સ્વાઈન ફલુનો કોઈ કેસ નોંધાય તો આરોગ્ય વિભાગ દ્વારા માત્ર ૧ કલાકમાં દર્દીને ઘરે જઈને ઘરમાં અન્ય સભ્યોની તપાસ કરવામાં આવે છે
સૌરાષ્ટ્રમાં ઉનાળામાં પણ સ્વાઈન ફલુની અસર દેખાઈ રહે છે ત્યારે લોકોએ સાવચેતી વર્તવી જ‚રી બની છે. આ માટે તંત્રએ પણ કામગીરી શ‚ કરતા લોકોમાં જાગૃતતા ફેલાવાની તૈયારી શ‚ કરી છે જેથી રોગચાળાનો પંજો મજબુત બને તે પહેલા જ તેને રોકી શકાય. આ બાબતે કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો.વિજય પંડયાએ જણાવ્યું હતું કે, ડબલ્યુએચઓની ગાઈડલાઈન મુજબ સ્વાઈન ફલુએ સામાન્ય પ્રકારનો ફલુ જ છે. જેમાં અન્ય ફલુ જેવા જ લક્ષણો જોવા મળે છે. શરદી, ઉધરસ, તાવ આવવો, ગળામાં દુખાવો થવો અને શરીર દુખવુ જેવા લક્ષણો જોવા મળે છે. અન્ય ફલુમાં ગળામાં દુખાવો થતો નથી જયારે સ્વાઈન ફલુમાં ગળામાં દુ:ખાવો થાય છે. જે લોકોની રોગ પ્રતિકારક શકિત ઓછી હોય છે. તેને જ સ્વાઈન ફલુ અન્ય ફલુની જેમ અસર કરતું હોય છે. સામાન્ય રોગ પ્રતિકારક શકિતવાળા વ્યકિતને સ્વાઈનફલુ થઈને મટી જાય તો પણ ખબર પડતી નથી.
રાજકોટ શહેરમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૧૧ સ્વાઈન ફલુના કેસો નોંધાયા છે. તેમાંથી ૪ લોકો મૃત્યુ પામ્યા છે. વધુ પડતા કેસો સૌરાષ્ટ્રના અન્ય જીલ્લાઓમાંથી આવેલ છે. કારણકે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફલુની સારી સારવાર કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફલુનો ખાસ વોર્ડ અને વેન્ટીલેટર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. જેથી સૌરાષ્ટ્ર-કચ્છના સ્વાઈન ફલુના દર્દીઓ રાજકોટ સારવાર મેળવવા આવે છે.
સરકાર અને કોર્પોરેશન તરફથી સ્વાઈન ફલુની અટકાયત માટેના તમામ પગલાઓ લેવામાં આવે છે. સ્વાઈન ફલુની અટકાયત માટે સૌપ્રથમ લોકોએ પોતાની સાવચેતી રાખવી જોઈએ. જો કોઈ વ્યકિતને વધુ પ્રમાણમાં શરદી કે ઉધરસ હોય તો તેની વધુ નજીક જવાનું ટાળવું જોઈએ. સ્વાઈન ફલુનું મુખ્ય લક્ષણ ગળામાં સખત દુખાવો થવો છે. જો કોઈને ગળામાં સખત દુખાવો થતો હોય અથવા સખત તાવ આવતો હોય તો તાત્કાલિક ધોરણે સારવાર લેવી જોઈએ. સ્વાઈન ફલુની સારવાર માટે રાજકોટમાં સ્વાઈન ફલુનો ખાસ વોર્ડ અને અન્ય ૧૨ જેટલી હોસ્પિટલ ઉપલબ્ધ છે. રાજકોટના તમામ ૨૧ આરોગ્ય કેન્દ્ર ખાતે પણ માસ્ક અને સ્વાઈન ફલુની દવાઓ ઉપલબ્ધ છે.
શહેરમાં સ્વાઈન ફલુનો કોઈ કેસ નોંધાય તેની એક જ કલાકમાં દર્દીની ઘરે જઈને ઘરના અન્ય સભ્યોની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવે છે. ત્યારબાદ તેઓની તપાસ કરવામાં આવે છે. આ ઉપરાંત દર્દીના ઘરની આસપાસના ૫૦ થી ૧૦૦ જેટલા ઘરોમાં પણ શંકાસ્પદ વ્યકિતની તપાસ કરવામાં આવે છે.
સ્વાઈન ફલુના કેસો શિયાળામાં વધુ નોંધાતા હોય છે પરંતુ ઘણી વખત દર્દીને સ્વાઈનફલુનું ઈન્ફેકશન શિયાળામાં લાગ્યુ હોય છે અને જયારે દર્દીની રોગપ્રતિકારક શકિત ઘટે છે ત્યારે સ્વાઈનફલુ વધુ પ્રમાણમાં અસર દેખાડે છે. જેથી ઘણા કેસો અત્યારે ઉનાળામાં પણ નોંધાય છે. હિટ સ્ટોક માટે પણ આરોગ્ય વિભાગ કાર્યરત છે. બપોરે ૧૨ થી ૫ના સમયગાળા દરમિયાન ઓછી રોગપ્રતિકારક શકિતવાળી વ્યકિત, બાળકો, વૃદ્ધો અને સગર્ભાઓ તડકામાં બહાર નિકળે તો તેને લુ લાગવાની શકયતા વધુ રહે છે. જેનાથી પણ વ્યકિતનું મૃત્યુ થવાની શકયતા રહેલી છે.