- હાઇવે એન્ટ્રી ગેટ આગળ મોટી સાઈઝમાં સાઈનેજીસ, ચોકમાં હાઈ માસ્ટ લાઇટિંગ લગાડવા સૂચના
- કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ
- રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં અને પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોરની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં રાજકોટ જિલ્લા સંલગ્ન જુદા જુદા હાઇવે પર નિર્ધારિત બ્લેક સ્પોટ પર વાહન અકસ્માતના કારણોની ચર્ચા કરવામાં આવી હતી, તેમજ આ સ્થળોએ જરૂરી માર્ગદર્શક સાઈનેજીસની સાઈઝ વધારવા, ડાયવર્ઝન સ્મૂધ બનાવવા, હાઇવે ચોકમાં હાઈ માસ્ટ લાઇટિંગ લગાડવા વિવિધ એજન્સીને કલેકટરએ સૂચનાઓ આપી હતી.
આ તકે અધ્યક્ષશ દ્વારા હાઇવે આસપાસ આવેલ નડતરરૂપ ધાર્મિક સ્થળો, હોટલ, શોરૂમ, દુકાનો તોડી પાડવા તેમજ ગેપ ઇન મીડીયમ તોડતા લોકો વિરુદ્ધ ફરિયાદ કરવા સૂચના આપી હતી.
રોડ સેફટી એક્સપર્ટ જે. વી. શાહ અને આર.ટી.ઓ. ખપેડ દ્વારા રોડ સેફટી ઉપરાંત ગુડ સમરીટન યોજના અંગે જનજાગૃતિ અર્થે કરવામાં આવેલા સેમિનારની વિગતો પુરી પાડી હતી.
ખાસ કરીને હાઇવે પર ચાલતા પદ યાત્રી સંઘને રોડ અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું હોઈ તેઓને તકેદારી અંગે માર્ગદર્શિકા મુજબ જમણી તરફ ચાલવા અને કેમ્પ લગાવવા જે. વી. શાહે ખાસ અનુરોધ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં કિશાન, મારુતિ પંપ, શાપર બ્રિજ, ઉમવાડી તેમજ જામવાડી પાસે અકસ્માતોનું પ્રમાણ વધારે જોવા મળે છે. રોડ અકસ્માત માટે ઓવર સ્પીડ, ઓવર લોડિંગ વાહનો જવાબદાર છે. તેમજ વાહન ચાલક હેલ્મેટ ન પહેરતા હોઈ અકસ્માતે મૃત્યુ પામવાની ઘટના સામે આવે છે.
આ બેઠકમાં બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય, એ.સી.પી. ટ્રાફિક જે.બી. ગઢવી, એસ.ટી. વિભાગીય નિયામક કરોતરા, 108 ના ચેતન ગાધે, ડી.ઈ.ઓ ધંધુકિયા, સિવિલ તબીબ, નેશનલ હાઇવે ઓથોરિટી, રૂડા, શિક્ષણ, આર. એન્ડ. બી, એલ.એન્ડ.ટી. સહીત વિવિધ વિભાગના અધિકારી તેમજ પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા.