નટવરલાલ જે ભાતિયા, ભાવનગર: કોરોના મહામારી એ લોકોને શારીરિક સાથે માનસિક બીમાર કરી દીધા છે. આ માનસિક બીમારીની વધુ પડતી અસર કોરોના સંક્રમિત દર્દીને થઈ રહી છે. હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓનું માનસિક મનોબળ મજબૂત હોવું ખુબ જરૂરી છે. દર્દીઓનું માનસિક મનોબળ વધારવા અને ચહેરા પર સ્મિત લાવવા હાસ્ય કલાકાર માયાભાઇ આહીર દ્વારા અનેરો પ્રયન્ત કરવામાં આવ્યો હતો.
કોરોનાના કપરાકાળમાં કલાકારો પણ મેદાને આવ્યા છે. હાસ્ય કલાકાર માયાભાઈ આહીર દ્વારા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાની સરકારી આયુર્વેદ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. લોકસાહિત્ય કાર માયાભાઈ સાથે હાસ્ય કલાકર પોપટભાઈ ભરવાડ પણ આ કાર્યમાં જોડાયા હતા.
માયાભાઈ આહીર દર્દીઓના ચહેરા પર સ્મિત લાવવા માટે વાતો કરી છે. માયાભાઇ જુસ્સો વધારવા માટે કહ્યું કે, ‘હોળી ફક્ત એક દિવસ જ હોય છે, તેના પછી ધુળેટી આવે છે. તેવી રીતે આજે જે કપરો સમય છે, તે આપડી પરીક્ષા છે. આ પરીક્ષા દરમિયાન આપણે આપણું શરીર, મન, વિચાર બધું શુદ્ધ અને તંદુરસ્ત રાખવું જોયે. આ આપડી ઝીંદગીનું પેપર છે, તેમાં આપણે હિમ્મતથી કામ લેવાનું છે.’
ભાવનગર જિલ્લાના ગારિયાધાર, તળાજા, મણાર, અલંગ સહિતના વિસ્તારોમાં સતત ખડે પગે સેવારત વતન પ્રેમી યુવાનોની સેવાટીમો સાથે પ્રસિદ્ધ કલાકારો આ સેવાકીય કાર્યમાં જોડાયા છે. સૌરાષ્ટ્રમાં સુરતથી પધારેલ સેવાટીમના અસંખ્ય ઉદારદીલ વતન પ્રેમીઓએ પોતાની ફોરવહીલોને ઓક્સિજન સાથેની એમ્બ્યુલન્સો બનાવી દીધી.
કોવિડ આઈસોલેશન માં સારવાર લેતા દર્દી ઓ માટે એમ્બ્યુલન ઓક્સિજન ફ્લોમીટર દવા, સારવાર સાથે પોઝીટીવ વાતાવરણ ફેલાવી વહેલી તકે સ્વસ્થ બનાવતી સેવાટીમના રોનક પટેલ, હિરેન ખેની, સુરત કોર્પોરેટર મહેશ અણધણ, કૃણાલ રામાણી, ધ્રુવ કસવાલા, મયુર જસાણી, શલેશ સવાણી સહિતના લોકો વતનની વ્હારે પધારી સેવાકીય કાર્યો શરૂ કર્યું છે. સેવાટીમે ગારિયાધાર, તળાજા, અલંગ, મણારના આઈસોલેશનોની મુલાકાતો લીધી અને અનેકો નિષ્ણાંત, તબીબો સાથે પરામર્શ કરી વધુ જરૂર જણાયે તે સુવિધાઓ ઉભી કરવાની નેમ લીધી છે.