કેમિસ્ટ એસોસિએશને જિલ્લા કલેક્ટર સમક્ષ માસ્કનો પૂરતો જથ્થો વ્યાજબી ભાવે મળે તેવી વ્યવસ્થા કરી આપવાની માંગ કરી, કલેક્ટરે ખાતરી આપતા નહીવત નફાએ માસ્ક વેંચવાની કેમિસ્ટોએ આપી બાંહેધરી
જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને આજે જ્ઞાતિ મંડળો અને કેમિસ્ટ એસોસિએશન સાથે બેઠક યોજી હતી. જેમાં જ્ઞાતિ મંડળોને સામાજિક તેમજ ધાર્મીક કાર્યક્રમોમાં ભીડ એકત્ર ન કરવાની ભારપૂર્વક અપીલ કરી હતી. આ ઉપરાંત કેમિસ્ટ એસોસિએશને કલેક્ટર સમક્ષ માસ્ક વ્યાજબી ભાવે મળી રહે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી હતી. સામે કલેક્ટરે ખાતરી આપતા કેમિસ્ટોએ પણ સાવ નહીવત નફાથી માસ્કનું વેચાણ કરવાની બાહેંધરી આપી હતી.
હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર વર્તાય રહ્યો છે. જો કે ગુજરાતમાં હજુ એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. દરેક જિલ્લાઓમાં કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તમામ સરકારી વિભાગો કોરોનાનો પગપેસારો ન થાય તે માટે કમર કસી રહ્યા છે. કોરોના વાયરસનું જોખમ ભીડમાં વધી જતું હોવાનું નિષ્ણાતોનું માનવું છે. ઉપરાંત હાલની પરિસ્થિતિમાં માસ્કના વેચાણમાં કાળા બજાર થતા હોવાની વાતો પણ વહેતી થઈ છે. ત્યારે આ બન્ને મુદ્દે આજે જિલ્લા કલેકટર રેમ્યા મોહને જ્ઞાતિ મંડળો અને કેમિસ્ટ એસોસિએશન સાથે બેઠકો યોજી હતી.
વિવિધ સમાજ દ્વારા જિલ્લામાં સમૂહ લગ્નોત્સવ, સમૂહ ભોજન જેવા અસામાજિક કાર્યક્રમો તેમજ કથાઓ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું જે આયોજન થતું હોય તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા હોવાનું હાલની પરિસ્થિતિમાં જોખમી ગણી શકાય. માટે જ્ઞાતિ મંડળો સાથેની બેઠકમાં જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જ્ઞાતિ મંડળોના આગેવાનોને સામજિક કે ધાર્મિક કાર્યક્રમો શક્ય હોય તો ન યોજવા અને જો યોજવામાં આવે તો વધુ ભીડ એકત્ર ન કરવાની અપીલ કરી હતી. સામે જ્ઞાતિ મંડળોએ પણ જન આરોગ્યને ધ્યાને રાખીને તંત્રને પૂરતો સહયોગ આપવા સહમતી દર્શાવી હતી.
જ્યારે કેમિસ્ટ એસોસિએશનની બેઠકમાં કેમિસ્ટોએ માસ્કનો પૂરતો જથ્થો વ્યાજબી ભાવે ન મળતો હોવાની રાવ કરીને યોગ્ય વ્યવસ્થા કરી દેવાની જિલ્લા કલેક્ટર સમક્ષ માંગ ઉઠાવી હતી. ત્યારે જિલ્લા કલેક્ટરે ફેકટરી ધારકો સાથે ચર્ચા કરીને કેમિસ્ટોને પૂરતી માત્રામાં વ્યાજબીભાવે માસ્કનો જથ્થો અપાવવાની ખાતરી આપી હતી. સામે કેમિસ્ટોએ પણ માસ્કનું વેચાણ નહીવત નફે કરવાની બાહેંધરી આપી હતી.