાર્થીઓ પર નજર રાખશે
શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા વખતે વિદ્યાર્થીઓ ગેરરીતિ ન કરે તે માટે 80 જેટલી સ્કવોર્ડની ટીમની રચના કરી છે. પરીક્ષા વખતે આ ટીમો જુદાજુદા સેન્ટરો અને ખાસ કરીને સંવદેનશીલ તથા અતિસંવદનશીલ 666 કેન્દ્રો પર જોવા મળશે. આ ઉપરાંત બોર્ડ દ્વારા 5 જેટલી ટીમો રિઝર્વ પણ રખાઇ છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં સ્થાનિક 25-25 સ્કવોર્ડની રચના કરાઇ છે.
પોલીસ સહાયથી કેન્દ્ર સુધી પહોંચી શકાશે
ધોરણ-10 અને 12ની પરીક્ષા વખતે વિદ્યાર્થીઓએ પોતાનું પરીક્ષા સ્થળ કેટલું દૂર છે તેની ગણતરી કરી સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકાય તે પ્રકારનું આયોજન કરીને ઘરેથી નીકળવાનું રહેશે. જેથી વિદ્યાર્થીઓને છેલ્લી ઘડીએ મુશ્કેલીનો સામનો કરવો ન પડે. આમ, છતાં હપરીક્ષા સ્થળ ખાતે પહોંચવામાં રસ્તામાં કોઈપણ પ્રકારની સમસ્યા ઉદભવે તો વિદ્યાર્થીઓ 100 નંબર ઉપરથી પોલીસની સહાય મેળવીને પહોંચી શકશે. ઉપરાંત પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ પરીક્ષા સ્થળ ઉપર સમયસર પહોંચે અને પરીક્ષા પૂર્ણ થયા બાદ પરત જઈ શકે તે માટે એસટીના વિશેષ રૂટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
તમામ વિધાર્થીઓ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરે તેવી શુભકામના પાઠવતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ધોરણ 10 અને 12ની આજ થી શરુ થઇ રહેલી બોર્ડની પરીક્ષામાં બેસનારા ગુજરાતના તમામ વ્હાલા વિદ્યાર્થીઓને પરિક્ષામાં સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી છે. મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા કહ્યું છે કે આત્મવિશ્વાસ રાખશો તો પરીક્ષા સફળતા અને સિદ્ધિ મેળવવા માટેનો અવસર બની જશે. તમે બધા બોર્ડની પરીક્ષામાં સારુ પર્ફોર્મ કરો.આગળ ઉચ્ચ કારકિર્દી તમારી રાહ જોઇ રહી છે. આ અમૃતકાળ વિદ્યાર્થીઓ ના સપના સાકાર કરવાનો અને ઉજ્જવળ કારકિર્દી ઘડવાનો સ્વર્ણિમકાળ બને એવી શુભકામના પણ મુખ્યમંત્રીએ આપી છે.