શિક્ષણ વિભાગના વિચિત્ર નિર્ણયથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં કચવાટ: પ્રાથમિક-માધ્યમિક શાળામાં એકમ કસોટી ન લેવાની માંગ
ગુજરાતના શિક્ષણ વિભાગનાં બે અલગ અલગ નિર્ણયમાં ગુજરાતના શિક્ષણની દિશાહીનતા સામે આવી છે. તા. ૧નાં રોજ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયા સમક્ષ કરેલ જાહેરાત મુજબ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ હાલ કોરોના મહામારીની સ્થિતિના કારણે સમગ્ર રાજ્યમાં કોલેજોની બાકી રહેલ પરીક્ષાઓ મુલતવી રાખવાની જાહેરાત કરવામાં આવી તો જીસીઇઆરટી અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલ બે અલગ અલગ પરિપત્રથી તા. ૨૯ અને ૩૦ જુલાઈ દરમ્યાન રાજ્યની સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ તમામ શાળાઓમાં એકમ કસોટી લેવાનું ફરમાન જારી કરવામાં આવ્યું છે. આ એકમ કસોટી માટે પ્રશ્ન પેપર સમગ્ર રાજ્યમાં એકસમાન રીતે રાજ્ય કક્ષાએથી મોકલવાનું આયોજન થયેલ છે. એકમ કસોટીના પ્રશ્ન પેપર સોફ્ટ કે હાર્ડ કોપીમાં વિદ્યાર્થી સુધી પહોચાડવાની જવાબદારી શાળાને સોંપવામાં આવી છે તેટલું જ નહી પરંતુ ઘરે વાલીની દેખરેખમાં એક કલાકમાં વિદ્યાર્થી દ્વારા અપાયેલ આ કસોટીની ઉત્તરવહીઓ તા. ૩૧ જુલાઈ સુધી શાળામાં વાલી મારફત પરત પહોચાડવાની તથા ત્યારબાદ જે તે શિક્ષક દ્વારા આ ઉત્તરવહીઓ ચકાસી તેના ગુણની ઓનલાઈન એન્ટ્રી કરવાની સૂચનાઓ બહાર પાડવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે એપ્રિલ-૨૦ માં વાર્ષિક પરીક્ષાઓ શક્ય બનેલ નહોતી અને સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની સરકારને ફરજ પડી હતી અને આજે જયારે જુલાઈ માસમાં રાજ્યમાં કોરાનાના દર્દીઓની સંખ્યા એપ્રિલ માસની સરખામણીમાં ખૂબ વધુ છે અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ કોલેજની પરીક્ષાઓ મુલતવી રાખવાની જાહેરાત કરવી પડી છે તેવા સંજોગોમાં જુની શરુ થયેલ શૈક્ષણિક વર્ષમાં એકપણ દિવસ વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકેલ નથી અને શિક્ષકોને પણ સમગ્ર સ્ટાફના બદલે જરૃરિયાત મુજબ બોલાવવાની સરકારની સૂચના છે, પાઠ્યપુસ્તકો પૂરી સંખ્યામાં શાળાઓમાં સરકાર પહોચાડી નથી શક્યા અને ધોરણ ૧, ૯ અને ૧૧ માં વિદ્યાર્થીઓના પ્રવેશની કાર્યવાહી સંપૂર્ણ રીતે પૂર્ણ થઇ નથી ત્યારે એકમ કસોટીનો નિર્ણય વ્યવહારુ નથી જણાતો.
