વ્યથામાંથી વ્યવસ્થા તરફ આગળ વધી શિક્ષણ ક્ષેત્રે આગવી પહેલ કરી શિક્ષણમાં પણ ‘ગુજરાત’ દેશનું રોલ મોડલ બનશે: શાળા શિક્ષણમાં ટેકનોલોજીના હેતુપૂર્વક ઉપયોગ દ્વારા શિક્ષણ ક્ષેત્રે ગુજરાત નવી ભાત પાડશે
મુખ્યમંત્રી પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા અને શાળામાં ડિજિટલ એટેન્ડન્સ સહિતના વિવિધ પ્રોજેક્ટ્સના પ્રારંભ અવસરે સંબોધન કરી રહ્યા હતા.
તેમણે શિક્ષણ વિભાગના કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટર નો પણ પાટનગરમાં આરંભ કરાવ્યો હતો અને બી આર સી- સી આર સી ને ટેબ્લેટ વિતરણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ રાજ્યભરના પ્રાથમિક શિક્ષકો સહિત શિક્ષણ જગતને આહવાન કર્યું કે સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓ સાથે સ્પર્ધા નહીં પણ તેમનાથી ઉત્કૃષ્ટ શિક્ષણ વ્યવસ્થાઓ સરકારી સ્કૂલોમાં ઉભી કરી આપણી લીટી મોટી કરીએ. એવું વાતાવરણ અને વિશ્વાસ જગાવીએ કે સરકારી શાળામાં પણ એડમિશન માટે લોકો વધુ પ્રેરિત થાય એમ તેમણે શિક્ષક સમુદાય ને પ્રેરણા આપતા કહ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે શિક્ષિત સમાજ થકી ભાવિ પેઢીને સમૃદ્ધ બનાવી સમૃદ્ધ ગુજરાત અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌએ સંકલ્પબદ્ધ બનવું પડશે.
આજે ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગના વિવિધ પ્રોજેક્ટમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, શાળા પ્રવેશોત્સવ ૨.૦, ગુણોત્સવ ૨.૦ પ્રોજેક્ટ્સનો ડિજિટલી શુભારંભ મુખ્યમંત્રી રૂપાણીએ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી રૂપાણીએ ઉમેર્યુ કે રાજ્યના શિક્ષણ ને વધુ સમૃદ્ધ બનાવવા માટે ડિજિટલ માધ્યમ દ્વારા હાથ ધરાયેલા આ નવતર આયામો થકી ‘ગુજરાત’ દેશનું રોલ મોડલ બનશે. તેમણે કહ્યું કે પ્રાથમિક શિક્ષણ થકી ઈશ્વરે સાચી સેવા કરવાનો અવસર આપ સૌને પુરો પાડ્યો છે ત્યારે કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમની આ નવી વ્યવસ્થા આવનારા સમયમાં ગુજરાત માટે ચોક્કસ આશીર્વાદરૂપ નીવડશે. સાચી દિશામાં વ્યવસ્થા હોય તો લોકો સહકાર આપે જ છે.
