- દબાણકારો વિરુદ્ધ ધડાધડ નોટિસો ઇસ્યુ કરવાનું શરૂ: થોડા જ દિવસોમાં
- કોઠારીયા-વાવડીના દબાણો ઉપર પણ મોટી કાર્યવાહીના નિર્દેશ
રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો ઉપર દબાણ કરનારાઓ પર તૂટી પડવા માટે જિલ્લા કલેક્ટરે આદેશ છોડ્યા છે. જેના પગલે છેલ્લા ત્રણ દિવસથી તંત્ર દ્વારા દબાણકર્તાઓ વિરુદ્ધ ધડાધડ નોટિસો ઇસ્યુ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત થોડા જ દિવસોમાં કોઠારીયા અને વાવડીમાં પણ કલેક્ટર તંત્ર મોટી કાર્યવાહી કરે તેવા નિર્દેશ મળી રહ્યા છે.
જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ અગાઉ જિલ્લાભરમાં સરકારી જમીનો ઉપર કેટલું દબાણ છે તેનો સર્વે કરવાનો પ્રાંત અધિકારીઓને આદેશ આપ્યો હતો. આ સર્વે બાદ હવે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ તમામ પ્રાંત અને મામલતદારોને સરકારી જમીન ઉપર ખડકેલા દબાણ ઉપર તૂટી પડવાનો આદેશ કર્યો છે.
હાલ મોટાભાગની પ્રાંત અને મામલતદાર કચેરીઓ સરકારી દબાણ ઉપર કાર્યવાહીની તૈયારીમાં લાગી ગઈ છે. અગાઉ તાલુકા મામલતદાર દ્વારા મોટા મવા, નાકરાવાડી અને રામપર સૂર્યામાં તેમજ લાપાસરી ગામે ખડકાયેલા દબાણ દૂર કરવાની નોટિસો ઇસ્યુ કરવામાં આવી હતી. ત્યારબાદ પશ્ચિમ મામલતદાર દ્વારા રૈયામાં ડીમોલેશન હાથ ધરી કરોડોની કિંમતની જમીન ખુલ્લી કરાવી હતી. ત્યાર બાદ પશ્ચિમ મામાલતદારે એકસાથે 40 જેટલા આસામીઓને સરકારી જમીન ઉપર ખડકેલું દબાણ હટાવવા નોટિસો ફટકારી હતી.
આમ મામલતદાર કચેરીઓ દ્વારા ધડાધડ દબાણ અંગેની નોટીસો ઇસ્યુ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ સરકારી જમીન ઉપર દબાણ કરવામાં કુખ્યાત કોઠારીયા અને વાવડી વિસ્તાર ઉપર પણ કલેક્ટર તંત્રની ખાસ નજર છે. હાલ આ વિસ્તારમાં ખડકાયેલા દબાણ ઉપર ધોસ બોલાવવા તંત્રએ તખ્તો તૈયાર પણ કરી લીધો છે.
આગામી થોડા જ દિવસોમાં તંત્ર દ્વારા કોઠારીયા અને વાવડી વિસ્તારમાં ખડકાયેલા દબાણો ઉપર દાખલારૂપ કામગીરી કરવામાં આવનાર છે. આવી જ રીતે જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ સરકારી દબાણો સામે તંત્ર આકરી કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે.
કોઠારીયા-વાવડીમાં સરકારી જમીન ઉપર બાંધકામ કરી તેને વેચી મારી ખરીદનારને બકરો બનાવવાની મોડેસ ઓપરેન્ડી તંત્રની રડારમાં
કોઠારિયા અને વાવડીમાં છેલ્લા ઘણા સમયથી સરકારી જમીન ઉપર બાંધકામ ખડકી દઈને તેને કોઈ અજાણ ખરીદનારને વેચી મારવાની મોડેસ ઓપરેન્ડી ચાલી રહી છે. આ મોડેસ ઓપરેન્ડી હાલ તંત્રની રડારમાં છે. અગાઉ પણ તંત્રના ધ્યાને આવા અનેક પ્રકરણ આવ્યા છે. આવા પ્રકરણમાં અમુક કિસ્સામાં ખરીદદાર જમીન સરકારી હોવાની વાતથી અજાણ હોય તેનો મરો થાય છે. માટે આવા પ્રકરણમાં તંત્ર લેન્ડ ગ્રેબિંગનું હથિયાર ઉગામે તો નવાઈ નહિ.