જાણીતા અભિનેતા પહ્મશ્રી મનોજ જોષી અભિનીત ગુજરાતી ફિલ્મ ૧૩મીએ થશે રિલીઝ
ફિલ્મમાં સાઇરામ દવે સમગ્ર વાર્તાને ડાયરા સ્વરૂપે વર્ણવશે
મનોજ જોષી, સાઇરામ દવે અને બીજલ જોષી ‘અબતક’નાં આંગણે
દર્શકોની હસાવી હસાવીને લોટપોટ કરનાર તો કયારેય અત્યંત ગંભીર ભુમિકા ભજવીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના અભિયનનો પરચો આપનાર દિગ્ગજ અભિનેતા મનોજ જોષી અભિનીત કોમેડી ગુજરાતી ફિલ્મ ફેરા ફેરી હેરા ફેરી ૧૩મી એપ્રિલના રોજ રાજયભરના થિયેટર્સમાં રીલીઝ થવા માટે સજજ છે. હાસ્યના રંગથી તરબોળ કરતી ફિલ્મ ફેરા ફેરી હેરા ફેરી એક નવા જ અંદાજમાં દર્શકો સમક્ષ કોમેડી રજુ કરશે અને પરિવાર સાથે મોજ કરાવવા સાથે વિકએન્ડ પણ એન્ટરટેઇનીંગ બનાવી દેશે.
ફિલ્મ અંગે વિસ્તૃત વિગત આપવા જાણીતા અભિનેતા મનોજ જોષી અને હાસ્ય કલાકાર સાઇરામો દવેએ સહિતના અબતકના મુલાકાત લીધી હતી. દરેક વ્યકિતના જીવનમાં કોઇ સમસ્યા તો હોય જ અને જીવનના અનુભવો આપણને હંમેશા નવા પાઠ ભણાવતા હોય છે. હસમુખલાલ જોબનપુત્રાની ભુમિકા ભજવતા મનોજ જોષીના જીવનમાં પણ કંઇક આવું જ ઘટે છે અને એક સાંધેને તેર તુટે જેવી હાસ્યાસ્પદ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તેઓ એક સમસ્યામાંથી છુટકારો મેળવે અને બીજી સમસ્યા તેમની રાહ જોતી હોય તેવું લાગે છે. જો કે હસમુખલાલની સમસ્યામાં દર્શકો તો કોમેડી રોલરકોસ્ટર રાઇડનો જ અનુભવ કરશે. ફિલ્મમાં વિશેષ એ છે કે સાંઇરામ દવે ડાયરા સ્ટાઇલમાં સમગ્ર વાર્તાને વર્ણશે દર્શકો ફિલ્મમાં તેનો ડાયરો પણ માણવા મળશે.
ફિલ્મના બીજા પાત્રોમાં અર્ચના ત્રિવેદી, આરતી નાગપાલ, બિજલ જોષી, હરેશ ડાગિયા, કુલદીપ ગોર, રિશિલ જોષી, નેત્રી ત્રિવેદી, સંજીવ જોટાંગિયા, સોનિયા શાહ અને શિલ્પા તુલાસ્કરનો સમાવેશ થાય છે. મહત્વપૂર્ણ છે કે ફિલ્મના એક ગીતને સોનુ નિગમે સ્વર આપ્યો છે. તથા જાણીતા કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ ફિલ્મની કોરિયોગ્રાફી કરી છે. આ ઉપરાંત સૌપ્રથમવાર સાંઇરામ દવે પણ ફેરા ફેરી હેરા ફેરી દ્વારા ફિલ્મના મોટા પડદે આવી રહ્યાં છે.
