કચ્છ કલેક્ટર અમિત અરોરાએ તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ સાથે સમીક્ષા બેઠક યોજી
ભારતીય હવામાન વિભાગ દ્વારા સંભવિત વાવાઝોડા “બિપરજોય” અંગે આગાહી કરવામાં આવી છે. ત્યારે કચ્છ જિલ્લા વહીવટીતંત્ર પણ સતર્ક બન્યું છે. આજરોજ જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ ભુજ કલેક્ટર ઓફિસ ખાતે તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ અને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે વાવાઝોડા પૂર્વેની સલામતી અને બચાવ રાહતની કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજી હતી. કલેક્ટરશ્રીએ તમામ અધિકારીશ્રીઓ પાસેથી વાવાઝોડા સંદર્ભે પૂર્વ તૈયારીઓની વિગતો માગીને ઝીરો કેઝ્યુઆલટીના અભિગમ સાથે કામગીરી કરવા માટે આદેશ આપ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ બિપરજોય વાવાઝોડું કચ્છ જિલ્લામાં લેન્ડફોલ કરે તેવી શક્યતાઓ છે ત્યારે વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ અધિકારી ઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, જો કચ્છ જિલ્લાના દરિયાકાંઠે વાવાઝોડું લેન્ડફોલ કરે તો ગણતરીના કલાકોમાં તમામ નુકસાનીનું રિસ્ટોરેશન થઈ શકે તે જરૂરી છે. ખાસ કરીને વીજળી, પાણીની વિતરણની સુવિધા અને કમ્યુનિકેશન નેટવર્ક વહેલીતકે ફરીથી સ્થાપિત થઈ શકે તે અગત્યનું છે. આ બાબત પર ભાર મૂકીને જ સર્તકતાથી આયોજનબદ્ધ કામગીરી કરવા માટે જિલ્લા કલેક્ટરશ્રીએ તમામ અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.
ખાસ કરીને અગરિયાઓને વર્તમાન પરિસ્થિતિને લઈને સલામત સ્થળે ખસી જવા માટે કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો હતો. તેઓએ તમામ અધિકારીશ્રીઓ વાવાઝોડાની પરિસ્થિતિને ગંભીરતાથી લઈને જિલ્લા હેડક્વાટર્સ છોડે નહીં તે બાબતે તાકીદ કરી હતી. કાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની હવામાન વિભાગની આગાહીના પગલે પોલીસ વિભાગને સતત પેટ્રોલિંગ કરીને કોઈ જ વ્યક્તિ દરિયાકાંઠે ના જાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
ભારે પવનના લીધે ઝાડ પડી જવાના કિસ્સામાં પણ જાનમાલની ખુવારી થતી હોય છે. આ માટે ફોરેસ્ટ વિભાગ, નગરપાલિકા વગેરેના અધિકારીશ્રીઓને યુદ્ધના ધોરણે જોખમી ઝાડની ટ્રિમીંગની કામગીરી કરવા માટે જણાવ્યું હતું. વધુમાં વાવાઝોડા બાદ પણ પીવાના શુદ્ધ પાણીનો જથ્થો ઉપલબ્ધ રહે તે માટે શેલ્ટર હોમ્સ ખાતે રિઝર્વ સ્ટોરેજ ઉભો કરવા માટે સૂચના આપવામાં આવી હતી.નાગરિકોને કોઈપણ પ્રકારની અફવાઓમાં દોરાયા વગર સરકારી તંત્ર દ્વારા સમયાંતરે અપાતી સૂચનાઓનું પાલન કરવા જિલ્લા કલેક્ટરએ અનુરોધ કર્યો હતો. આ મીટિંગ દરમિયાન પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલા અને જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિએ પણ જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન અધિકારીશ્રીઓને આપ્યું હતું. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા, સ્ટેમ્પ ડ્યૂટી ડે. કલેક્ટર આર.કે.ઓઝા, સર્વે પ્રાંત અધિકારીઓ, સર્વે મામલતદારશ્રીઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.