- સુરત: પુણામાં ચપ્પુની અણીએ કરાયેલ લૂંટનું નાટક કરનાર ધ્રુવીનના CCTV સામે આવ્યા
ડાયમંડ નગરી કહેવાતા સુરત શહેરમાં વધુ એક લૂંટની ઘટના સામે આવી છે. સુરતના પુણા વિસ્તારમાં ધોળા દિવસે લૂંટ કરવાની ઘટના સામે આવી છે. શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી છે અને હવે લોકો ઘરની બહાર પગ મુકતા પહેલા પણ વિચાર કરે છે તો શહેરમાં પોલીસની કામગીરીને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, ધ્રુવિન વાસાણી નામનો યુવક પુણાગામ વિસ્તારમાં આવેલી લેસની દુકાનમાં એકાઉન્ટન્ટ કામ કરે છે. ધ્રુવીન દ્વારા પોલીસને જણાવ્યા પ્રમાણે, આજે ધ્રુવીન પુણાગામ વિસ્તારમાં જ આવેલી કોટક મહિન્દ્રા બેન્કમાંથી 3.50 લાખ રૂપિયા ઉપાડીને પરત દુકાન પર જઈ રહ્યો હતો. આ દરમિયાન બેંકની બહાર જ રેકી કરીને બેસેલા બે અજાણ્યાએ તેનો પીછો કર્યો હતો. થોડે આગળ ગયા બાદ બંને અજાણ્યા શખસોએ ચપ્પુથી હુમલો કરી દીધો હતો.
યુવક પર બંને અજાણ્યા શખસોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને ચપ્પુની અણીએ તેની પાસે રહેલા 3.50 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. ધ્રુવીનને હાથ અને પેટના ભાગે ચપ્પુના ઘા મારવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યારે ધ્રુવિન ને સારવાર અર્થે સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે ધ્રુવીનના નિવેદન આધારે સૌથી પહેલા ધ્રુવીન શંકાના ઘેરામાં આવી ગયો હતો. નીચે બેસીને પોતાને બ્લેડના ઘા મારતો CCTVમાં કેદ પુણા પોલીસ દ્વારા ફરિયાદી ધ્રુવિનની ઉલટ તપાસ પણ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન પુણા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સીસીટીવીની તપાસ કરવામાં આવતા ધ્રુવીન એક સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો.
જેમાં તે બાઈક લઈને આવે છે અને ત્યારબાદ સાઈડમાં ઊભી રાખી નીચે બેસીને પોતાને બ્લેડના ઘા મારી રહ્યો છે. પોતાના હાથ અને પેટના ભાગે બ્લેડના ઘા મારીને પોતાને લોહી લુહાણ કર્યો હતો. ત્યારબાદ ત્યાંથી પસાર થતાં રાહદારીઓ દ્વારા ધ્રુવિનને હોસ્પિટલ ખસેડ્યો હતો અને લૂંટનું નાટક રચ્યું હતું. દેવું થઈ જતા આ લૂંટનું નાટક રચ્યુ હોવાની ધ્રુવીને કબુલાત આપી હતી.
લૂંટની ઘટના બનતા ક્રાઇમ બ્રાંચ દ્વારા ત્વરીત જગ્યા ઉપર જઇ સધન તપાસ કરી હતી અને ફરિયાદી ધ્રુવિન ઘનશ્યામભાઇ વાછાણીની પુછપરછ કરતા પોતાની ઉપર દેવુ થઇ ગયું હોવાથી પોતે જ લુંટનુ તરકટ રચ્યું હોવાનું જણાવ્યું હતું. ક્રાઇમ બ્રાંચ અને પુણા પોલીસ દ્વારા બુટ ભવાની મંદીર લંબે હનુમાન રોડ પાસેના નાળામાંથી લૂંટમાં ગયેલ રોકડા રૂપિયા 3.50 લાખ રૂપિયાની પણ રીકવરી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પુણા પોલીસ દ્વારા આ બાબતે મોઢામાંથી મગનું નામ મરી પાડ્યું ન હતું. ફરિયાદ નોંધવાની તજવીજ ચાલતી હોવાનું રટણ કરી રહ્યા હતા. ફરિયાદ નોંધાય તે પહેલા જ ગુનો ઉકેલાઈ ગયો હતો. પુણા પોલીસ ફરિયાદ નોંધતી રહી અને ક્રાઈમ બ્રાન્ચે ગુનો ઉકેલી કાઢ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.