૧૯૭૧માં પાક. સામેના યુદ્ધમાં મળેલી સફળતાથી દર વર્ષે ૪ ડિસેમ્બરે ઉજવાય છે નેવી-ડે
પરેડ ગ્રાઉન્ડ ખાતે નેવી જવાનોએ હેરતભર્યા દાવો રજૂ કર્યા
જામનગર સ્થિત વાલસુરા નેવી મથકના આજે નેવી ડે ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને બીટિંગ રીટ્રીટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેને ઉપસ્થિત નેવીના જવાનો અને નગરજનોએ તાળીઓના ગડગડાટથી વધવી લીધું હતું.
૧૯૭૧ના યુદ્ધમાં ભારતીય નેવી દ્વારા પાકિસ્તાનના કરાચી બંદર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં પાકિસ્તાનના બંદર અને તેમના યુદ્ધ જહાજોને ભારે નુકસાન થયું હતું .ભારતીય નેવીને મળેલી આ સફળતા ન કારણે પ્રતિવર્ષ ૪ ડિસેમ્બરના રોજ ભારતીય નૌ સેના દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.
જેના ભાગરૂપે જામનગરના વાલસુરા સ્થિત નેવી મથકમાં નેવીના કમાન્ડિંગ ઓફિસરની ઉપસ્થિતિમાં નેવી ડે ની ઉજવણી કરવામાં આવી હતી.
આ તકે ખાસ કરીને સૂર્યાસ્ત સમયે યોજાતા ભવ્ય બીટિંગ રિટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે નેવીના જવાનો દ્વારા પીટી અને મશાલ ડિસ્પ્લેનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું .ખાસ કરીને હથિયાર સાથે જવાનોએ રજુ કરેલ પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.