દીવમાં હજુ સુધી કોરોનાનો પ્રવેશ થઇ શક્યો નથી અને હજુ ભવિષ્યમાં પણ દીવ ના લોકો આ ભયંકર વાઈરસથી સુરક્ષિત રહે તે માટે દીવ કલેક્ટર દ્વારા આગમચેતીના ભાગરૂપે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દીવ જિલ્લાની તમામ ચેકપોસ્ટો ઉપરની ગતિવિધિ બંધ કરવાનો આદેશ જારી કર્યો છે. બહારની કોઈપણ વ્યક્તિને દીવ કલેક્ટરની પરવાનગી વિના દીવ ની અંદર પ્રવેશ આપવામાં નહીં આવે.
દીવ જિલ્લા કલેકટર સલોની રાયે દીવ જિલ્લાની શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા શાકભાજી અને મચ્છી માર્કેટો હવેથી સપ્તાહમાં માત્ર ત્રણ દિવસ એટલે કે સોમ બુધ અને શનિવારે સવારે આઠ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો આદેશ જારી કર્યો છે તેમજ દીવ ખાતે આવશ્યક ચીજ વસ્તુઓનું વેચાણ કરતાં સ્થાનિક વેપારીઓ દ્વારા પણ સામાજિક અંતર અને સ્વચ્છતાના નીતિ-નિયમોનું પાલન કરી દુકાનો તમામ દિવસે આઠ થી ચાર દરમિયાન ખુલ્લી રાખી શકાશે. એમ જણાવ્યું હતું.
દીવના પાડોશી વિસ્તાર ઉના, દેલવાડા નવા બંદર સુધી કોરોનાના પોઝિટિવ કેસ આવવાના કારણે દીવ કલેક્ટર સલોની રાય દ્વારા દીવની બંને ચેકપોસ્ટની ગતિવિધિ બંધ કરવાનો આદેશ આપેલો છે અને કલેકટરની પરવાનગી વગર દીવ ચેકપોસ્ટની અંદર કોઈને પણ પ્રવેશ આપવામાં નહીં આવે તેવા પણ નિર્દેશ આપેલા છે.