2 જવાનોને આડેધડ થતા પાર્કિંગ રોકવા તૈનાત કરાયા
કલેકટર ઓફિસમાં વર્ષોથી પાર્કિંગની સમસ્યા રહી છે. પાર્કિંગ માટે જગ્યા હોવા છતાં ત્યાં વાહન પાર્ક કરવાને બદલે લોકો આડેધડ વાહન પાર્ક કરતા હતા. આ અંગે કલેકટર અરુણ મહેશ બાબુએ અગાઉ પણ આદેશ છોડ્યો હતો. ત્યારે ગઈકાલે ફરીથી આ અંગે આદેશ છોડવાની સાથે બે જવાનોને તૈનાત પણ કરી દીધા છે.
જિલ્લા કલેકટર કચેરી સંકુલના એન્ટ્રી ગેટ પાસે જ બન્ને બાજુ વિશાળ પાર્કિંગ હોવા છતાં આડેધડ વાહન પાર્ક થતા હોય કલેકટર અરુણ મહેશ બાબુએ ચાર્જ સંભાળતા વેંત જ આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી. જેને પગલે પાર્કિંગની સમસ્યા મહદ અંશે હલ થઈ હતી. પ્રાંત અધિકારી સહિતના કોઈ પણ અધિકારીઓની કાર પણ કલેકટર ઓફિસની મુખ્ય બિલ્ડીંગની સામે ઉભી રહેતી બંધ થઈ ગઈ હતી.
જો કે હજુ ઘણા અરજદારો તેમજ કલેકટર ઓફિસને સબંધીત વ્યક્તિઓ સંકુલમાં ગમે ત્યાં વાહન પાર્ક કરતા હોય આ બાબત કલેકટરના ધ્યાનમાં આવતા તેઓએ આડેધડ થતા પાર્કિંગ સામે લાલ આંખ કરીને જીઆઈએસએફના બે જવાનોને અલગ અલગ જગ્યાએ તૈનાત કરી દીધા છે.