કોવિડ વિભાગ, ઓક્સિજન પ્લાન્ટ અને મેડિસીન સહિતના વિભાગોની કલેકટરે મુલાકાત લઈ તાગ મેળવ્યો
કેન્દ્રીય અને રાજ્ય સરકારની ગાઇડલાઈન અનુરૂપ સ્થિતિને પહોંચી વળવા રાજકોટ તંત્ર સજ્જ
દેશ – વિદેશમાં કોરોનાએ ફરી એકવાર પોતાનો પ્રકોપ બતાવ્યો છે ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના સામે લડી લેવા આગમચેતી પગલાં લેવા માટે તંત્ર સજ્જ થઈ ગયું છે. જેના માટે આજરોજ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ સિવિલ હોસ્પિટલ ખાતે ખાસ સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં સિવિલ તબીબી અધિક્ષક ડો.આર.એસ. ત્રિવેદી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેકટર દ્વારા સમીક્ષા બેઠક યોજ્યા બાદ કોવિડ વિભાગ અને ઓક્સિજન પ્લાન્ટ સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી.
ચીનમાં કોરોનાએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે. ત્યારે રાજકોટમાં પણ કોરોનાની સ્થિતિ વકરે તે પહેલાં જ તંત્ર દ્વારા આગમચેતીના પગલાં લેવામા આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજરોજ પીડિયુ મેડિકલ કોલેજ ખાતે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં ખાસ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદી સહિતનો પેરા મેડિકલ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મેડિકલ કોલેજ ખાતે યોજવામાં આવેલી સમીક્ષા બેઠકમાં કલેકટર અરુણ મહેશ બાબુએ સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ કોરોનાને લગતી તમામ વસ્તુઓનો તાગ મેળવ્યો હતો. ત્યાર બાદ કલેકટર અરુણ મહેશ બાબુ તથા તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદી સહિતના ઉચ્ચ અધિકારીઓએ કોરોના પોર્ટેબલ હોસ્પિટલ, ઓક્સિજન પ્લાન્ટ અને મેડીસિન વિભાગની મુલાકાત લઈ સમગ્ર વસ્તુઓનો તાગ મેળવી આગામી સ્થિતિને પહોંચી વળવા મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફને ખાસ સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
ઉલેખનીય છે કે, તાજેતરમાં કોરોનાને લઇ ગાંધીનગર ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ થઇ હતી. જેમાં કોરોના એલર્ટ જાહેર કરાતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 100 બેડ રીઝર્વ રખાયા છે. જેમાં 100 પૈકી 64 આઇ.સી. યુ બેડ અને બાકીના 36 ઓક્સિજન બેડ તૈયાર કરાયા છે. હાલ ઓક્સિજન અને દવાનો જથ્થાની સમીક્ષા કરાઇ છે. સાથોસાથ તબીબ, નર્સિંગ સ્ટાફ સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે. હાલ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝ સહિતની કોવિડ ગાઈડલાઈનનું કડક પાલન કરવા તાકીદ કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા પણ કડક નિર્દેશો જાહેર થશે.
નોંધનીય છે કે હાલ રાજકોટમાં 9 લાખ નાગરિકોને બુસ્ટર ડોઝ મળ્યો જ નથી. કોરોનાને અટકાવવા રસીની સ્થિતિ શું છે તે જાણતા જ બહાર આવ્યું છે કે મનપા પાસે કોવિશીલ્ડ રસીનો સ્ટોક જ નથી અને બીજી તરફ ત્રીજા ડોઝ માટે લાખો લોકો બાકી છે! ત્યારે પોઝિટિવ કેસ નોંધાતા રાજકોટીયન્સમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં 5 પોઝિટિવ કેસ આવ્યા છે. જેને પગલે રાજકોટ મનપાનો આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે.
રાજકોટવાસીઓએ ડરવાની નહિ પણ સાવચેતી રાખવાની જરૂરીયાત: કલેકટર
રાજકોટ પીડિયુ મેડિકલ કોલેજ ખાતે કલેકટર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠક બાદ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે,”રાજકોટવાસીઓએ કોરોનાથી ડરવાની જરૂર નથી પરંતુ તેની સામે સાવચેતી રાખવાની જરૂર છે. વેક્સીનેશન બાકી હોય તેઓએ વેક્સીનનો ડોઝ લઈ લેવો જોઈએ. હાલ રાજકોટમાં કોરોનાને લઈને કોઈ ગભરાવા જેવી સ્થિતિ નથી.
પરંતુ ભવિષ્યમાં કોઈ પણ સ્થિતિ સર્જાશે તો તેની સામે આરોગ્ય તંત્ર અને સિવિલ હોસ્પિટલ પૂરી રીતે સજ્જ છે.” આગામી સમયમાં કેન્દ્રીય અને રાજ્ય સરકારની જે કઈ ગાઈડલાઈન આવશે તે અંગે પલાણ કરવા માટે પણ કલેકટર અરુણ મહેશ બાબુએ રાજકોટવાસીઓને વિનંતી કરી છે. આ સાથે શહેર સાથે સાથે તાલુકામાં પણ કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે તેવું કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું છે.