શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત
કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં છવાયેલી મહામારીથી દરેક ક્ષેત્રે નકારાત્મક અસર ઉપજી છે. રાજકીય, સામાજીક, આર્થિક અને શિક્ષણ એમ તમામ તબક્કે અસર પડી છે. શેક્ષણિક પ્રવૃત્તિ પર કોરોનાનું ગ્રહણ લાગતા છેલ્લા એક વર્ષ જેટલા સમયથી શાળાઓ બંધ હતી. જોકે, હવે ધીમે ધીમે ઘણાં રાજ્યોમાં શાળાઓ ફરી ખુલ્લી છે ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓની આતુરતાનો પણ અંત આવ્યો છે અને સરકારે આગામી 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ના વર્ગખંડ ફરી શરૂ કરી દેવા જાહેરાત કરી છે.
11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ ખોલવા અંગેનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવાયો હોવાની જાહેરાત આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી છે. તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકારની કોરોનાની ગાઈડલાઈન મુજબ શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જાન્યુઆરી ધોરણ 10 અને 12 ઉપરાંત પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો પણ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહત્વના મુદ્દા
11મીથી ધોરણ 10 અને ધોરણ 12 શરૂ
પીજી અને યુજીના છેલ્લા વર્ષનું શિક્ષણ કાર્ય શરૂ થશે
વિદ્યાર્થીઓની હાજરી ફરજીયાત નહિ, શાળાએ આવવું કે નહિં વિદ્યાર્થીઓનો નિર્ણય સ્વૈચ્છીક રહેશે
ધોરણ 10 અને 12 માટે વાલીઓની સંમતિ લેવી પડશે
માસ પ્રમોશન નહીં આપવાનો સરકારનો નિર્ણય
જેટલું ભણાવાશે તેની પરીક્ષા ચોક્કસ લેવાશે
કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરાવવાની જવાબદારી રાજ્ય સરકારની રહેશે
બેઠક વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહશે
સ્કૂલોએ થર્મલ ગન અને સાબુ ની વ્યવસ્થા કરવા ની રહેશે આગામી સમયમાં અન્ય ધોરણો શરૂ કરવા બાબતે પણ વિચારણા કરાશે.