શ્રદ્ધાળુઓ કાલે ઘરે બેઠા નંદલાલાને પારણિયે ઝુલાવશે
સાતમ-આઠમ વચ્ચે આજે ધોકો: જન્માષ્ટમી નિમિતે દ્વારકા, ડાકોર, ગોકુળ, મથુરા સહિતના મંદિરોથી લાઈવ દર્શનની વ્યવસ્થા: લાલાનું પુજન-આરતી, શ્રૃંગાર, ભોગ, સ્નાનાદિ સહિતની ધાર્મિક વિધિઓ ઓનલાઈન નિહાળી શકશે
વર્ષોથી ઉમંગ-ઉત્સાહને ધામધુમથી ઉજવાતા શ્રાવણી પર્વો આ વર્ષે કોરોના સંક્રમણના ભયને કારણે ફીકકા પડયા છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં સાતમ-આઠમ સુન્ની પડી છે. સાતમ-આઠમમાં લોક મેળાઓનું સવિશેષ મહત્વ રહ્યું છે. લાખો લોકો મેળાઓ દરમિયાન રોજિંદી ઘટમાળથી સદીઓથી રાહત મેળવી રહ્યા છે. આશરે ૧૦૦ થી વધુ સ્થળોએ યોજાતા મેળા પર આ વર્ષે કોરોના મહામારીનો ફેલાવો રોકવા પ્રતિબંધ મુકયો છે. ઉપરાંત સૌરાષ્ટ્રના સુપ્રસિઘ્ધ મંદિરોમાં ભાવિકોને દર્શન માટે આવવાની મનાઇ ફરમાવાઈ છે.
કૃષ્ણ જન્મોત્સવ નિમિતે યોજાતી રથયાત્રા સહિતના તમામ ધાર્મિક કાર્યક્રમો આ વર્ષે મોકુફ રાખવામાં આવ્યા છે. જન્માષ્ટમી અંતર્ગત વિવિધ આશ્રમો, મંદિરો અને સંસ્થાઓમાં ઉજવાતા કૃષ્ણ જન્મોત્સવ હવન, પુજા આરતી સહિતના કાર્યક્રમોમાં માત્ર ગણતરીના વ્યકિતઓની ઉપસ્થિતિમાં ઉજવાશે. રાજકોટ શહેરમાં પણ દર વર્ષે કાન્હાના જન્મને ભાવભેર વધાવવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોના મહામારીને પગલે ઈતિહાસમાં પ્રથમ વખત કૃષ્ણમંદિરો બંધ રહ્યા છે. રાજકોટના લોકમેળાઓ પણ બંધ થતા લાખો લોકોના પડયા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજકોટમાં યોજાતા લોકમેળા, ધાર્મિક સંમેલનો, શોભાયાત્રા રદ કરાયા છે. શ્રદ્ધાળુઓ પોતાના ઘરે બાળકૃષ્ણને પારણિયે ઝુલાવશે અને નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીની ઉજવણી કરશે.
કોરોનાના કારણે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે સાતમ-આઠમના તહેવારમાં મેળાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સતત વધી રહેલા સંક્રમણને કારણે ફરવાલાયક સ્થળો પર પણ લોકોને એકત્રીત ન થવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. સાતમ-આઠમના તહેવારમાં મોજમજાનો જલજલો જોવા મળતો હોય છે પરંતુ આ વર્ષે સાતમ-આઠમના તહેવારના રંગ તદન ફીક્કા પડી ગયા છે.ફરવાની મનાઈ, શોભાયાત્રા રદકાનુડા જન્મોત્સવની ઉજવણીને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. કાતિલ ગતિએ આગળ વધતા કોરોનાને કારણે હરવા-ફરવાના સ્થળો તેમજ કૃષ્ણ જન્મોત્સવ નિમિતે યોજાતા ધાર્મિક કાર્યક્રમ રથયાત્રા સહિતના આયોજનો આ વર્ષે બંધ રાખવામાં આવ્યા છે. રાજકોટમાં યોજાતી ભવ્ય શોભાયાત્રા મુલત્વી રહેતા રાજમાર્ગો સુનકાર પડયા છે. રાજકોટમાં ન્યારી ડેમ, આજી, ઈશ્ર્વરીયા પાર્ક, લાલપરી, પીપળીયા સહિતના સ્થળોએ ફરવા પર પ્રતિબંધ મુકાયો છે. તેમજ રથયાત્રા, શોભાયાત્રા, વરઘોડા પણ નહીં યોજાય. હોટેલ, રેસ્ટોરન્ટમાં પણ મટકી ફોડ, હાંડી ફોડના કાર્યક્રમો નહીં યોજી શકાય.