રાજકોટ કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલા પાંચ નમૂના પરિક્ષણમાં ફેઇલ: વેપારીઓને દંડ ફટકારાશે
રાજકોટ કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી લેવામાં આવેલી પાંચ ખાદ્ય સામગ્રીના નમૂના પરિક્ષણમાં નાપાસ જાહેર કરવામાં આવ્યા છે. કેરીના રસ અને વરિયાળીમાં કલરની હાજરી મળી આવી હતી. જ્યારે પનીરમાં ધારાધોરણ કરતા મિલ્ક ફેટનું પ્રમાણ ખૂબ ઓછું મળી આવતા નમૂના પરિક્ષણમાં નાપાસ જાહેર કરવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ શહેરના દાણાપીઠ વિસ્તારમાં અનિલભાઇ અડવાણીના રઘુનાથ ટ્રેડર્સમાંથી લૂઝ વરિયાળીનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં પરિક્ષણ દરમિયાન નોન પરમિટેડ યલો કલર ઓઇલ સોલીયુબલ ડાઇની હાજરી મળી આવી હતી. જ્યારે ગોંડલ રોડ પર પીડીએમ કોલેજની પાછળ અંબાજી કડવા પ્લોટ વિસ્તારમાં હિતેષભાઇ ગાવાના કનકાઇ સિઝન સ્ટોર્સમાંથી લૂઝ કેરીના રસનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં સિન્થેટીક ફૂડ કલરની હાજરી, ટાટ્રાઝીન અને સનસેટ યલોની હાજરી મળી આવતા નમૂનો નિષ્ફળ ગયો હતો. જ્યારે આ જ વિસ્તારમાં સુરેશભાઇ રૈયાણીની માલિકીના શ્રીરાજ આઇસ્ક્રીમમાંથી લૂઝ કેરીના રસનો નમૂનો લેવાયો હતો. જેમાં પ્રતિબંધિત કલર અને ટાટ્રાઝીન અને સનસેટ યલોની હાજરી મળી આવતા નમૂનો નાપાસ જાહેર કરવામાં આવ્યો હતો.
કોર્પોરેશન ચોકમાં બોલેરો ગાડીમાં પનીરની હેરફેર કરતા ઇમ્તીયાઝ કાનીયા પાસેથી લૂઝ પનીરનો નમૂનો લેવાયો હતો. જેમાં પરિક્ષણ દરમિયાન મિલ્ક ફેટની માત્રા ધારાધોરણ કરતા ઓછી અને ફોરેન ફેટ, વેજીટેબલ ફેટ અને તીલ ઓઇલની હાજરી મળી આવી હતી. જેના કારણે નમૂનો નાપાસ જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે અંબિકા ટાઉનશીપ પાસે અંબે માંના મંદિર રોડ પર રાજ કંટેસરીયાની માલિકીના જનતા સ્વીટ્સમાંથી પણ લૂઝ પનીરનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં ફોરેન ફેટ અને વેજીટેબલ ફેટની હાજરી મળી આવતા નમૂનો નાપાસ જાહેર કરવામાં આવ્યો છે.
અનિલ સ્વીટ્સ અને જલારામ ફરસાણમાંથી22 કિલો વાસી ખોરાક પકડાયો
ટેસ્ટી ખમણ, ધારેશ્ર્વર ફરસાણ, ક્રિષ્ના સ્વીટ્સ અને ખોડિયાર વિજય ડેરીને નોટિસ
કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા હાથ ધરવામાં આવેલા ચેકીંગ દરમિયાન શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 6 સ્થળોએથી વાસી ખાદ્ય સામગ્રીનો જથ્થો મળી આવ્યો હતો. કેનાલ રોડ પર અનિલ સ્વીટ્ માર્ટમાંથી દાઝીયું તેલ, વાસી લોટ અને ચટણી સહિત કુલ 15 કિલો જથ્થો પકડાતા તેનો નાશ કરી નોટિસ આપવામાં આવી હતી. જ્યારે ગાયત્રીનગર મેઇન રોડ પર જલારામ ચોકમાં જલારામ ફરસાણમાંથી ફરસાણ, વાસી લોટ, એક્સપાયર થયેલા મસાલા સહિત સાત કિલો વાસી ખોરાક પકડાતા તેનો નાશ કરાયો હતો. ઇન્દિરા સર્કલ પાસે ટેસ્ટી ખમણ, ભક્તિનગર સર્કલ પાસે ધારેશ્ર્વર ફરસાણ, રૈયા રોડ પર જય ખોડિયાર વિજય ડેરી ફાર્મ અને ત્રિશૂલ ચોકમાં ક્રિષ્ના સ્વીટ્ માર્ટને યોગ્ય સ્ટોરેજ કરવા અને હાઇજેનીંક ક્ધડીશન જાળવી રાખવા નોટિસ ફટકારવામાં આવી હતી.