હાથીના દાંત
આજે એ બેય માણસ વચ્ચે પ્રથમવાર ઝઘડો થયો હતો. અગાઉ કેટલીકવાર હળવું વાયુધ્ધ થતું ત્યારે થોડીવાર પછી પરિસ્થિતિ કાબૂમાં આવી જતી. પણ આજે એની પત્નીને નારી જાગૃતિ અંગે યોજાયેલા એક સેમિનારના મુખ્ય વકતા તરીકે ટાઉન હોલમાં જવાનું હતું. એ ઘેર આવ્યો ત્યારે પત્નીએ કહ્યું,
આજે હોટલમાં જમી આવજો, મારે ભાષણ કરવા જવું છે….”
બસ, ખલાસ…! વાકયુધ્ધને આજે સ્થાન જ નહોતું, સીધું જ હાથયુધ્ધ શરૂ થઈ ગયું. ગુસ્સામાં ને ગુસ્સામાં એણે પત્નીને સ્ટોરરૂમમાં હડસેલી ને ઉપરથી આગળિયો બંધ કરી દીધો. એ બબડતી રહી…. જે ભાષણ ટાઉન હોલમાં કરવાનું હતું એ સ્ટોરરૂમમાં શરૂ થયું…
અંદર ધમપછાડા ચાલતા હતા, છતાં એણે બારણાં ખોલ્યાં જ નહીં. પત્નીને કાચી જેલની સજા એણે આપી દીધી એ સોફામાં બેઠા બેઠા સાંભળતો હતો રૂદન અને હળવી ગાળો મિશ્રિત સંભાષણ !
ટપાલીએ એક પરબીડિયું ફેંકયું. ઉતાવળે ખોલી ને એ વાંચી રહ્યો.
ભાઇશ્રી,
આપે મોકલેલી નારી જાગૃતિની ચાર કવિતાઓ દૂરદર્શન કેન્દ્રના સ્થાનિક કાર્યક્રમમાં પસંદગી પામી છે. આપ અમોને એક વખત રૂબરૂ મળી જશો…!
એણે સ્ટોરરૂમનાં બારણાં હળવેકથી ખોલી નાખ્યાં.
નીલેશ પંડ્યા લિખિત લઘુકથા
સંગ્રહ ‘જૂઈના ફૂલ’માંથી સાભાર