બિનખેતી પ્રક્રિયા ઓનલાઈન કરતા પૂર્વે તમામ વિભાગો સો જિલ્લા કલેકટરની મહત્વની બેઠક
રાજય સરકાર દ્વારા બિનખેતીની પ્રક્રિયાને સંપૂર્ણપણે ઓનલાઈન બનાવવા હાથ ધરેલી પ્રક્રિયા પૂર્વે રાજકોટ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ માર્ગ અને મકાન, સિંચાઈ, પાણી પુરવઠા વિભાગ, પીજીવીસીએલ સહિતના તમામ વિભાગો સો મહત્વપૂર્ણ બેઠક યોજી ડેટાબેઈઝ તૈયાર કરવા આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ રાજય સરકાર દ્વારા બિનખેતી પ્રક્રિયાને સરળ બનાવવા માટે ઓનલાઈન કામગીરી કરવા નકકી કર્યું છે અને ખાનગી એજન્સીને સમગ્ર પ્રક્રિયા સોંપવામાં આવનાર છે. ત્યારે પ્રવર્તમાન પ્રક્રિયા મુજબ જુદા જુદા સરકારી વિભાગો પાસેથી ના-વાંધા પ્રમાણપત્ર મેળવવાની સીસ્ટમ છે. જેમાં ખૂબજ સમય વ્યતીત થાય છે. આ સંજોગોમાં બિનખેતી પ્રક્રિયા ઓનલાઈન થાય તે પૂર્વે જ જિલ્લા કલેકટર દ્વારા સંબંધીત વિભાગોને પોતાને લગતી જમીનો કે અન્ય બાબતોની તમામ વિગતોનો ડેટાબેઈઝ તૈયાર કરવા ખાસ બેઠક બોલાવી સુચના આપવામાં આવી હતી.
વધુમાં જિલ્લા કલેકટર દ્વારા બિનખેતી પ્રક્રિયા ઉપરાંત જમીન માંગણીના કિસ્સામાં પણ સંબંધિત વિભાગોનો ડેટાબેઈઝ ખાસ જરૂરી હોય માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, રેલવે, પીજીવીસીએલ, પુરાતત્ત્વ વિભાગ વગેરે વિભાગોને પોતાના હસ્તક રહેલી મિલકતોનો સંપૂર્ણ ડેટાબેઈઝ તૈયાર કરવો પડશે.
ઉલ્લેખનીય છે કે, પ્રવર્તમાન સમયમાં સરકારના મોટાભાગના વિભાગો પાસે પોતાની જમીન કે અન્ય હિત ધરાવતી મિલકતો કયાં આવેલી છે તેની જાણકારી હાવગી ન હોય ઘણાખરા કિસ્સામાં તો આવી મહત્વની બાબતની જાણકારી મેળવવામાં મહેસુલ વિભાગને ખાસો સમય વ્યતીત કરવો પડે છે.
આ સંજોગોમાં જિલ્લા કલેકટર દ્વારા તમામ વિભાગોને પોતાને લગતી વિગતોનો ડેટાબેઈઝ તૈયાર કરવા સુચના આપતા નવરાધૂપ બેસી રહેતા અનેક વિભાગોને કામે વળગવું પડશે.