યુજીસીએ ગાઈડ લાઈન જાહેર કરી
કલાસમાં ૫૦ ટકા વિદ્યાર્થીઓને જ બોલાવાશે: ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોને અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે પ્લેસમેન્ટ સહિતના આયોજનને છુટ આપી, હોસ્ટેલો પણ સુરક્ષાના માપદંડોમાં ખોલવાની પરવાનગી પરંતુ એક રૂમમાં એક જ વિદ્યાર્થી રહી શકશે
સરકાર દ્વારા દિવાળી શાળા-કોલેજ એક સાથે શરૂ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે ત્યારે દિવાળી વેકેશન બાદ પ્રથમ તબક્કામાં ધો.૯ થી ૧૨નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવી શકે છે જે મામલે અધિકારીઓને એસઓપી તૈયાર કરવાની સુચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત યુજીસી દ્વારા કોલેજો શરૂ કરવા બાબતે ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી છે. ગાઈડ લાઈન મુજબ કન્ટેઇનમેન્ટ ઝોન બહાર આવતી કોલેજો શરૂ કરી શકાશે. એટલે હવે ફરી એકવાર દિવાળી બાદ કોલેજો ધમધમતી થશે. ઉલ્લેખનીય છે કે, યુજીસીની ગાઈડ લાઈન મુજબ કોલેજોમાં વિદ્યાર્થીઓએ આરોગ્યની જાણકારી માટે આરોગ્ય સેતુ એપ જરૂરથી રાખવાની રહેશે. કન્ટેઇનમેન્ટ ઝોનમાં રહેતા કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થીઓને કોલેજ ન આવવા માટે નિર્દેશ કરવામાં આવશે. વિદ્યાર્થી માટે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને વારંવાર હાથ ધોવા અને સેનેટાઈઝ કરવું જરૂરી બનશે. કોલેજમાં પ્રવેશતા સમયે વિદ્યાર્થીના સ્ક્રીનીંગ અને ડિશઈન્ફેકશનની પ્રક્રિયા ફરજિયાત રહેશે. ઉપરાંત કોલેજોમાં વિદ્યાર્થીઓને નિર્દેશ આપતા પોસ્ટર પણ લગાવવાના રહેશે. કોઈપણ સમયે ૫૦ ટકા કરતા વધુ વિદ્યાર્થીઓને ન બોલાવવાનો પણ ગાઈડ લાઈનમાં ઉલ્લેખ કરાયો છે. ઉપરાંત ઘરે રહી ભણવા માંગતા વિદ્યાર્થીઓને ઓનલાઈન મટીરીયલ્સ કોલેજ દ્વારા આપવાનું રહેશે. આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ સંસ્થાને અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે પ્લેસમેન્ટ જેવા આયોજન કરાવવાની છુટછાટ આપવામાં આવી છે. બીજી બાજુ ધોરણો શરૂ થવા પર એક સમયમાં કુલ વિદ્યાર્થીઓની તુલનામાં અડધી સંખ્યામાં જ વિદ્યાર્થીઓને આવવાની છુટ મળશે. ઓનલાઈન અભ્યાસ સામગ્રી અને ઈ-સંશોધનની વ્યવસ્થા કરાવવાની જવાબદારી પણ સંસ્થાની રહેશે. યુજીસીએ હોસ્ટેલને સુરક્ષાના માપદંડ સાથે ખોલવાની પરવાનગી આપી છે. પરંતુ હવેથી એક જ વિદ્યાર્થીને એક રૂમમાં રહેવાની અનુમતી અપાઈ છે. સાથે જ વિદ્યાર્થીને કોરોનાના લક્ષણ દેખાય તો તેને હોસ્ટેલમાં રહેવાની પરવાનગી અપાશે નહીં આ ઉપરાંત વિદ્યાર્થી પર નિયમીત નજર રાખવા માર્ગદર્શીકામાં કહેવાયું છે.