આજે સોમવતી અમાસ અને શનિશ્ર્વર જયંતીનો વિશેષ સંયોગ: દાનનો મહિમા
સૂર્યોદય તિથિમાં આજ શનિ જયંતી ઊજવાઇ રહી છે દાન માટે સાંજે 5 વાગ્યા સુધીનું મુહૂર્ત છે. હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે નવ ગ્રહોના અધિપતિ અને ન્યાયના દેવતા ગણાતા શનિદેવની જન્મજયંતી આજ સોમવારે વૈશાખ વદ અમાસ નિમિત્તે ઉજવાઇ રહી છે.
તેમાં પણ આ વર્ષે સોમવતી અમાસ અને શનૈશ્વર જયંતીનો વિશેષ સંયોગ જોવા મળ્યો છે. કોરોના કાળને પગલે બે વર્ષ પછી શનિ અને હનુમાન મંદિરોમાં શનિ જયંતીની રંગારંગ ઉજવણી થઈ રહી છે. રવિવારે બપોરે 2.57 વાગ્યાથી અમાસની તિથિ શરૂ થઇ છે, પરંતુ સૂર્યોદય તિથિમાં સોમવારે શનિ જયંતીની ઉજવણી કરાઇ હતી. દરમિયાન શનિ ગ્રહના દાન માટે સાંજે 5 વાગ્યા સુધીનું મુહૂર્ત શ્રેષ્ઠ હોવાનો મત જ્યોતિષી આપી રહ્યા છે. હિન્દુ પંચાગ પ્રમાણે વૈશાખ વદ અમાસના રોજ શનિદેવનો જન્મ થયો હતો.
ધાર્મિક માન્યતા પ્રમાણે શનિદેવ કર્મનું ફળ આપે છે. શનિ જયંતી નિમિત્તે શનિદેવની પૂજા-અર્ચનાથી શુભ ફળ મળે છે. ખાસ કરીને શનિની પનોતી ચાલતી હોય કે પછી શનિદોષ હોય તેમના માટે શનિ જયંતી મહત્વની સાબિત થાય છે. સોમવારે પિતૃઓના તર્પણ માટેની સોમવતી અમાસ સાથે જ શનિ જયંતીની પણ ઉજવણી કરાઇ રહી છે. દરમિયાન શનિ મંદિરો, હનુમાન મંદિરો અને મહાદેવના મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો, અનુષ્ઠાનનો દૌર જોવા મળી રહ્યો છે આ વર્ષે કોરોના નિયંત્રણો હટી જતાં રાજકોટ સહિત સોંરાષ્ટ્ર ભર ના મંદિરોમાં હવન, ભંડારો, સુંદરકાંડ સહિતના આયોજનો કરાયા છે. જ્યોતિષીઓના જણાવ્યાનુસાર, સોમવારે શનિ જયંતી નિમિત્તે શનિ મંદિરો, હનુમાન મંદિર, નવ ગ્રહોના મંદિરમાં પૂજા-આરતી થશે. જોકે, સૂર્યોદય તિથિમાં સોમવારે અમાસ, શનિ જયંતીની ઉજવણી થશે. સોમવારે સવારે 6.04થી સાંજે 5 વાગ્યા સુધી શનિ ગ્રહનું દાન કરી શકાશે. સોમવારે કૃતિકા-રોહિણી નક્ષત્ર અને સુકર્મા યોગમાં શનિ જયંતી ઉજવાશે. તમામ શહેરોમાં સવારથી સાંજ સુધી મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળશે.