વિવાદીત યુવતીનો ચહેરો વિકૃત કરવાની સોપારી લેનાર ચેતન રાઠોડને યુનિવર્સિટી રોડ પર બોલાવી ફાયરિંગ કરી કમલેશ રામાણી ફરાર
પૈસાની ઉઘરાણીના પ્રશ્ર્ને ઝઘડો થયાનો ફરિયાદમાં આક્ષેપ: પોલીસના ઉચ્ચ અધિકારી સામે આક્ષેપ કરનારે હત્યાની કોશિશની નોંધાવી ફરિયાદ
રંગીન મિજાજી કમલેશ રામાણીએ પોતાના એક સમયના ખાસ ગણાતા શુટર પર મોડીરાતે યુનિર્વસિટી રોડ પર ફાયરિંગ કરતા સનસનાટી મચી ગઇ છે. કમલેશ રામાણીના ઇશારે વિવાદીતનો ચહેરો વિકૃત કરવાની સોપારી લેવાના ગુનામાં સંડોવાયેલા ચેતન રાઠોડ સાથે પૈસાના મુદે વાંધો પડતા ફાયરિંગ કરાયાની યુનિર્વસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી તપાસ હાથધરવામાં આવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ સુરતના લસણકા ડાયમંડનગરના વતની અને છેલ્લા કેટલાક સમયથી રાજકોટના કાલાવડ રોડ પર વામ્બે આવાસ યોજનાના કવાર્ટરમાં ભાડે રહેતા ચેતન હસમુખભાઇ રાઠોડ નામના ૨૮ વર્ષના યુવાને બીગ બજાર સામે ઇમ્પિરીયલ હાઇસ્ટમાં ઓફિસ ધરાવતા અને સાધુ વાસવાણી રોડ પર રહેતા બિલ્ડર કમલેશ રામાણી અને તેની સાથે રહેલા બે અજાણ્યા શખ્સો ૩૫૦૧ નંબરની ક્રેટા કારમાં આવી યુનિર્વસિટી રોડ પર આવેલા એચપીના પેટ્રોલ પંપ પાસે ફાયરિંગ કરી ભાગી ગયાની યુનિર્વસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ચેતન રાઠોડ ચારેક માસ પહેલાં ધર્મજીવન સોસાયટીના ધર્મજીવન એપાર્ટમેન્ટમાં ચેનની ચીલ ઝડપ કરવાના ગુનામાં સાગરીત સાથે ઝડપાયો ત્યારે તે ચેનની ચીલ ઝડપ માટે નહી પણ રંગીન મિજાજી કમલેશ રામાણીના કહેવાથી નેહા પિત્રોડા પર હુમલો કરી તેનો ચહેરો વિકૃત કરવાની સોપારી આપી હોવાની સ્ફોટક કબુલાત આપતા પોલીસે ચેતન રાઠોડ સામે વધુ એક ગુનો નોંધી જેલ હવાલે કર્યો હતો.
નેહા પિત્રોડાએ કમલેશ રામાણી સામે દુષ્કર્મ આચર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તે અંગેનું સમાધાન નેહા પિત્રોડા ન કરતી હોવાથી તેનો ચહેરો બગાડી નાખવાની સોપારી આપ્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. આ પહેલાં કમલેશ રામાણી સામે પાયલ બુટાણીએ પણ દુષ્કર્મ અંગેના કરેલા આક્ષેપથી કમલેશ રામાણી વિવાદમાં ફસાયો હતો.
નેહા પિત્રોડા પર હુમલો કરવાની સોપારી લેવાના ગુનામાં તાજેતરમાં જામીન પર છુટેલા ચેતન રાઠોડ અને કમલેશ રામાણી વચ્ચે પૈસાની ઉઘરાણીના મુદે ફોન પર ઝઘડો થતા કમલેશ રામાણીએ જ્ઞાતિ અંગે અપમાનીત કરી યુનિર્વસિટી રોડ પર એચપીના પેટ્રોલ પંપ પાસે બોલાવતા ચેતન રાઠોડ પોતાના મિત્ર રવિ વાળા સાથે એક્ટિવા પર યુનિર્વસિટી રોડ પર આવ્યા ત્યારે ૩૫૦૧ નંબરની ક્રેટા કારમાં કમલેશ રામાણી અને બે અજાણ્યા શખ્સો આવ્યા બાદ કમલેશ રામાણીએ ફાયરિંગ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. કમલેશ રામાણીએ ફાયરિંગ કરતા ચેતન રાઠોડ અને રવિ વાળા એક્ટિવા પર ભાગવા જતાં સ્લીપ થતાં બને ઘવાયા હતા.
યુનિર્વસિટી પોલીસ મથકના પી.આઇ. એ.એલ.આચાર્ય, રાઇટર ગીરૂભા કમલેશ રામાણી અને તેના બે સાગરીતો સામે હત્યાની કોશિષ અને જ્ઞાતિ અંગે ગુનો નોંધતા એસીએસટી સેલના એસીપી એસ.ડી.પટેલે તપાસ હાથધરી છે.