ભારે વરસાદ બાદ વહિવટી તંત્ર દ્વારા સર્વે હાથ ધરાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદને લીધે ખાસ કરીને ગામડાઓની હાલત ખરાબ થઇ ગઇ હતી. ૨૦૭ ગામમાં ગંદકી અને પ્રજાને શુધ્ધ પાણીની સમસ્યા લોકોના આરોગ્ય માટે ગંભીર બની ગઇ છે.સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદને કારણે આવેલા પૂરમાં ૫૦૦ થી વધુ ગામો પ્રભાવીત થયાનો અંદાજ છે. તેમાં ખાસ કરી ચૂડા, સાયલા, લીંબડી તાલુકાના ગામોની પરિસ્થિતિ વિશેષ ખરાબ હતી. વર્તમાન પરિસ્થિતિનો સર્વે કરાવતા જિલ્લાના ૨૦૭ ગામોમાં પાણીને લીધે કાદવ કિચડ અને ગંદકીનું સામ્રાજય ખતરારૂપ હોવાની ચોંકાવનારી વિગતો ધ્યાને આવી હતી. આવા ગામોમાં શુધ્ધ પીવાના પાણીની પરિસ્થિતિ પણ ચિંતાજનક જણાઇ હતી. આથી લોકોના આરોગ્યને તથા રોગચાળો ફેલાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી ડો. મનીષકુમાર બંસેલે તમામ ૨૦૭ ગામોના સરપંચોને પોતાના ગામમાં યુધ્ધના ધોરણે સફાઇ અભિયાન હાથ ધરવા તાકિદ કરવામાં આવી છે. અને તા. ૯ ઓગસ્ટ સુધીમાં તમામ અહેવાલ તાલુકા કક્ષાએ મોકલી આપવા માટે જણાવ્યુ છે. ગામોમાં સફાઇ થઇ ગયા બાદ બાકીના ગામોમાં ૧૫ ઓગસ્ટ બાદ કામગીરી હાથ ધરવામાં આવશે. જયારે આ અંગે ગામડાઓને સ્વચ્છ બનાવવા માટે પંચાયત, આરોગ્યની સાથે નરેગા યોજનાના માણસોને કામે લગાડવામાં આવ્યા છે. પરંતુ હજુ ઓછા માણસો કામ કરવા તૈયાર છે. રોજીરોટી રળવાની સાથે ગામને સ્વચ્છ બનાવવાના કામમાં લોકો સાથ આપે તેવો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અનુરોધ પણ કરવામાં આવ્યો હતો.કેટલાક સરપંચો તંત્રના આદેશને ઘોળીને પી જતા હોય છે. કામ સચોટ થાય તે માટે પંચાયતે ગામમાં સફાઇ કર્યા પહેલાના અને પછી એમ બન્ને ફોટોગ્રાફ-વિડીયોગ્રાફી કરી તેનો અહેવાલ તાલુકા કક્ષાએ મોકલવાની સૂચનાઓ પણ આપવામાં આવી હતી. લોકોના આરોગ્ય સાથે જોડાયેલી મહત્વની કામગીરી છે. લોકોને સગવડતા આપવી તે સરપંચોની પ્રથમ કામગીરી છે. તેમ છતાં જો કોઇ કામગીરી કરવામાં નિષ્ફળ રહેશે તેમની સામે પંચાયત ધારાની કલમ ૫૭(૧) મુજબ કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી.