કલેકટરની અપિલને પગલે મિત્ર મંડળે રેલ્વે મંડળને ૧૨૦૦ શ્રમિકોના રૂ. ૮,૭૦,૦૦૦ રોકડા ચૂકવીને ટિકિટ બૂક કરાવી આપી
કાનુડા મિત્ર મંડળના સ્વયંસેવકોએ યુદ્ધના ધોરણે રાતોરાત ૧૨૦૦થી વધુ ફૂડ પેકેટો તૈયાર કર્યા: વતન પહોંચવા સુધી શ્રમિકોને કોઇ પરેશાની ન પડે તેવી પૂરતી વ્યવસ્થા પણ ગોઠવી આપી
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા દેશમાં લોકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. લોકડાઉનના કારણે રાજકોટ શહેર અને ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા હજારો પ્રરપ્રાંતિય શ્રમિકો પોતાના વતનમાં જવા રઘવાયા બન્યા છે. જેથી જિલ્લા વહિવટી અને પશ્ર્ચિમ રેલ્વે તંત્ર દ્વારા રાજકોટ રેલ્વે જંકશન ખાતે વહેલી સવારે ૬ વાગ્યે અંદાજિત ૧૨૦૦ જેટલા પરપ્રાંતિય મજૂરોને વતન પરત ફરવા માટે ૨૫ કોચની શ્રમિક સ્પેશ્યલ ટ્રેનની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. આ શ્રમિકોની ટીકીટનું ઉદ્ભવિત થતા રાજકોટના કાનુડા મિત્ર મંડળે તક ઝડપી ૧૨૦૦ જેટલા શ્રમિકોની પ્રતિ ટિકીટ રૂા.૭૨૫ લેખે રૂા.૮,૭૦,૦૦૦ રેલ્વે તંત્રને ચૂકવી આપીને સેવાનું અનોખુ કાર્ય કર્યુ હતું.
આ વેળાએ કલેકટર રેમ્યા મોહન, અધિક કલેકટર પરિમલ પંડયા, નાયબ પોલીસ કમિશ્ર્નર મનોહરસિંહ જાડેજા, પ્રાંત આધિકારી ચરણસિંહ ગોહિલ, સિંધ્ધાર્થ ગઢવી, ડી.આર.એમ. પરમેશ્ર્વર ફૂકવાલ, સિનિયર ડિવીઝનલ કોમ મેનેજર રવિન્દ્ર શ્રીવાસીવ સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાનુડા મિત્ર મંડળે ટીકીટની વ્યવસ્થાની સાથો સાથ વહેલી સવારે ૩:૩૦ વાગ્ય. આશરે ૪૦ સીટી બસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં રહેતા પ્રરપ્રાંતિય શ્રમિકોને રેલ્વે સ્ટેશન પર લાવવામાં પણ મદદ કરી હતી. તે પહેલા તેઓનું મેડીકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું. તમામ શ્રમિકોને રેલ્વે સ્ટેશન પર માસ્ક આપવામાં આવ્યાં હતાં.
સ્પેશ્યલ ટ્રેનમાં જતા ૧૨૦૦ શ્રમિકોની વિદાય વખતે તમામને ચા-બીસ્કીટ ઉપરાંત વસ્તુઓ જેવી કે વેફર્સ, બિસ્કીટ, ગાંઠીયા, સેવ મમરા વગેરે નાસ્તો તેમજ બે લીટરની પાણીની બોટલ આપવામાં આવી હતી. આ તમામ કીટની બનાવવાની તૈયારી ગઇકાલ રાત્રે ૮થી શરૂ કરીને વહેલી સવાર સુધીમાં કાનુડા મિત્ર મંડળના દ્વારા કરવામાં આવી હતી. આજે વહેલી સવારે ૨૦૦થી વધુ પોલીસ જવાનોએ રેલ્વે પ્રોટેકશન ફોર્સ સાથે મળીને સમગ્ર રેલ્વે જંકશન વિસ્તારને કોર્ડ ન કરીને કોઇપણ જાતનાં અનિચ્છિનીય બનાવ ન બને તેની તકેદારી રાખી હતી.
આ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનને રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા વહેલી સવારે ૬ વાગ્યે વિદાય આપવામાં આવી હતી. વિદાય વખતે તમામ પરપ્રાંતિય શ્રમિકોને વતનમાં જવાની ઇચ્છા સાકાર થતા તેઓની આખમાં હર્ષના આસુ જોવા મળ્યા હતા.
આમ કાનુડા મિત્ર મંડળનાં અનીલભાઇ દેસાઇ, કેતનભાઇ પટેલ, કલ્પેશભાઇ શાહ, વિભાશભાઇ શેઠ, ગજેન્દ્રસિંહ રાઠોડ, પીયુષભાઇ મહેતા, કૃષાણ મણીયાર, રાકેશભાઇ રાજદેવ અને રૂપલબેન રાજદેવ સહિતનાંએ શ્રમિકોની વ્હારે આવીને માનવતાનું ઉતમ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.