ભાજપ પ્રદેશ પ્રમુખની મૂલાકાતમાં કોરોનાનાં ગાઈડલાઈનના લિરે લિરા ઉડ્યા હતા: કોંગ્રેસના આક્ષેપ
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખે કોરોનાનું સંક્રમણ ફેલાવ્યું છે. રાજકોટ અને ગુજરાતની જનતા પર મહામારીનો ખતરો વઘ્યો છે.ભાજપના કાર્યકરો સરાજાહેર ગરબા રમ્યા : સોસીયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો અને કોરોના ગાઈડલાઈનનો ઉલાળો કરનાર ભાજપના નેતાઓ સામે પગલા ભરવાની માંગ સાથે કાલે કોંગ્રેસના ચાર કોર્પોરેટરો કલેકટર કચેરી ખાતે સવારે ૧૧ કલાકે ઉપવાસ-ધરણા ઉપર બેસશે.
મહાપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, ઉપનેતા મનસુખભાઈ કાલરીયા, દંડક અતુલભાઈ રાજાણીએ વધુમાં જણાવ્યું છે કે દસ દિવસ પૂર્વે ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા સૌરાષ્ટ્રભરમાં રેલીઓ કાઢી શક્તિ પ્રદર્શન કર્યું હતું ત્યારે કોરોના મહામારીની ગંભીર પરિસ્થિતિઓમાં સત્તાના મદમાં રાચતા ભાજપના નેતાઓએ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની જનતાને કોરોના મહામારીનો ભયંકર સંક્રમણ ફેલાવ્યું છે ત્યારે આવી ગંભીર બેદરાકારી દાખવવાથી ભોળી જનતાને ભાજપ પક્ષે કોરોના સંક્રમણ ભેટમાં આપ્યું હોય તેવું લાગે છે કારણકે આ ગંભીર મહામારી ચાલી રહી હોય ત્યારે સમગ્ર દેશમાં તમામ ધાર્મિક તહેવારો, સામાજિક કાર્યક્રમો સહીતના મેળાવડા થતા હોય ત્યાં સરકારે રોક મુક્યો છે ત્યારે ભાજપ પક્ષ દ્વારા ગુજરાત ભાજપના નવ નિયુક્ત પ્રમુખ દ્વારા પોતાની શક્તિ દેખાડવામાં સત્તાના નશામાં રાચતા નેતાઓ એ ગુજરાતની જનતાની દરકાર લીધી નથી. સામાન્ય નાગરિકો પાસેથી માસ્ક ન પહેરવાના રૂ.૧,૦૦૦/- જેવો તોતિંગ દંડ વસુલવામાં આવી રહ્યો છે તેમજ ઘાર્મિક અને લગ્ન પ્રસંગોમાં પાંચ કરતા વધુ વ્યક્તિઓ હોય તેની પાસેથી રૂ.૨,૦૦૦/- થી રૂ.૨,૫૦,૦૦૦/- જેવો દંડ વસુલવા સરકાર દ્વારા હુકમો કરવામાં આવેલા છે ત્યારે આ ભાજપના નેતાઓ એ જયારે કાંડ કર્યો છે અને મહામારીનું સંક્રમણનો છડેચોક ફેલાવો કર્યો છે ત્યારે શા માટે સરકારી તંત્ર કોઈ કાર્યવાહી કરી નથી ? તેવા વેધક સવાલો પણ કર્યા છે.
ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સામે કોવીડ-૧૯ ગાઈડલાઈન ભંગ કરેલ છે તેમજ સોસીયલ ડિસ્ટન્સ ન જાળવવા અને ૪ કરતા વધુ લોકો એકઠા કરવા, કલમ ૧૪૪ નો ભંગ કરવા બદલ ગુન્હો દાખલ કરવા અને કોરોના મહામારીનું સંક્રમણ ફેલાવવા સહિતના ગુન્હાઓ નોંધવા માટે કોંગ્રેસ દ્વારા બે વખત ફરિયાદ રૂપી રજુઆતો પરત્વે કલેકટરે પ્રેસ મીડિયાની હાજરીમાં કહેવામાં આવેલ હતું કે બે દિવસમાં કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવેલ હતી અને બે દિવસ વીતી ગયા હોવા છતાં કોઈ જ કાર્યવાહી ન થતા નાં છુટકે અમારે ઉપવાસ-ધરણા કરવાની ફરજ પડી છે જેથી કલેકટર કચેરી ખાતે ગાંધીચિંધ્યા રાહે કોંગ્રેસના ચાર કોર્પોરેટરો ઉપવાસ-ધરણાની મંજૂરી આપવા માંગણી કરી છે.