રુપાણીએ કહ્યુ કે, રાજ્ય સરકાર જવાબદારીથી ક્યારેય ભાગી નથી અને ભાગશે પણ નહીં. ગભરાતા પણ નથી પરંતુ જવાબદારીની ચિંતા કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે જેના પરિણામે છેવાડાના માનવીના જીવન મુસલમાન સુધારો થયો છે અને લાભો મળતા થયા છે. જવાબદારી દરેકની હોવી જોઈએ, મુખ્યમંત્રીથી માંડીને નીચે સુધીની વ્યક્તિ પારદર્શિતાથી જવાબદારી સુપેરે નિભાવે તો ચોક્કસ સારા પરિણામ મળે જ છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે જ્યાં સમર્પણ હોય ત્યાં જ સાચી પરિસ્થિતિ નિર્માણ થાય છે. શિક્ષકોમાં કંઈક નવું કરવાની તાકાત છે. વ્યક્તિ ગરીબ કે તવંગર હોય પણ બુદ્ધિ પર કોઈનો ઠેકો નથી. ભૂતકાળમાં જે વ્યથાઓ હતી તે દૂર કરીને નવી વ્યવસ્થાઓ અમારી સરકારે ઉભી કરી છે. આજે વિદ્યાર્થીઓને મફત શિક્ષણ, મફત પાઠ્યપુસ્તકો, મફત યુનિફોર્મ અને મફત સાયકલની સુવિધાઓ પુરી પાડીને ગુણવત્તાલક્ષી શિક્ષણ આપીને આવનારા બે ત્રણ વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે ગુજરાત ચોક્કસ હરણફાળ ભરશે. દુનિયામાં પડકારો વધ્યા છે ત્યારે શિક્ષણમાં પણ આપ સૌના ઉત્સાહ અને પ્રયાસો થકી ગુજરાત દેશને રાહ ચિંધશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
રૂપાણીએ ઉમેર્યું કે ઓનલાઈન અટેન્ડન્સ સિસ્ટમ શિક્ષણ, શિક્ષક અને વિદ્યાર્થીઓની નિયમિતતા સુનિશ્ચિત કરી નિયમિતતા અને ગુણવત્તા વધારશે. સ્કૂલ મોનિટરિંગ સિસ્ટમ ધરાવતા ટેબ્લેટથી બીઆરસી -સીઆરસીનું કામ પેપરલેસ અને ઝડપી બનતા શિક્ષણની ગુણવત્તા પર વધુ ભાર મૂકવો પડશે. તેમણે ઉમેર્યુ કે ગુરુ-શિષ્યની ભાવના વધુ બળવત્તર બને તે માટે આપણે સૌ સાથે મળીને સહિયારા પ્રયાસ કરીએ. તેમણે શિક્ષણ વિભાગની સમગ્ર ટીમને અભિનંદન આપીને રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના મહાયજ્ઞમાં શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ સહિત શિક્ષણ વિભાગના વિવિધ પ્રોજેક્ટ્સ થકી ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા સૌ શિક્ષકોને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રેરક ઉદ્બબોધન કરતા જણાવ્યું હતું કે શાળાઓમાં ૧૦૦ ટકા નામાંકન અને ૦ ટકા ડ્રોપ આઉટ રેશિયો સાથે ગુણવત્તાલક્ષી શિક્ષણ એ રાજ્ય સરકારના સંકલ્પ સાથેનો ધ્યેય છે. આ સંકલ્પ હાંસલ કરવા પુરતા પ્રયત્નો કરી રહ્યા છીએ અને રાજ્ય સરકાર સફળતાની ખુબ નજીક છે.
શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેએ શિક્ષણક્ષેત્રે આજનો દિન એક ઐતિહાસિક દિન છે એમ જણાવી કહ્યું કે માનવ વિકાસ સૂચકાંકમાં બાળકોનો વિકાસ અત્યંત મહત્વનો છે. તેઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ મિશન વિદ્યા, જ્ઞાનકુંજ સહિતના પ્રોજેકટ થકી ભૂલકાઓના શિક્ષણ માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે તે સૌ ગુજરાતીઓ માટે ગૌરવરૂપ છે. તેમણે કહ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શાળા પ્રવેશોત્સવ અભિયાન વર્ષ-૨૦૦૩થી હાથ ધર્યું હતું. જેમાં પ્રતિવર્ષ આયોજનના પરિણામે આજે નામાંકન ૯૯.૪૦ ટકા થયુ છે અને ડ્રોપ આઉટ રેશિયો પણ ઉત્તરોત્તર ઘટીને ૧.૪ ટકા સુધી પહોંચ્યો છે જે ૦ ટકા સુધી લઇ જવા સરકાર કટિબદ્ધ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ડીજીટલ ગુજરાત વધુ પ્રોત્સાહન મળી રહ્યું છે ત્યારે આજે ઈ-ગવર્નન્સની દિશામાં હરણફાળ ભરીને મુખ્યમંત્રી જાતે જ સીએમ ડેશબોર્ડ ડિજીટલ સિસ્ટમ દ્વારા ગુજરાતના દરેક જિલ્લાની ક્ષેત્રે કચેરીઓ અને સરકારના દરેક વિભાગનું મોનિટરિંગ કરી રહ્યા છે. એ જ રીતે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રને નવી ઊંચાઇએ પહોંચાડવાના સંકલ્પ સાથે શિક્ષણ વિભાગે પણ અનેકવિધ નવીન પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે. તે પૈકીનો એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે.