છુટાની મગજમારી દૂર કરવા કલેકટર તંત્ર હરકતમાં

રાજકોટમાં એક તરફ રૂ.10ની નોટનું પ્રમાણ ઓછું, તેવામાં રૂ.10ના સિક્કા સ્વીકારવામાં આવતા ન હોવાને કારણે રોજિંદા વ્યવહારોમાં લોકોને મુશ્કેલી: રાજકોટની અગ્રીમ બેંકોનાં અધિકારીઓ સાથે કલેકટર પ્રભવ જોશીએ યોજી બેઠક

એક તરફ રૂ.10ની નોટનું પ્રમાણ ઓછું, તેવામાં રૂ.10ના સિક્કા સ્વીકારવામાં આવતા ન હોવાને કારણે રોજિંદા વ્યવહારોમાં લોકોને મુશ્કેલી પડી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર હરકતમાં આવ્યું છે. તમામ લોકોને રૂ.10ના સિક્કાથી વ્યાપક વ્યવહાર કરવા જિલ્લા કલેકટરે અપીલ કરી છે.

છેલ્લા કેટલાક સમયથી રાજકોટ જિલ્લામાં રૂ. 10 નો સિક્કો માન્ય હોવા છતાં વ્યવહારમાં તેનો ઉપયોગ નહિવત થતો હોઈ ગ્રાહકો, વ્યાપારીઓ તેમજ બેન્કર્સને રૂ. 10 ના સિક્કાને લઈને પડતી મુશ્કેલીના નિવારણ અર્થે જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં રાજકોટની નેશનલ અને ખાનગી બેન્કના અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી.

IMG 20240522 WA0012

આ બેઠકમાં કલેકટર પ્રભવ જોશીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રૂ. 10 નો સિક્કો ભારત સરકાર અને આર.બી.આઈ. દ્વારા માન્યતા પ્રાપ્ત ચલણ છે. જેનો વ્યવહાર કાયદેસર છે. જેથી કરીને લોકો, વ્યાપારીઓ નિ:સંકોચપણે ચલણમાં તેનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરે તે ઇચ્છનીય છે. તેમજ બેન્ક પણ રૂ. 10 ના સિક્કાનો અસ્વીકાર કરી શકે નહીં. તમામ બેંકોમાં રૂ. 10 ના સિક્કા જમા કરાવી શકાય છે તેમ કલેકટરએ લોકોને વિશ્વાસ આપતાં જણાવ્યું હતું.

કલેકટરએ આ બાબતે સંપૂર્ણ સહકાર આપવા બેન્કના અધિકારીઓને જણાવ્યું હતું. બેન્કના અધિકારીઓના જણાવ્યા મુજબ રૂ. 10 ના સિક્કા બેન્ક દ્વારા હાલ ચલણમાં છે જ. તેમજ કોઈપણ વ્યાપારી બેન્કોમા રૂ. 10 ના સિક્કા જમા કરાવી શકે છે.

રૂ. 10 નો સિક્કો વ્યાપક પ્રમાણમાં વ્યવહારમાં આવતાં છુટ્ટા રૂપિયાની સમસ્યા પણ હલ થઈ જશે તેમ કલેકટરએ જણાવી રૂ. 10 ના સિક્કાનું સર્ક્યુલેશન વધે તે માટે સર્વેને રોજીંદા વ્યવહારમાં સિક્કાની લેણ-દેણ વ્યાપક બનાવવા અનુરોધ કર્યો છે.

આ બેઠકમાં એસ.બી.આઈ. ના લીડ બેન્કના મેનેજર નરેન્દ્ર સોલંકી, કરુણાકર બિસ્વાલ સહીત અગ્રણી બેંકોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.