કોંગી નેતાએ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે આવીને ઉમેદવારી નોંધાવી વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો
કોંગ્રેસના પશ્ચિમ બેઠકના ઉમેદવાર મનસુખ કાલરીયાએ સ્કૂટર ઉપર આવીને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેઓએ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે આવીને ઉમેદવારી નોંધાવી વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાજકોટ પશ્ચિમ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મનસુખ કાલરિયા આજે પોતાનું ફોર્મ ભરવા માટે સ્કૂટર પર ગયા હતા.
તેઓએ પોતાનું ઉમેદવારીપત્રક રજૂ કરી ઉમેદવારી નોંધાવી હતી. તેમની સાથે કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.ભાજપ દ્વારા રાજકોટ પશ્ચિમ સીટ પરથી ડો. દર્શિતા પારસ શાહને ઉમેદવાર જાહેર કર્યા છે, જ્યારે આ બેઠકને લઈ કોંગ્રેસનું કોકડું ગુચવાયું હતું. કડવા પાટીદાર સમાજમાંથી મનસુખ કાલરીયા અને લોહાણા સમાજમાંથી ગોપાલ અનડકટને દાવેદાર માનવામાં આવ્યા હતા. અંતે કોંગ્રેસ પાટીદાર પર કળશ ઢોળી મનસુખ કાલરિયાને ટિકિટ આપી છે. રાજકોટ પશ્ચિમ વિધાનસભામાં બંને સમાજના મતદારોનું પ્રભુત્વ છે. મનસુખ કાલરિયા કડવા પાટીદાર સમાજના અગ્રણી છે. તેઓ રાજકોટના વોર્ડ નં.10ના કોર્પોરેટર રહી ચૂક્યા છે. રાજકોટ મ્યુનિ.માં વિરોધ પક્ષના ઉપનેતા પણ રહી ચૂક્યા છે.
- મનસુખભાઇ સામાન્ય ઉમેદવાર : રૂ. 4.32 લાખની મિલકત, માસિક આવક રૂ. 22 હજાર
- મિલકતમાં પોતાના નામે માત્ર હોન્ડા એક્ટિવા અને અલ્ટો કાર, હાથ ઉપર દોઢ લાખની રોકડ
કોંગ્રેસના પશ્ચિમ બેઠકના ઉમેદવાર મનસુખભાઇ કાલરીયા સામાન્ય ઉમેદવાર છે. તેઓના સોગંદનામાંમાં જણાવ્યા પ્રમાણે તેઓ . 4.32 લાખની મિલકતના આસામી છે અને તેઓની માસિક આવક રૂ. 22 હજાર છે. તેઓની મિલકતોની વિગતો જોઈએ તો હાથ પર રોકડ રૂ. 1.50 લાખ, એસબીઆઈના બચત ખાતામાં રૂ. 1.82 લાખ, બીઓબીમાં 10 હજાર, પોસ્ટમાં રૂ. 2300, એક અલ્ટો, એક એક્ટિવા મળી કુલ રૂ. 4.32 લાખની મિલકત છે. તેઓની પત્ની નીતાબેન કાલરીયાની મિલકત જોઈએ તો રૂ. 3.75 લાખ હાથ પરની રોકડ, 10 તોલા સોનુ, કણકોટમાં એક પ્લોટ, નાના મવામાં એક દુકાન મળી કુલ 60 લાખની મિલકત છે. મનસુખભાઈની વાર્ષિક આવક જોઈએ તો વર્ષ 2017-18માં 3.08 લાખ, વર્ષ 2018-19માં 3 લાખ, વર્ષ 2019-20માં 3.37 લાખ, વર્ષ 2020-21માં 3 લાખ, વર્ષ 2021-22માં 2.59 લાખ છે. તેઓની પત્નીની મિલકતની વિગતો જોઈએ તો 2017-18માં 2.39 લાખ, વર્ષ 2018-19માં 2.15 લાખ, વર્ષ 2019-20માં 2.32 લાખ, વર્ષ 2020-21માં 2.28 લાખ, વર્ષ 2021-22માં 2.89 લાખ છે.