આત્મવિલોપનની ચિમકીઓમાં વધારો, કલેક્ટરે કરી ટાસ્ક ફોર્સની રચના
રાજકોટ: રાજકોટ સહિત રાજ્યભરમાં નિંભર સરકારી તંત્ર દ્વારા જુદા-જુદા પ્રશ્નોનો સમયસર નિકાલ થતો ન હોય તેથી હારી-કંટાળીને અરજદારો આત્મહત્યા કરે છે અથવા આત્મવિલોપનની ચીમકી આપે છે ત્યારે આવા કિસ્સાઓમાં ચિંતાજનક હદે વધારો થતા સફાળું જાગેલા રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે અને આત્મવિલોપનની ચીમકીની ફરિયાદો જે પ્રકરણમાં હોય તેવી અરજીઓનો નિકાલ 15 માર્ચ સુધીમાં કરી નાખવા આદેશ કર્યો છે.
રાજકોટમાં આવી 12 અરજી
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, રાજકોટમાં આ પ્રકારની 12 અરજીઓ આવેલી છે, જેમાં શિવરાજગઢના બે યુવાનોએ પણ ગુરૂવારે કલેક્ટર કચેરીમાં આત્મવિલોપનની ચીમકી આપતા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પાટણની ઘટના બાદ આવા કિસ્સાઓ ફરીથી ન બને તે માટે ખાસ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે અને તેમાં આ પ્રકારની અરજીઓનો નિકાલ કરવાની અલગ-અલગ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.ખાસ કરીને જેન્યુઇન પ્રકરણ હોય તેનો તાકીદે નિકાલ આવે તે માટે ટાસ્ક ફોર્સને આદેશ કરાયો છે અને 15મી માર્ચે ફરી રિવ્યૂ બેઠકરાખવામાં આવી છે.