Abtak Media Google News
  • બેઠક બાદ તંત્ર સૌરાષ્ટ્રના સૌથી મોટા મેળાના આયોજનમાં લાગી જશે : આ વખતે રાઈડની સેફટીના મુદા ઉપર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરાશે

રંગીલા રાજકોટના પ્રખ્યાત લોકમેળાની તૈયારીઓ હવે થોડા જ દિવસોમાં શરૂ થઈ જવાની છે. આના માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આવતીકાલે બેઠક યોજવામાં આવનાર છે.

રાજકોટના પ્રસિધ્ધ જન્માષ્ટમી લોકમેળામાં દર વર્ષે અંદાજે 15 લાખ જેટલા લોકો ઉમટી પડે છે. સતત પાંચ દિવસ સુધી રેસકોર્સ મેદાન મોજ- મસ્તી અને હલ્લા- ગુલ્લાનો જાણે મૂકામ બન્યો હોય તેવો માહોલ સર્જાય છે. આ લોકમેળામાં રમકડાના 210 સ્ટોલ તેમજ ખાણીપીણીના નાના 14 સ્ટોલ તેમજ મોટા 2 સ્ટોલ તથા આઈસ્ક્રીમના 16 સ્ટોલ હશે. તેમજ યાંત્રિક આઈટમો માટે અલગ અલગ પ્રકારના કૂલ 44 સ્ટોલ, ચકરડીઓ માટે 52 સ્ટોલનું આયોજન કરવામાં આવે છે. ઉપરાંત સરકારી સંસ્થાઓ માટે પણ અનેક સ્ટોલ હોય છે.

હવે જન્માષ્ટમી નજીક આવતા લોકમેળા સમિતિ દ્વારા હવે મેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે. આ માટે જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને  આવતીકાલે શનિવારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

આ બેઠકમાં કમિટીની રચના કરી કોને કઈ જવાબદારી સોંપવી તે નક્કી કરવામાં આવશે. આ બેઠકમાં સ્ટોલ ભાડા બાબતે હાલના તબક્કે કોઈ ચર્ચા કરવામાં નહીં આવે. બેઠકમાં વિવિધ ટેન્ડર અંગેની ચર્ચા પણ કરવામાં આવનાર છે.આ વર્ષે ટ્રાફિક સમસ્યાને ધ્યાને રાખીને રાજકોટની બહાર લોકમેળો લઈ જવાની વિચારણા કરવામાં આવી હતી. જેના માટે ગ્રાઉન્ડની તલાસી પણ તંત્રએ શરૂ કરી હતી.

જેમાં નવા રેસકોર્સ પાસે આવેલ સરકારી જમીન અને કણકોટ ગર્વમેન્ટ એન્જિનિયરીંગ કોલેજ પાસે આવેલી સરકારી જમીન પર લોક મેળો યોજવા માટે તપાસ કરી હતી, પરંતુ આ બન્ને ગ્રાઉન્ડમાં ભારે ખાડા ટેકરા હોય ત્યાં આ વર્ષે લોકમેળો યોજવો શકય ન હોય છેલ્લે રેસકોર્ષ ખાતે જ લોકમેળો યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાંધણ છઠ્ઠના દિવસે લોકમેળાનું ઉદઘાટન કરવામાં આવશે અને આ લોકમેળો પાંચ દિવસ ચાલશે. લોકમેળાની તડામાર તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેકટરે શનિવારે તા.29ના રોજ તમામ વિભાગોની બેઠક બોલાવી છે. જેમાં લોકમેળાની તૈયારીમાં લાગી જવા માટે દરેક વિભાગને સૂચના આપી દેવામાં આવશે. બીજી તરફ આ વખતે રાઈડની સેફટીના મુદા ઉપર આ વખતે સૌથી વધુ ધ્યાન કેન્દ્રીય કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

ઇશ્ર્વરીયા પાર્કની મુલાકાત લેતા કલેકટર  ડેવલપમેન્ટને લઈને આપ્યા મહત્વના સૂચનો

ઇશ્વરીયા પાર્કની જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ મુલાકાત લીધી હતી. તેઓએ ડેવલપમેન્ટને લઈને મહત્વના સૂચનો પણ આપ્યા છે. ઉપરાંત હાલ જે કામગીરી ચાલી રહી છે. તેની પણ જિલ્લા કલેકટર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા ગઈકાલે ઇશ્વરીયા પાર્કની મુલાકાત લેવામાં આવી હતી. આ વેળાએ પ્રાંત અધિકારી ડો.ચાંદની પરમાર અને ઇશ્વરીયાના મેનેજર પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેકટરે પાર્કમાં વધુમાં વધુ પ્રવાસીઓ આવે તે પ્રકારે આકર્ષણ વધારવાના મહત્વના સૂચનો આપ્યા હતા. ગેટ નં.2 પાસે 8 હજાર જેટલા વૃક્ષોનું વાવેતરની કામગીરી ચાલુ છે. જેનું પણ કલેકટરે નિરીક્ષણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ઇશ્વરીયા પાર્ક રાજકોટની ભાગોળે આવેલું સુંદર મીની હિલ સ્ટેશન છે. અહીં આવતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર સુધારો ન થઈ રહ્યો હોય જિલ્લા કલેકટર દ્વારા વધુમાં વધુ લોકો અહીં આવતા થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સાંઢીયા પુલ બંધ હોવાથી ટ્રાફિક વ્યવસ્થા મોટો પડકાર બનશે

રેસકોર્સમાં યોજાતા લોકમેળામાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો ઉમટી પડે છે. રેસકોર્સ નજીક આવેલ સાંઢીયા પુલ ટ્રાફિક વ્યવસ્થા માટે દર વર્ષે ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવતો હતો. પણ આ વખતે સાંઢીયા પુલ બંધ હોય તંત્ર માટે ટ્રાફિક વ્યવસ્થા મોટો પડકાર બનવાની છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.