સરકાર દ્વારા હોમ લર્નિંગનાં કન્સેપ્ટથી વિદ્યાર્થીઓને ટીવી ચેનલ, મોબાઈલ મારફત શિક્ષણ આપવા પ્રયાસ અને સૂચનાઓ આપવામાં આવ્યા હતા પણ રાજ્યમાં ૧૦૦ % વિદ્યાર્થીઓ પાસે ટીવી , મોબાઈલ જેવી સુવિધાઓ હોતી નથી તેમજ આ ઉપકરણોમાં રિચાર્જની આર્થિક અનુકુળતા પણ તમામ વિદ્યાર્થી-વાલી પાસે નથી હોતી તે વાસ્તવિકતાને અવગણીને લેવાયેલ આ નિર્ણય પ્રત્યે વ્યાપક અસંતોષ જોવા મળે છે. સરકારી શાળાઓમાં શિક્ષકોને રાજ્ય કક્ષાએથી તૈયાર કરવામાં આવેલ સાહિત્ય વિદ્યાર્થીઓને વોટ્સએપ મારફત પહોચાડવા તથા દરરોજ વિદ્યાર્થીઓને ટેલીફોનિક સંપર્ક કરી હોમ લર્નિંગનું ફોલોઅપ લેવા તથા માર્ગદર્શન આપવા ફરજ પાડવામાં આવે છે ત્યારે રાજ્યના બધા વિદ્યાર્થીઓ અને તેમાં પણ વિશેષ કરીને પ્રાથમિક શાળાના ધોરણ ૩ થી શરુ થતા વિદ્યાર્થીઓ આ માધ્યમથી શિક્ષણ મેળવવા સમર્થન ના હોય આ વાસ્તવિકતાથી રાજ્યનો શિક્ષણ વિભાગ અજાણ હોય તો કેટલાક શિક્ષકો પણ સ્માર્ટફોન અને ઈન્ટરનેટનાં ઉપયોગથી અજાણ હોવાની વાસ્તવિકતા સરકારના ધ્યાને મૂકીએ છીએ. આ વર્ષે જ ધોરણ ૧૦ નું બોર્ડની પરિક્ષાનુ જાહેર થયેલ પરિણામ ઘણું ઓછું હતું અને માતૃભાષા ગુજરાતીમાં આંચકો આપે તેટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થયાની ઘટના હજુ ભુલાઈ નહિ હોય ત્યારે શાળામાં નિયમિત શિક્ષણ મેળવ્યા બાદ પણ કૃપા-ગુણ આપી પરિણામની ટકાવારી સુધારવાની રાજ્યને ફરજ પડતી હોય તે પરિસ્થિતિમાં વ્યવહારુ નિર્ણય દ્વારા શિક્ષણની મૂળભૂત સમસ્યાનું નિવારણ કરવાના બદલે રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી સતત પ્રયોગો કરવાના કારણે થતા નીતિ-ઘડતરમાં શિક્ષણવિદ્દોનાં બદલે સનદી અધિકારીઓ દ્વારા સતત નિર્ણયો લેવાતા હોય તથા સતત પ્રયોગો અને બદલાતી નીતિના કારણે રાજ્યના શિક્ષણનું સ્તર ચિંતાજનક રીતે કથળી ગયું છે. સરકાર દ્વારા સતત પ્રયોગો ઉપરાંત અન્ય કામગીરીનું ભારણ, આંકડાકીય માહિતીઓની માયાજાળ, સમગ્ર શિક્ષા અભિયાનની સતત કામગીરી, ઓનલાઈન કામગીરી વગેરે સમસ્યાના કારણે સિનિયર શિક્ષકો કોમ્પ્યુટર અને ઓનલાઈન કામગીરીમાં કુશળતા નહિ હોવાથી મોટી સંખ્યામાં સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ રહ્યા છે.
જુન માસથી શરુ થયેલ શૈક્ષણિક સત્રથી હોમ લર્નિંગ કોન્સેપ્ટ સરકાર દ્વારા અમલી બનાવાયેલ છે ત્યારે ઘણી મોટી સંખ્યામાં વાલીઓ પાસે સ્માર્ટફોન, ટીવી જેવા ઉપકરણો નહી હોવાની, ઉપકરણો હોય તો તેમાં રીચાર્જની આર્થિક અનુકૂળતા નહી હોવાની, બાળકોમાં મોબાઈલના કારણે ઉદ્દભવતી શારીરિક સમસ્યાઓ જેવી કે આંખોને નુકસાન થવું કે બાળકો ગેઈમ રમવાના વ્યસનથી બનવાના, મોબાઈલ અને ઈન્ટરનેટનાં દુરુપયોગનાં કારણે કુટેવોના શિકાર બનવાના કિસ્સાઓથી તંત્રની અજ્ઞાનતા દુ:ખદાયક છે તો બીજી તરફ હોમ લર્નિંગ ફોલોઅપ માટે સરકારી શિક્ષકોને પાડવામાં આવતી ફરજનાં કારણે શિક્ષકો દ્વારા વારંવાર વિદ્યાર્થીઓને ફોન કરવાથી શિક્ષકોનાં અપમાન થતું હોવાના બનાવો પણ ધ્યાને આવે છે. આવા બનાવો સમાજમાં શિક્ષકોની ગરિમાને નુકસાન પહોચાડે છે. એકંદરે જોઈએ તો છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતનું શિક્ષણ શિક્ષણવિદ્દોની ઉપેક્ષા અને અમલદારશાહીના નિર્ણયો, સ્થાનિક સતા તંત્રની ઉદાસીનતા અને પ્રયોગોનાં અતિરેક અને લાંબા ગાળાની નીતિનો અભાવ , નીતિની અમલવારી વાસ્તવિક રીતે કરાવવામાં નિષ્ફળતાના કારણે ગુજરાતનું શિક્ષણ સુધારા માટે કોઈ ચમત્કાર ઝંખે છે.