- છોટી કાશીમાં નગરજનો મન મૂકીને ધુળેટીના રંગે રંગાયા
- હોળીની રાતે શેરી ગલીની વિસરાતી રમતોનો જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમે પણ લાભ લીધો
જામનગર તા ૨૬, જામનગર શહેરમાં હોળી- ધુળેટીના પર્વની ભારે ધામધૂમ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, અને શહેરમાં ૩૦૦ થી વધુ સ્થળો પર હોળી પ્રગટાવવાના કાર્યક્રમો યોજાયા હતા, અને શહેરના અનેક વિસ્તારોમાં મોડી રાત્રી સુધી હોળીના દર્શને લોકોની ભીડ જોવા મળી હતી. સાથો સાથ ડી.જે. સંગીત ની સાથે ધમાલ મસ્તી કરતાં લોકો જોવા મળ્યા હતા, અને અમુક સ્થળે ભોજન સમારંભ પણ યોજાયા હતા.
હોળીની મોડી રાત્રે કેટલી શેરી ગલીની રમતોનો પણ નગરવાસીઓએ આનંદ લીધો હતો. એક તબક્કે જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ પણ હોળીની રાત્રે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફર્યા હતા, અને શેરી-ગરીમાં વિસરાતી જૂની રમતોનો પોતે પણ આનંદ લીધો હતો, અને સ્થાનિક નાગરિકોની સાથે રમતમાં જોડાઈને ઉત્સાહભેર રમતો નો આનંદ લીધો હતો, અને પોતાનું બાળપણ યાદ કર્યું હતું. ત્યારબાદ ધુળેટીના પર્વની પણ નગરજનોએ ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી. જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તાર, ઇન્દ્રદીપ સોસાયટી, રામેશ્વર ચોક, બેડી બંદર રોડ, સ્વસ્તિક સોસાયટી, પંચવટી વિસ્તાર, લીમડા લાઈન, ગુરુદ્વારા વિસ્તાર, બેડી ગેઇટ,રણજીત રોડ, ચાંદી બજાર, સેન્ટ્રલ બેંક રોડ, હવાઈ ચોક, દિગ્વિજય પ્લોટ, સહિતના વિસ્તારમાં મોટી સંખ્યામાં યુવા હૈયાઓ જાહેરમાં એકત્ર થયા હતા, અને એકબીજા પર રંગ ફેંકીને ધુળેટી નું પર્વ મનાવ્યું હતું. કોઈ સ્થળે ઢોલ અને ડીજેના તાલે નાચ ગાન અને ધમાલ કરતા લોકો જોવા મળ્યા હતા, જ્યારે કોઈ કોઈ સ્થળે પાણીના ક્યારા હોજ વગેરે બનાવીને તેમાં પણ હોળી ની રંગત માણી હતી.
જામનગર શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને, અને ધુળેટી ના પરવે કોઈ વ્યક્તિ એકબીજાને મંજૂરી વિના કલર ઉડાડી પરેશાન કરે નહીં, તે બાબતે પોલીસ તંત્ર ખૂબ જ સતર્ક રહ્યું હતું, અને સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરાયું હતું. જેના કારણે ધૂળેટીના પર્વ દરમિયાન એક પણ પ્રકારના અનિચ્છનિય બનાવની ઘટના સામે આવી નથી, અને નગરજનોએ ખૂબ જ શાંતિ રીતે ઉત્સાહભર્યા વાતાવરણમાં ધૂળેટીનો પર્વ મનાવ્યો હતો .
સાગર સંઘાણી