• રાજકોટના 3 બનાવમાં રૂ.2-2 લાખનું વળતર મંજુર કરી વીમા કંપનીને દરખાસ્ત મોકલી અપાઈ
  • હવે વીમા કંપની અંદાજે 15 દિવસમાં વળતરનો ચેક હતભાગી પરિવારને આપશે : કચેરીને નવી વધુ 10 અરજીઓ પણ મળી

નવા કાયદા મુજબ હિટ એન્ડ રનમાં રાજ્યમાં સૌપ્રથમ વળતર મંજુર રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટના ત્રણ બનાવમાં રૂ.2-2 લાખનું વળતર મંજુર કરી વીમા કંપનીને દરખાસ્ત મોકલી અપાઈ છે. હવે વીમા કંપની અંદાજે 15 દિવસમાં વળતરનો ચેક હતભાગી પરિવારને આપશે.

સરકારે હિટ એન્ડ રન માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારજનોને વળતરની રકમ રૂપિયા 25,000 થી વધારીને 2 લાખ કરી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે હિટ એન્ડ રન રોડ અકસ્માત પીડિતો માટે વળતરની રકમમાં વધારો કરવાની યોજના મંજુર કરાવી છે. જેમાં માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકો માટે 50,000 રૂપિયાનું વળતર સૂચવવામાં આવ્યું છે.

આ નવા કાયદા બાદ રાજ્યમાં સૌપ્રથમ રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ હિટ એન્ડ રનના ત્રણ કેસોમાં વળતર મંજુર કર્યું છે. આ ત્રણેય પરિવાર તરફથી ફોર્મ મળતા કલેકટર દ્વારા તમામ બાબતો ચકાસીને વળતર આપવા ઉપર મહોર લગાવી દીધી છે.  હવે આ દરખાસ્ત જનરલ ઈન્સ્યોરન્સ નામની વીમા કંપનીને મોકલવામાં આવી છે. હવે વીમા કંપની અંદાજે 15 દિવસમાં આ વળતરનો ચેક પરિવારને સોંપશે તેવું જાણવા મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે હિટ એન્ડ રનના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે. આ બે કેસોમાં વળતર મંજુર કર્યા બાદ બીજી 10 અરજીઓ પણ જિલ્લા કલેકટર સમક્ષ આવી છે. આ અરજીઓ અંગે થોડા દિવસોમાં નિર્ણય લેવામાં આવશે.

વધુમાં સત્તાવાર આંકડાઓ અનુસાર, વર્ષ 2019 દરમિયાન દેશમાં કુલ 4,49,002 માર્ગ અકસ્માતોમાં 1,51,113 લોકોના મોત થયા છે. વળતર મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, હિટ એન્ડ રન અકસ્માત પીડિતોના વળતર માટે યોજના બદલવાની જરૂર હતી. જેને ધ્યાને લઇ ગંભીર ઈજા માટે વળતર રૂ. 12,500 થી રૂ.50,000 અને મૃત્યુ માટે વળતર રૂ .25,000 થી  વધારી રૂ. 2,00,000 સુધી આપવામાં આવશે. આ યોજના 1989માં બનેલી વળતર યોજનાના સ્થાને લાગુ કરવામાં આવશે.

હિટ એન્ડ રનના કેસમાં મામલતદારનો સ્ટાફ મૃતકના ઘરે જઈ સહાયની કાર્યવાહી હાથ ધરશે

જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું કે હિટ એન્ડ રનના કેસમાં મૃત્યુ નીપજયાના કિસ્સામાં જે પરિવાર સાથે આ બનાવ બન્યો હોય છે તે શોકગ્રસ્ત હોય છે. તેવા સમયે ઘણા પરિવારો સહાય માટે અરજી ન પણ કરી શકે. જેને ધ્યાને લઈને હવે જિલ્લામાં એ પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે કે દરેક આવા હતભાગી પરિવારને સહાય મળે. આવો કોઈ કેસ બનશે એટલે પોલીસ તુરંત મામલતદાર કચેરીને એફઆઈઆર મોકલશે. જે બાદ મામલતદાર કચેરીનો સ્ટાફ હતભાગી પરિવારના ઘરે જઈ ફોર્મ ભરવા સહિતની તમામ પ્રોસેસ કરશે. બાદમાં કલેકટર કચેરી કક્ષાએથી અકસ્માત વીમો મંજુર કરાવીને તેને વીમા કંપની સમક્ષ મુકવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.