105 હેક્ટર સરકારી જમીનમાં નામ ચડાવી વેંચી નાંખ્યાના કૌભાંડની ફરિયાદમાં લોકોનો વિજય
હિંમતનગરના હમીરગઢમાં સરકારી 105 હેક્ટર જમીન ખાનગી નામે ચડાવી વેંચી નાંખવાના કૌભાંડમાં ગ્રામજનોએ મામલતદાર મારફત ફરિયાદ નોંધાવતા કલેક્ટરે તપાસ કરી વેંચાણ ગેરકાનૂની ઠેરવી ગ્રામજનોને જમીન પરત આપવાનો હુકમ કરતા ગ્રામજનોનો વિજય થયો હતો અને કૌભાંડકારોના હથિયાર હેઠા પડ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમની વિગતો અમારા પ્રતિનિધિને અહેવાલ મુજબ એવી છે કે હિંમતનગર તાલુકાના હમીરગઢ ગામે આવેલી સરકારી પડતર જમીનમાં કેટલાક લોકોએ પોતાના નામ ચડાવી દીધા હતા અને બાદમાં તે જમીન અન્ય વ્યક્તિઓને વેચી દેવામાં આવી હતી જોકે ગ્રામજનોને સમગ્ર વાતની જાણ થતા ગ્રામજનોએ મામલતદાર સહિત પ્રાંત કલેકટર અને સિવિલ કોર્ટનો સહારો લીધો હતો જોકે આખરે જિલ્લા કલેકટર દ્વારા હુકમ કરી સરકારી પડતર જમીન ગ્રામજનો માટે યથાવત રાખવામાં આવી હતી
હિંમતનગર તાલુકાના હમીરગઢ ગામે આવેલી 105 હેક્ટર જમીનમાં કેટલા લોકોએ પોતાનું નામ ચડાવી દઈને હિંમતનગરના પૂર્વ ધારાસભ્યની પુત્રી અને તેમના કેટલાક મિત્રો અને પરિવાર જનોને વેચાણ આપી દીધી હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા જોકે સમગ્ર મામલે ગ્રામજનો જાગૃત થઈ અલગ અલગ જગ્યાએ કાયદાકીય લડત સાથે સરકારમાં પણ રજૂઆત કરતા આખરે સરકારી પડતર જમીન ગ્રામજનોને યથાવત રાખવા માટેનો જીલ્લા કલેકટર દ્વારા હુકમ કરતા સમગ્ર ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો હમીરગઢ ગામની 105 હેક્ટર જેટલી સરકારી પડતર જમીનનો ખરીદીનો દસ્તાવેજ વર્ષ 2020 માં થઈ ચૂક્યો હતો જો કે સમગ્ર મામલે ગ્રામજનોને જાણ થતા ગ્રામજનોએ પ્રથમ મામલતદાર ત્યારબાદ પ્રાંત કચેરી અને કલેક્ટર કચેરી તેમજ સિવિલ કોર્ટનો સહારો લીધો હતો અને આખરે જીલ્લા કલેકટર દ્વારા વેચાણ દસ્તાવેજ રદ કરી અને ગ્રામજનોને આ જગ્યા યથાવત રીતે ભોગવવા માટેનો હુકમ કરતા ગ્રામજનોમાં આનંદનું મોજું ફળ્યું હતું.
કોના નામે નોંધ પડી હતી?
સરકારી કથિત જમીનના દસ્તાવેજ બાદ પડેલી નોંધના આધારે કૃષ્ણસિંહ રાઠોડ,શાંતકુંવરબા રાઠોડ,કીમેન્દ્રસિંહ રાઠોડ,નરેન્દ્રકુમારી રાઠોડ,ઈન્દ્રજીતસિંહ રાઠોડ, દિવ્યરાજકુમારી રાઠોડ,મીનાકુંવરબા રાઠોડ,જયદીપસિંહ રાઠોડ, હરપાલસિંહ રાઠોડ,મયુરધ્વજસિંહ રાઠોડ,પાયલબેન ચાવડા,પ્રિન્સ પટેલ,રાજકુમાર પટેલ,દિક્ષીતાબેન ચાવડા, ઉમીબેન ભરવાડના નામોની નોંધ પડી હતી.
આ મામલે હમીરગઢ ગામના રહીશ ચીમનભાઈ પટેલે જણાવ્યું હતું કે આ ગામ નો વસવાટ 1952 પહેલાનો હતો અને ત્યારથી આ ગામ ગૌચરની જમીનનો હક ભોગવતું હતું અને વર્ષ 1985 માં આ જમીનની નોંધ પાડી અને વેચાણ કરી પરંતુ 1985 પછી આ નોંધો રદ થઈ પછી 1988 માં આ નોંધ મંજૂર કરી ત્યારબાદ પૂર્વ ધારાસભ્ય અને તેમના લાગતાં વળગતા માણસોએ આ 105 એકર જમીન લીધી અને વેચાણ નોંધ પડતાં અમે મામલતદાર માં ગયા પરંતુ મામલતદારે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને જે કોર્ટનો નિર્ણય આવે તે માન્ય રહેશે તેવી રીતે નોંધ પાડી હતી જ્યારે આ મામલે અમે સરકારમાં રજૂઆત કરી અને સરકારે અમારું સાંભળ્યું અને કલેક્ટરે ગ્રામજનોના તરફેણમાં હુકમ કર્યો.