ગાંધીનગર આવતા કાર્યકર્તાઓને ધક્કો ન થાય તે માટે મુખ્યમંત્રી કે મંત્રી મંડળના સભ્યો સોમ-મંગળ કોઇ કાર્યક્રમ ગોઠવતા નથી: રાજકોટમાં મેયર બંગલે સંગઠન હોદ્ેદારો-પદાધિકારીઓ સાથે મુખ્યમંત્રીની મેરેથોન મીટીંગ

ધારાસભ્યોની બેઠક હું બેઠો હતો ત્યારે મને ખબર ન હતી કે મને સીએમની જવાબદારી મળવાની છે, આ મારી ભાજપમાં જ શક્ય છે: ભૂપેન્દ્રભાઇ પટેલ

રાજકોટની મુલાકાતે ગઇકાલે પ્રથમવાર આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રોડ-શો, વિવિધ વિકાસ કામોના ખાતમુહુર્ત-લોકાર્પણ, અલગ-અલગ પ્રોજેક્ટની સાઇટ વિઝીટ કર્યા બાદ બપોરે મેયર બંગલા ખાતે રાજકોટ શહેર અને જિલ્લા ભાજપના સંગઠનના હોદ્ેદારો, ધારાસભ્યો, સંસદ સભ્યો, જિલ્લા પંચાયત અને કોર્પોરેશનના પદાધિકારીઓ સાથે એક મેરેથોન બેઠક યોજી હતી. મુખ્યમંત્રી ખૂબ જ હળવા મૂડમાં હતા.

તેઓએ કાર્યકર્તાઓને એવી ખાતરી આપી હતી કે, કોઇપણ ફરિયાદ કે પ્રશ્રો લઇને ગાંધીનગર આવો અમે નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહીશું. ઓછી તકલીફ અને વધુ કામ થાય તેવા અમારા પ્રયાસો રહ્યા છે અને રહેશે. વહિવટી સુધારણા માટે નિયમોમાં સતત ફેરફાર કરવામાં આવશે. કાર્યકર્તાઓને ગાંધીનગર સુધી ધક્કો ન થાય તે માટે હું કે મંત્રી મંડળના કોઇ સભ્યો મોટાભાગે સોમવાર કે મંગળવારે કોઇ કાર્યક્રમો નક્કી કરતા નથી.

ગઇકાલે રાજકોટની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગઇકાલે સાંજે રેસકોર્ષ સ્થિત મેયર બંગલા ખાતે કાર્યકર્તાઓ, સંગઠનના હોદ્ેદારો, ધારાસભ્યો, સંસદ સભ્યો, કોર્પોરેશન અને જિલ્લા પંચાયતના હોદ્ેદારો સાથે એક મેરેથોન બેઠક યોજી હતી. જેની શરૂઆતમાં મુખ્યમંત્રીએ કર્યું હતું કે આપણો ભાજપનો પરિવાર એટલો મોટો થઇ ગયો છે કે બધાના નામ લેવા જઇએ તો કોઇ એક નેતાનું ભાષણ ટૂંકાવવું પડે. મુખ્યમંત્રી ખૂબ જ હળવા મૂડમાં હતા, કાર્યકર્તાઓ સાથે તેઓએ ખૂબ જ સહજતાથી બધા સાથે વાતચિત કરી હતી. અલગ-અલગ અગ્રણીઓના ભાષણ વખતે ખૂદ સીએમએ 15 વખત તાલીઓ પાડી હતી.

તેઓએ કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે થોડા સમય પહેલા હું તમારી સાથે જ બેઠો હતો. ધારાસભ્ય દળની બેઠકમાં હું બેઠો હતો ત્યારે મને ખ્યાલ ન હતો કે મને મુખ્યમંત્રી બનાવવામાં આવશે. માત્ર ભાજપ એકમાત્ર પક્ષ એવો છે, જેના સામાન્ય કાર્યકર્તાને મોટી જવાબદારી સોંપવામાં આવે છે.તેઓએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે વર્ષોથી પક્ષનું કામ કરતા તમામ કાર્યકર્તાઓને ચૂંટણીમાં ટિકિટ માંગવાનો હક્ક છે. ટિકિટ ન મળે ત્યારે દુ:ખ જાય તે સ્વાભાવિક છે.

પરંતુ તે શ્રણીક હોવું જોઇએ. વાસ્તવમાં પક્ષ જ આપણા માટે સર્વોપરી છે.તેઓએ એવી પણ ખાતરી આપી હતી કે કોઇપણ કાર્યકર્તાઓ લોકોના પ્રશ્ર્નો અને ફરિયાદ લઇ ગાંધીનગર આવે અમે પ્રશ્ર્નો હલ કરવા માટે સતત પ્રયત્નશીલ રહીશું. કાર્યકર્તાઓએ ગાંધીનગર સુધી ધક્કો ન થાય તે માટે હું કે મંત્રી મંડળના કોઇ સભ્યો મોટાભાગે સોમવાર કે મંગળવારે કોઇ કાર્યક્રમ રાખતા નથી. કાર્યકર્તાઓને કામ લઇને સોમવાર-મંગળવાર આવે જેથી તેઓને ગાંધીનગર સુધી ધક્કો ન થાય. કોઇપણ પ્રોજેક્ટ અટકશે નહીં તેવી ખાતરી પણ તેઓએ આપી હતી.

રાજકોટમાં ભવ્યાતીભવ્ય રોડ-શો માટે ટીમ મિરાણીને ખાસ અભિનંદન પાઠવ્યા હતાં.

મેયર બંગલા ખાતે યોજાયેલી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાથેની પરિચય બેઠકમાં મંત્રી જીતુભાઇ વાઘાણી, અર્જુનસિંહ ચૌહાણ, અરવિંદ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુભાઇ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર, કિશોરભાઇ રાઠોડ, સંસદ સભ્ય મોહનભાઇ કુંડારિયા, રામભાઇ મોકરિયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, જયેશભાઇ રાદડીયા, કુંવરજીભાઇ બાવળીયા, મેયર ડો.પ્રદિપ ડવ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક નેતા વિનુભાઇ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, તમામ 68 કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખ, વોર્ડ પ્રભારી, પ્રદેશ ભાજપના આગેવાનો, તાલુકા મંડળના હોદ્ેદારો સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.