આવતીકાલે મુખ્યમંત્રીના ભરચક કાર્યક્રમોની તૈયારીમાં વ્યસ્ત બનતું જિલ્લા વહિવટી તંત્ર
બે દિવસ બાદ જન્માષ્ટમી તહેવારનો માહોલ શરૂ થઈ રહ્યો છે ત્યારે જિલ્લા કલેકટર દ્વારા તહેવારોના મીની વેકેશન પૂર્વે કામગીરી હળવી કરવા આજે એક સાથે ૧૨૮ મહેસુલી અપીલ કેસોની સુનાવણી હાથધરી હતી. સાથોસાથ બપોર બાદ જિલ્લા કલેકટર દ્વારા મુખ્યમંત્રીના રાજકોટ આગમન અંગે વિડીયો કોન્ફરન્સ તેમજ સાંજના સમયે બેઠક પણ યોજનાર હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા દ્વારા મહેસુલ અપીલ કેસોનો ફટાફટ નિકાલ કરવા પ્રત્યેક બોર્ડમાં સરેરાશ ૬૦ થી ૬૫ કેસોની સુનાવણી કરવામાં આવે છે ત્યારે આગામી તહેવારોને ધ્યાને લઈ આજના બોર્ડમાં ૧૨૮ મહેસુલી કેસોની સુનાવણી હાથ ધરવામાં આવતા આજે કલેકટર કચેરીમાં અરજદારોનો મેળાવડો જામ્યો હતો.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં જિલ્લા કલેકટર દ્વારા પડતર મહેસુલી અપીલ કેસો પૈકી ૫૫૦ થી વધુ કેસોનો નિકાલ કરી દેવાયો છે અને આગામી નવેમ્બર માસ સુધીમાં તમામ પેન્ડીંગ કેસોનો નિકાલ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. દરમિયાન આજે અપીલ કેસોની સુનાવણી બાદ બપોરે જિલ્લા કલેકટર દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આગમનની તૈયારીના ભાગરૂપે યોજાનાર વિડીયો કોન્ફરન્સમાં તૈયારીઓ રજુ કરી સાંજના સમયે અગત્યની મીટીંગ પણ યોજી હોવાનું સતાવાર સુત્રોમાંથી જાણવા મળ્યું છે.