મનમોહક મોદી: વડાપ્રધાનના આગમનની પૂર્વસંધ્યાએ અડધુ રાજકોટ રસ્તા પર
પી.એમ. નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમના રિહર્સલમાં પણ રંગીલા રાજકોટવાસીઓ રસ્તા પર ઉતર્યા રેસકોર્સ રીંગ રોડ પર હજારો લોકોનો મેળાવડો: ઠેર-ઠેર ટ્રાફિક જામ: ડી.જે.ની ધુમ: શહેરીજનો ઝૂમ્યા
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ષો બાદ આજે રાજકોટની ધરતી પર પધારી રહ્યા છે ત્યારે તેમને વધાવવા લોકોમાં એટલો બધો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે વડાપ્રધાનના કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ રોડ-શો અને કાર્યક્રમના રિહર્સલમાં પણ અડધુ રાજકોટ રસ્તા ઉપર ઉતરી સમગ્ર તૈયારીઓ નિહાળવા ઉમટયું હતું.
વડાપ્રધાનના આગમન પૂર્વે ગઈકાલે સાંજે રેસકોર્ષ રીંગ રોડ અને આજીડેમથી રેસકોર્ષ સુધીના ૯ કિલોમીટરના રોડ-શોનું રિહર્સલ પણ કરાયું હતું. પી.એમ.ના આગમન પૂર્વે કરાયેલા રિહર્સલ નિહાળવા પણ રાજકોટના લાખો લોકો રસ્તા પર ઉમટી પડયા હતા. છેલ્લા ત્રણ દિવસથી રાજકોટે દુલ્હનના શણગાર સજયા છે. દરરોજ રાત્રે રાજકોટની રોશની અને લેસર શો પણ જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો છે ત્યારે રેસકોર્ષ રીંગ રોડને ફરતે તેમજ બહુમાળી ભવનની બિલ્ડીંગ ઉપર લગાવેલી લેસર શોને એ પણ આકર્ષણ જમાવ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી શહેરના મુખ્ય માર્ગો ઉપર રોશનીનો જગમગાટ આકર્ષક સ્ટેજ અને હોર્ડીંગ્સ પણ લગાવાયા છે ત્યારે રાજકોટવાસીઓ દરરોજ સાંજે વડાપ્રધાનની આગમનની તૈયારીઓ નિહાળવા ઉમટી પડયા હતા.
ગઈકાલે પણ વડાપ્રધાનના આગમનની પૂર્વ સંધ્યાએ રોશની, લેસર શો, રોડ-શોનું રિહર્સલ, આકર્ષક હોર્ડીંગ્સ અને સ્ટેજ શો નિહાળવા લાખો લોકો રસ્તા ઉપર ઉમટી પડયા હતા. રેસકોર્ષ રીંગ રોડ પર ગઈકાલે રાત્રે કલાકો સુધી રેસકોર્ષ રીંગ રોડ, કાલાવડ રોડ, કિશાનપરા ચોક, અંડરબ્રીજ, ફુલછાબ ચોક, જિલ્લા પંચાયત ચોક, હોસ્પિટલ ચોક, પારેવડી ચોક, આજીડેમ સહિતના રસ્તાઓ પર કલાકો સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ નિર્માણ પામી હતી.
રાજકોટ વાસીઓની સાથે શહેર ભાજપ પણ વડાપ્રધાનને વધાવવા વિવિધ આકર્ષક હોર્ડીંગ્સ અને સ્ટેજ સહિતની તૈયારીઓ કરી છે. શહેરના મુખ્ય માર્ગો પર વડાપ્રધાનના આકર્ષક હોર્ડીંગ્સ અને ફલોટસ પણ મુકવામાં આવ્યા છે. ગઈકાલે જિલ્લા વહિવટી તંત્ર અને પોલીસ દ્વારા વડાપ્રધાનના આગમનનું અને રોડ-શોનું રિહર્સલ પણ કરાયું હતું.