ફિલ્મના યુનિટની અથાક મહેનતને પરિણામે માત્ર ૨૯ દિવસમાં ૪૬૦ કલાકમાં જ સમગ્ર ફિલ્મનું શુટીંગ પૂર્ણ કરી દેવાયું હતું. જે દિવસના ૧૭ થી ૧૮ કલાકના શુટીંગ શિડયુલને કારણે આ શકય બન્યું છે. અને વર્લ્ડ રેકોડર્સ ઇન્ડિયાના પાવનભાઇ સોલંકીના હસ્તે ફિલ્મને સૌથી ઝડપથી ફિલ્મ શુટીંગ પૂર્ણ કરવાનું સર્ટિફીકેટ પણ એનાયત કરાયું છે. ફિલ્મના કલાયમેકસ માટે પ્રમાણમા સારા બજેટની ફાળવણી કરીને ભવ્ય સેટ તૈયાર કરાયો હતો. જેમાં ૮૦૦ લોકોના રિયલ ક્રાઉડનો ઉપયોગ કરાયો છે.
ફિલ્મની વાર્તા જોઇએ તો આજથી ર૪ વર્ષ પહેલા હસમુખલાલ જોબતપુત્રાને મંદાકિની નામની છોકરીજોડે પ્રેમ થયો હતો. અને તેનીસાથે પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ હસમુખના પિતાશ્રીને તેમના પ્રેમલગ્ન મંજૂર ન હતાં. એટલું જ નહી તેમણે તેમના મિત્ર જયંતિની દીકરી શ્રીદેવી જોડે હસમુખના લગ્ન કકી કરી રાખ્યા હોવાથી સંજોગોને આધીન થઇ હસમુખે શ્રીદેવી જોડે પણ લગ્ન કરવા પડયાં હતા.
આમ હસમુખ બે પત્નિધારી બનીગયો હતો અને એની જિંદગી બેધારી તલવાર બની ગઇ હતી. બે પત્નિ બે બાળકો અને બે પરિવાર સાચવતા સાચવતા હસમુખ હાંફી ગયો હતો. આ દોડાદોડીમાં હસમુખને ધંધામાં પારાવા નુકશાન થયું અને ધંધો સાચવવા તેણે કરોડો રૂપિયા વ્યાજે લેવા પડયા હતા. જો કે આ નાણા તે પરત ન આપી શકતા તેને જાનથી મારી નાખવાની ધમકી મળતા હસમુખે મંદાકીનીના ઘરેથી ખોટે ખોટું મરી જવાનું નકકી કર્યુ.
આમ હસમુખ એક પત્નીના ઘરે જીવતો અને બીજી પત્નીના ઘરે મૃત્યુ પામેલો થઇ ગયો. આજે એક ઘરે એનો જન્મદિવસ તો બીજા ઘરે એનો શ્રાઘ્ધ ઉજવાય છે.
આટલું થવા છતાં હસમુખના જીવનની કઠણાઇ ઓછી નથી થતી. યોગાનુયોગે શ્રીદેવી થકી અવતરેલી દીકરી સપના, મંદાકીની થકી જન્મેલા આકાશ પાસેથી બાઇક ખરીદવાનું નકકી કરે છે. હસમુખ આકાશની બાઇક ચોરી કરવા જાય છે. અને ત્યારે મંદાકિની તેને જોઇ જાય છે અને માની બેસે છે કે હસમુખનું ભૂત એને મળવા આવ્યું છે. ધીરે ધીરે હસમુખના ભૂતની વાત ચારેકોર ફેલાય છે. અને આ કારણસર હસમુખ એક ઘરે જીવતો અને બીજા ઘરે ભૂત બનીને આવતો જતો થાય છે. બાદમાં હસમુખ ચારેબાજુથી ઘેરાઇ જાય છે. બન્ને પત્ની, બંન્ને બાળકો અને બન્ને વેવાઇથી બચવું મુશ્કેલ બની જાય છે. હસમુખ એક પ્રોબ્લેમમાંથી નીકળી છે. તો બીજાથી પ્રોબ્લેમમાં ફસાય છે. ટૂંકમાં હસમુખ જે દિવસથી બે લગ્નના ફેરા ફર્યા છે. ત્યારથી હેરાફેરી કર્યા કરે છે. હસમુખની ફેરા ફેરી હેરા ફેરી હાસ્યપ્રચુર અને મનોરંજક બની રહે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com