9,000 થી વધુ લોકોએ 5 કિલોમીટર અને 20 કિલોમીટરની સાયકલ રાઈડમાં લીધો ભાગ
રાજકોટ ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સાયકલોફનનું જાજરમાન આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. એટલું જ નહીં આ વિશેષ કાર્યક્રમમાં રાજકોટના પ્રથમ નાગરિકની સાથોસાથ રાજકોટ જિલ્લા કલેકટર અને રાજકોટ પોલીસ કમિશનર પણ ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહીં સાયકલ ક્લબના આયોજકોની સાથે સ્વનિર્ભ શાળા સંચાલક મંડળના આગેવાનનોએ પણ આયોજનને બિરદાવ્યું હતું. આ સાયકલની ઇવેન્ટમાં 9,000 થી પણ વધુ સાયકલ વીરોએ ભાગ લઈ પોતાનું સ્વાસ્થ્ય સુદ્રઢ બનાવવા માટે અન્યને હાકલ પણ કરી હતી.
સાઈકલોફન ઇવેન્ટનું આયોજન સરાહનીય : અરુણ મહેશ બાબુ
રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ પણ સાઇકલોફન ઇવેન્ટમાં સહભાગી બન્યા હતા તેઓએ જણાવ્યું હતું કે જે આયોજન હાથ ધરવામાં આવ્યું છે તે અત્યંત સરાહનીય છે અને રાજકોટની જનતા પણ અને જબ્બર પ્રતિસાદ આપ્યો છે. માં તેઓએ ઉમેર્યું હતું કે સ્વચ્છ રાજકોટ બનવા તરફનું આ એક પ્રયાણ છે જેને રાજકોટની જનતા બખૂબી રીતે નિભાવી રહી છે.
રાજકોટમાં લોકોની સાઇકલ પ્રત્યેની જાગૃતી વધી : રાજુ ભાર્ગવ
રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવએ પણ આ ઇવેન્ટ અંગે જણાવ્યું હતું કે વહેલી સવારથી જે લોકોમાં આનંદ અને ઉમંગ સાયકલને લઈ જોવા મળી રહ્યો છે તે અત્યંત રસપ્રદ છે. વધુને વધુ લોકો આ પ્રકારના આયોજનમાં આવનારા દિવસોમાં જોડાય એ એટલું જ જરૂરી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ તેમના અધિકારીઓ સાથે આ સાઇકલ ઇવેન્ટમાં સહભાગી બન્યા છે.
રાજકોટની જનતા સ્વચ્છ અને સ્વાસ્થ્ય તરફ સચેત : પ્રદીપ ડવ
રાજકોટના પ્રથમ નાગરિક ડોક્ટર પ્રદીપ ડવે પણ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજકોટની જનતા હર હંમેશ કોઈ નવી વસ્તુને ત્વરિત અપનાવી લેતી હોય છે ત્યારે સાઈકલોફનમાં જે લોકોનો ઉનમાદ જોવા મળી રહ્યો છે તેનાથી એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે રાજકોટની જનતા સ્વચ્છ અને સ્વસ્થ બનવા તરફ અગ્રેસર બની છે જેનો ફાયદો ખરા અર્થમાં રાજકોટને મળશે.
ઐતિહાસિક ઇવેન્ટમાં સહભાગી થવાનો મળ્યો આનંદ : ડી.વી. મહેતા
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ તરફથી જીનિયસ સ્કૂલના ડી.વી મહેતાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ ઇવેન્ટ અત્યંત ઐતિહાસિક છે અને પ્રથમ વખત રાજકોટ શાળા સંચાલક મંડળ આ કાર્યમાં સહભાગી બન્યું છે. આ તેઓએ ઉમેર્યું હતું કે આ પ્રકારના આયોજન સમયાંતરે થવા જોઈએ કારણ કે લોકો હાલ સ્વાસ્થ્ય પ્રત્યે જે રીતે જાગૃત હોવા જોઈએ તે જોવા મળતા નથી ત્યારે આ પ્રકારની ઇવેન્ટ તેમના માટે અત્યંત લાભદાયી નીવડી શકે છે.
9 હજાર લોકો સાઈકલોફનમાં જોડાતા, સ્થપાયો રેકોર્ડ : દિવ્યેશ અઘેરા
રાજકોટ સાઇકલોફનના આયોજક દિવ્યેશ અઘેરાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ સતત આઠમું વર્ષ છે અને આ વર્ષે જે નવા સાઈકલીસ્ટો છે કે જેને સાયકલ પ્રત્યે જાગૃતતા આવી છે અને પોતાના સ્વાસ્થ્યને સુદ્રઢ બનાવવા માટે આગળ વધી રહ્યા છે ત્યારે આશરે 9000 થી વધુ લોકો આ ઇવેન્ટમાં જોડાયા છે એટલું જ નહીં તેમના માટે દરેક પ્રકારના વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી તેઓને કોઈ પણ પ્રકારે અગવડતાનો સામનો ન કરવો પડે.
સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા માટે સાઇકલ એક માત્ર વિકલ્પ : દિવ્યાંગ તિવારી
સાઈકલોફન ઇવેન્ટમાં સહભાગી બનેલા સાયકલિસ્ટોએ પણ આ ઇવેન્ટને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે રાજકોટમાં એક એવું પ્લેટફોર્મ ઊભું થયું છે કે જે લોકો સાયકલ પ્રત્યે જાગૃત છે તે આ પ્રકારની ઇવેન્ટમાં સહભાગી બની શકે છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે આવા આયોજન થી શરીર ઘણું સ્વસ્થ રહે છે અને જે લોકો હજુ આ અંગે જાગૃત નથી તેઓએ પણ આ ઇવેન્ટમાં સહભાગી થવાની તાતી જરૂરિયાત છે. સાઈકલિસ્ટોના જણાવ્યા મુજબ આયોજકો દ્વારા જે આયોજન કરવામાં આવી રહ્યું છે તે પણ અત્યંત ઉપયોગી અને અત્યંત લાભદાયી છે.