ગીર-સોમનાથ જિલ્લાનાં ત્રણ તાલુકામાં વાવાઝોડાની અસર થઇ છે. જે પૈકી ઉના તાલુકાના દરીયાકાંઠાના ગામોમાં તીવ્ર અસર થયેલ છે.
જિલ્લા કલેકટર અજય પ્રકાશ અને જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખટાલે ઉના તાલુકાની મુલાકાત લીધી હતી. અંજાર રોડ પરના ઇમામ નગરનાં વાડી વિસ્તારની મુલાકાત લીધી હતી અને નાળીયેર, આંબાને થયેલ નુકશાનની વિગતો વાડી માલીક રફીકભાઇ પાસે મેળવી હતી અને સર્વે થયા પછી સરકારી નિયમોનુસાર સહાય કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. કલેકટરે ઉના પ્રાંત કચેરીમાં જિલ્લાના ઉચ્ચ અધિકારી સાથે બેઠક યોજી હતી.
કલેકટરે જણાવ્યું હતું કે, વાવાઝોડાના કારણે બાગાયત પાકો તેમજ તલ, બાજરી, અડદ ખેત પેદાશોને થયેલ નુકશાન અંગે સર્વે 10 દીવસમાં પુર્ણ કરવા જણાવ્યું હતું. તેમજ ઉના શહેરમાં 35 વીજ કંપની ટીમો કાર્યરત છે. વહેલી તકે વીજ પુરવઠો ચાલુ કરવા અને જનરેટર સેટ દ્વારા પાણી પુરવઠો ચોવીસ કલાકમાં ચાલુ કરવા જણાવ્યું હતું. ગીર-સોમનાથ જિલ્લાનાં 22 સ્ટેટ હાઇવે ખુલ્લા કરવામાં આવ્યા છે. કોઇ પણ ગામના રસ્તાઓ બ્લોક નથી. માનવ મૃત્યુના કિસ્સામાં એક જ દીવસમાં સહાય ચુકવવા જણાવ્યું હતું. પશુ મૃત્યુનો વહેલી તકે સર્વે કરી તેમને પણ ઝડપી સહાય મળે તે માટે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખટાલે, નાયબ કલેકટર ભાવનાબા ઝાલા, કાર્યપાલક ઇજેનેર ચારણીયા સહિત સબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.