નારી સંરક્ષણ ગૃહની બહેનોના જીવનમાં રંગોની મદદથી સકારાત્મક અને પ્રેરણાદાયી વાતાવરણ ઉભુ કરવાનો પ્રેરણાદાયી પ્રયાસ
આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે યાજ્ઞિક રોડ ખાતે આવેલા નારી સંરક્ષણ ગૃહ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ, ચિત્ર નગરી તેમજ રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે વિવિધ પ્રકારના પેઇન્ટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી ડો. જનકસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રંગો માનવીના જીવનને ઉમંગ અને ઉત્સાહથી છલોછલ ભરી દે છે. આવા જ શુભાશયથી રાજકોટના કલાકારો દ્વારા રંગોની મદદથી વુમન એમ્પાવરમેન્ટને લગતા પેઇન્ટિંગ દોરીને નારી સંરક્ષણ ગૃહમાં રહેતી 18 થી 60 વર્ષની અનાથ, વિધવા, ત્યક્તા બહેનોના જીવનમાં સકારાત્મક અને પ્રેરણાદાયી વાતાવરણ ઉભુ કરવાનો એક સરાહનીય પ્રયત્ન કરવામાં આવ્યો છે.
કલાકારો દ્વારા કરાયેલા પેઈન્ટીંગથી નારી સંરક્ષણ ગૃહ આશ્રીત મહીલાઓ માટે ઘરના ઘર જેવુ દીપી ઉઠ્યું છે.આ કાર્યક્રમમાં 40 જેટલા કલાકારોએ આકર્ષક તથા મનમોહક ચિત્રો દિવાલો પર દોરીને ત્યાં રહેતી મહિલાઓ માટે વિધેયાત્મક અને ઉત્સાહવર્ધક વાતાવરણ બનાવવા મહત્વનો ભાગ ભજવ્યો, તે બદલ જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી કિરણ મોરિયાણીએ તમામ કલાકારોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ ભાગ લેનાર કલાકારોને સર્ટીફિકેટ આપીને સન્માનિત કરાયા હતા.
આ તકે રોટરી ક્લબના પ્રમુખ પરેશભાઈ બાબરીયા, રોટ્રેક્સ ક્લબના પ્રમુખ એનિલ મહેતા, ઈનર વ્હિલ ક્લબના પ્રમુખ મીનાબેન ગોસલીયા, ચિત્ર નગરીના પ્રમુખશ્રી જીતુભાઈ ગોટેચા તથા તેની ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.