દેશની ૨૪ હાઇકોર્ટમાં ૩૩૧ ન્યાયાધીશોની ખાલી પડેલી જગ્યાઓ કેસોના ભરાવાને નોતરનારું
સરકાર અને સર્વોચ્ચ અદાલત વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે ઉચ્ચ ન્યાયાલયોના ન્યાયાધીશોની નિમણૂકમાં વિલંબ માટે દરેક એકબીજાને જવાબદાર ઠેરવી રહ્યા છે. કેન્દ્રીય કાયદા મંત્રાલયની કાયદા અને ન્યાય અંગેની સંસદીય સ્થાયી સમિતિને જણાવ્યું છે કે, હાઇકોર્ટની કોલેજીયમ કમિટી દ્વારા ન્યાયાધીશની નિયુક્તિ માટે જે નામોની ભલામણ કરવામાં આવે છે તે પૈકી ૩૦% નામો પર સુપ્રીમની કોલેજીયમ કમિટી કાતર ફેરવી નાખે છે.
કાયદા મંત્રાલયે કહ્યું છે કે, વર્ષ ૨૦૨૧માં વિવિધ હાઇકોર્ટ કોલેજિયમ દ્વારા ૨૫૧ નામોની ભલામણો કરવામાં આવી હતી. ૨૬ મેં ૨૦૨૨ સુધીમાં વિવિધ હાઇકોર્ટમાં ૧૪૮ નિમણૂકો (ન્યાયાધીશોની) કરવામાં આવી છે અને સુપ્રીમ કોર્ટ કૉલેજિયમ દ્વારા ૭૪ નામો પર કાતર ફેરવી દેવામાં આવી છે.
બાકીની ૨૯ દરખાસ્તો સરકાર અને સુપ્રીમ કોર્ટ કોલેજિયમ વચ્ચે પ્રક્રિયાના વિવિધ તબક્કામાં હતી. કાયદા મંત્રાલયની કાયદા અને ન્યાય અંગેની સંસદીય સ્થાયી સમિતિને જણાવ્યું છે કે, સુપ્રીમ કોર્ટ કોલેજિયમના સ્તરે આ ૩૦% નામોને અસ્વીકાર કરવામાં છે.
હાલની કોલેજિયમ સિસ્ટમ એવી જોગવાઈ કરે છે કે, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે કોઈ જગ્યા ખાલી થાય તેના છ મહિના પહેલા હાઈકોર્ટમાં ન્યાયાધીશની ખાલી જગ્યાઓ ભરવા માટેની દરખાસ્ત શરૂ કરવી જરૂરી છે. સરકાર ફક્ત તે જ વ્યક્તિઓને હાઇકોર્ટના ન્યાયાધીશો તરીકે નિયુક્ત કરે છે છેવટે જેમની સુપ્રીમ કોર્ટ કૉલેજિયમ દ્વારા ભલામણ કરવામાં આવે છે. હાઇકોર્ટમાં ખાલી જગ્યાઓ ભરવાની પ્રાથમિક જવાબદારી હાઇકોર્ટ કૉલેજિયમની છે, તેવું કાયદા મંત્રાલયે જણાવ્યું છે.
કાયદા મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે હાઇકોર્ટમાં મોટી ખાલી જગ્યાઓનું બીજું કારણ હાઇકોર્ટ કૉલેજિયમો તરફથી મળેલી ભલામણોનો અભાવ છે.
૨૫ નવેમ્બર, ૨૦૨૨ સુધીમાં દેશની ૨૪ હાઇકોર્ટમાં ૩૩૧ જગ્યાઓ ખાલી હતી અને હાઇકોર્ટના કૉલેજિયમોએ ત્યાં સુધી માત્ર ૧૪૮ ખાલી જગ્યાઓ માટે ભલામણો શરૂ કરી હતી. ન્યાયાધીશોની બાકીની ૧૮૩ જગ્યાઓ માટે જે એકથી પાંચ વર્ષ સુધી ખાલી હતી, કોઈ ભલામણો પ્રાપ્ત થઈ ન હતી તેવું સૂત્રોએ જણાવ્યું હતું.
ન્યાયાધીશોની નિમણૂકમાં સમયમર્યાદામાં સતત વિલંબની નોંધ લેતા કાયદા મંત્રાલયની સ્થાયી સમિતિના સભ્ય સુશીલ કુમાર મોદીની આગેવાની હેઠળની સંસદીય પેનલે ભલામણ કરી છે કે, સરકાર અને ઉચ્ચ ન્યાયતંત્ર બંનેએ સક્રિય સમયરેખા દોરવી જોઈએ અને તેનું સાવચેતીપૂર્વક પાલન કરવું જોઈએ.
સમિતિનું અવલોકન છે કે, દેશની ન્યાયિક વ્યવસ્થા ખાલી પડેલી જગ્યા અને પેન્ડન્સીની બારમાસી સમસ્યાઓથી ઘેરાયેલી છે. ખાસ કરીને ઉચ્ચ અદાલતના સ્તરે આ સમસ્યાઓનો કોઈ અંત નથી. બંને સમસ્યાઓ એ રીતે વણાયેલી છે કે ખાલી જગ્યાઓ કેસો પેન્ડન્સી પર કુદરતી અસર કરે છે.
જોકે સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, કેન્દ્ર હાલની મેમોરેન્ડમ ઑફ પ્રોસિજરમાં નિર્ધારિત સમયરેખાનું પાલન કરી રહ્યું છે જે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂકનું માર્ગદર્શન આપે છે.